________________
૨૮૪
ધર્મપરીક્ષા ભાગ-૨| ગાથા-પ૩ જેમ વિવેકસંપન્ન શ્રાવકને પૂજાથી પુષ્પ આદિ જીવોની હિંસા છે એવું જ્ઞાન હોવા છતાં પુષ્પ આદિથી જિનપૂજા દ્વારા ભગવાનના ગુણોમાં વધતો જતો બહુમાનનો ભાવ નિર્જરા પ્રત્યે હેતુ બનવાથી પુષ્પ આદિથી પૂજા કરવાને કારણે પુષ્પ આદિના જીવોની થતી હિંસાને અનુકૂળ એવી જિનપૂજાની ક્રિયા પણ અધ્યવસાયની શુદ્ધિ દ્વારા નિર્જરાનું કારણ છે તેમ સાધુની નદી ઊતરવાની ક્રિયા અધ્યાત્મની શુદ્ધિ દ્વારા નિર્જરાનો હેતુ છે માટે વ્યવહારનયથી થતી અપવાદિક હિંસાને નિર્જરા પ્રત્યે હેતુ સ્વીકારવામાં બાધ નથી; કેમ કે જે આશ્રવો છે તે સંવરો છે એ પ્રકારનું વચન છે. તે ન્યાયથી પુષ્પ આદિ જીવોની હિંસા મોહની વૃદ્ધિ દ્વારા કર્મબંધનું કારણ હોવાથી જેમ આશ્રવરૂપ છે તે જ પુષ્પ આદિ જીવોની હિંસા ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનની વૃદ્ધિનું કારણ હોવાથી સંવરરૂપ છે, તેથી નિર્જરાનું કારણ છે. તે જ રીતે સુસાધુ પણ જલજીવોની વિરાધનારૂપ નદી ઊતરવાની ક્રિયા કરીને પણ સંયમના કંડકોની વૃદ્ધિ કરે છે તેથી જલજીવોની વિરાધના પણ સંવરભાવ રૂપ હોવાથી નિર્જરાનું કારણ બને છે. માટે આશ્રવરૂપ એવી હિંસા પણ ઉત્તમ અધ્યવસાયનું કારણ બને ત્યારે સંવરરૂપ બને છે. આથી જ શાસન રક્ષા અર્થે પંચેન્દ્રિયના વધમાં પ્રવૃત્ત મહાત્મા પણ પંચેન્દ્રિયના વધની ક્રિયા દ્વારા જ અધ્યાત્મની વિશુદ્ધિથી વિપુલ નિર્જરાને પ્રાપ્ત કરે છે.
વળી પૂર્વપક્ષીએ કહેલ કે જો વિરાધનાને નિર્જરાનું કારણ કહેવામાં આવે તો જેમ તપ-સંયમ નિર્જરાનું કારણ હોવાથી અતિશયથી કર્તવ્ય છે તેમ જીવવિરાધના પણ નિર્જરાનું કારણ હોવાથી પ્રચુર માત્રામાં કર્તવ્ય થાય, માટે જીવવિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે જ નિર્જરાનું કારણ માનવી જોઈએ. તેના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
નિમિત્તકારણના ઉત્કર્ષ-અપકર્ષ કાર્યના ઉત્કર્ષ-અપકર્ષના પ્રયોજક નથી. એથી નિર્જરાના ઉત્કર્ષ માટે તેવી હિંસાના ઉત્કર્ષના આશ્રયણની આપત્તિ નથી. આશય એ છે કે બાહ્ય તપની આચરણા અંતરંગ ભાવોના ઉત્કર્ષ પ્રત્યે નિમિત્તકારણ છે. તેથી બાહ્યતપ અંતરંગ અધ્યવસાયમાં ઉપયોગી હોય તેટલી માત્રામાં જ કર્તવ્ય બને છે; પરંતુ અંતરંગ ભાવવિશુદ્ધિનું કારણ ન બને એવા બાહ્ય તપનો ઉત્કર્ષ નિર્જરાના ઉત્કર્ષનું કારણ નથી. જેમ ભગવાન પ્રત્યેની ભક્તિના ભાવના ઉત્કર્ષ અર્થે પુષ્પ આદિ જીવોની વિરાધના જેટલી ઉપયોગી છે તેટલી જ આશ્રયણીય છે અધિક નહીં, તેમ યતનાપરાયણ સાધુની નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસા અધ્યવસાયના ઉત્કર્ષ માટે જેટલી આવશ્યક હોય તેટલી જ આશ્રયણીય છે, તેનાથી અધિક નહીં. જેમ ભગવાનની ભક્તિમાં અનુપયોગી એવી કોઈ હિંસા પૂજાકાળમાં ન થાય તેવી યતના વિવેકી શ્રાવક કરે છે તેમ સુસાધુ પણ જિનવચનનું સ્મરણ કરીને ભાવના ઉત્કર્ષમાં ઉપયોગી થાય તે રીતે યતનાપૂર્વક નદી ઊતરે છે. તેથી યતનાપરાયણ સાધુની નદી ઊતરવાની ક્રિયાથી અધ્યવસાયની વિશુદ્ધિ થાય તો તે મહાત્મા કેવળજ્ઞાન પણ પામે છે, માટે નિર્જરારૂપ કાર્યના ઉત્કર્ષ કે અપકર્ષ પ્રત્યે હિંસારૂપ નિમિત્તકારણનો ઉત્કર્ષ કે અપકર્ષ કારણ નથી; પરંતુ તે હિંસાની ક્રિયાથી ઉલ્લસિત થતા અંતરંગવીર્યના ઉત્કર્ષથી જ નિર્જરાનો ઉત્કર્ષ થાય છે. માટે નિર્જરાના ઉત્કર્ષના અર્થીએ ઘણી હિંસાનું આશ્રયણ કરવું જોઈએ એ પ્રકારે જે પૂર્વપક્ષી કહે છે તે અર્થ વગરનું છે.