________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૪
૩૦૧ ગમનાદિ કરતા હોય તે કાળે પણ સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ જીવો છે તેવું જ્ઞાન ન થાય કે ઇન્દ્રિયગોચર ન થાય ત્યારે અનાભોગથી પૃથ્વીકાય આદિની વિરાધના થાય છે, જ્યારે સાધુ નદી ઊતરે છે ત્યારે તેને સ્પષ્ટ જ્ઞાન છે કે નદીના જીવોની વિરાધના થશે તેથી આભોગપૂર્વકની વિરાધના છે. વળી કોઈ સાધુ યતનાપૂર્વક ગમન કરતા હોય તે વખતે કોઈ સૂક્ષ્મત્રસ જીવ ઇન્દ્રિયગોચર ન થાય તો અનાભોગથી તેઓની હિંસા થાય છે અને ક્યારેક સ્પષ્ટ જાણતા હોય કે જીવાકુલ ભૂમિ છે, પરંતુ તેનો પરિવાર અશક્ય હોય તો સાધુથી આભોગપૂર્વકની પણ ત્રસાદિની હિંસા થાય છે. આથી જ શાસનરક્ષાર્થે આભોગપૂર્વક વિષ્ણુકુમાર મુનિએ નમુચિનો વધ કર્યો.
વળી, પૃથ્વીકાય આદિ જીવોના વધમાં પણ આભોગપૂર્વકનો વધ કરાયો હોય કે અનાભોગપૂર્વકનો વધ કરાયો હોય ત્યારે તેની વિરાધનામાં પૃથગુ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહેલું છે. તેથી સાધુને નદી ઊતરવામાં જલના જીવોનો અનાભોગ છે આભોગ નથી એમ જે પૂર્વપક્ષી કહે છે તે અર્થ વગરનું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે અપવાદ વગર જાણીને જીવઘાત કરનાર જો અસંયત ન થાય તો જગતમાં અસંતપણાનું કથન જ ઉચ્છેદ પામે. આ પ્રકારે કહીને પૂર્વપક્ષી એ સ્થાપન કરે છે કે અપવાદના પ્રયોજનથી મહાત્માએ જાણીને નમુચિને મારેલો એ સિવાય જાણીને કોઈ જીવઘાત કરે અર્થાત્ મારી પ્રવૃત્તિથી કોઈ જીવઘાત થશે એમ જાણવા છતાં તે પ્રવૃત્તિ કરે તો તેને અસંયત જ કહેવો પડે; કેમ કે જો તેમ ન સ્વીકારવામાં આવે તો બધા હિંસકને પણ સંયત કહેવાનો પ્રસંગ આવે. આમ કહીને પૂર્વપક્ષી એમ કહે છે કે કેવલીને અપવાદનું કોઈ પ્રયોજન નથી અને પોતાના ગમનથી જીવવધ છે એમ જાણીને જીવવધ થાય એ પ્રકારે કેવલી ગમનાદિ કરે તો કેવલીને અસંયત સ્વીકારવાની આપત્તિ આવે. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન પૂર્વના કથનથી અપાસ્ત છે; કેમ કે અપવાદ વગર પણ સામાન્ય સાધુઓ નદી આદિ ઊતરે છે ત્યારે આભોગપૂર્વકની વિરાધના કરે છે અને અપવાદના અનધિકારી ઉત્કૃષ્ટ ચારિત્રવાળા પ્રતિમાને ધારણ કરનારા અને જિનકલ્પી આદિ નદી ઊતરે છે ત્યારે આભોગપૂર્વકની જીવવિરાધનાની પ્રાપ્તિ છે. આશય એ છે કે સાધુ જ્ઞાન આદિની વૃદ્ધિ અર્થે નદી ઊતરે ત્યારે અપવાદિક નદી ઊતરવાની પ્રવૃત્તિ છે અથવા કોઈ ઉપદ્રવ આદિના પ્રયોજન વખતે નદી ઊતરે ત્યારે અપવાદથી નદી ઊતરે છે; પરંતુ તેનું કોઈ પ્રયોજન ન હોવા છતાં ઉચિત ક્ષેત્રમાં જવાથી યોગ્ય જીવોને ઉપકાર થાય છે અને નદી ઊતરવા સિવાય ગમનનો માર્ગ નથી ત્યારે અપવાદ વગર પણ સામાન્ય સાધુઓ નદી ઊતરે છે ત્યારે આભોગપૂર્વકની નદીના જીવોની વિરાધના છે; છતાં જિનવચનાનુસાર સંયમવૃદ્ધિના પ્રયોજનથી અને યોગ્યજીવોના ઉપકારના પ્રયોજનથી સાધુ નદી ઊતરે ત્યારે આભોગપૂર્વકની હિંસા હોવા છતાં સાધુને દોષની પ્રાપ્તિ નથી. વળી જિનકલ્પી આદિ અપવાદપદના અધિકારી ન હોવા છતાં નદી ઊતરે છે ત્યારે તેઓના નદી ઊતરવાના કાળમાં આભોગપૂર્વકની જીવવિરાધના થાય છે; આમ છતાં સર્વજ્ઞના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોવાથી જેમ તેઓને ઘાતકચિત્તની પ્રાપ્તિ નથી તેમ કેવલીને પણ તેમના યોગથી થતી હિંસામાં ઘાતકચિત્તની પ્રાપ્તિ નથી.