________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩
જેમાં એવી જીવિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે; પરંતુ જીવઘાતપરિણામ રહિત એવી વિરાધના પ્રતિબંધક નથી. તેથી વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટઅભાવ શુદ્ધવિશેષણરૂપ પ્રાપ્ત થવાથી વિશેષ્યાભાવપ્રયુક્ત એવા વિશિષ્યભાવનું શુદ્ધવિશેષણરૂપનો સંભવ હોવાથી જીવઘાતનો પરિણામ પણ નિર્જરાનો હેતુ પ્રાપ્ત થશે. આ પદાર્થની સૂક્ષ્મ ચર્ચા પૂ. ઉ. શ્રી યશોવિજયજી મહારાજાકૃત દાનબત્રીસીના ૩૧મા શ્લોકમાં કરેલ છે, તેથી અહીં તેનો વિસ્તાર કરાયો નથી. જિજ્ઞાસુએ ત્યાંથી જોવું.
૨૩
પૂર્વપક્ષીના મતે પ્રતિબંધકાભાવરૂપે સાધુની યતનાપૂર્વકની નદી ઊતરવાની ક્રિયાને નિર્જરાનો હેતુ સ્વીકારવામાં આવે તો જીવઘાતપરિણામને પણ નિર્જરાના હેતુ સ્વીકારવાની આપત્તિ આવે, માટે તેનો તર્ક માર્ગાનુસારી નથી. આ આપત્તિના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે વર્જનાભિપ્રાય દ્વારા વિરાધનામાં વર્તતું જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ જ ત્યાગ થાય છે માટે સ્વરૂપ વગરની વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક થઈ શકતી નથી. તેથી જેઓને જીવહિંસાના વર્જનનો અભિપ્રાય નથી તેવી હિંસામાં જીવઘાતજન્યત્વપરિણામ છે તેથી તે વિરાધનાથી નિર્જરા થતી નથી. આથી જ વર્જનાભિપ્રાય વગરના ધર્માનુષ્ઠાન કરનારા મહાત્માને નિર્જરાની પ્રાપ્તિ થતી નથી અને જેઓને જીવહિંસાના વર્જનનો અભિપ્રાય છે તેઓની તે હિંસા જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપવાળી નહીં હોવાથી નિર્જરા પ્રત્યે તે હિંસા પ્રતિબંધક થતી નથી. માટે વર્જન અભિપ્રાયને કારણે નિર્જરા થાય છે. આ પ્રકારે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે
જીવઘાતપરિણામજન્યત્વ આત્મક વિરાધનાનું સ્વરૂપ વિરાધનાપદની પ્રવૃત્તિનિમિત્ત છે ? કે વિરાધનાપદનું વિશેષણ છે ? જો પૂર્વપક્ષી કહે કે જીવઘાતપરિણામજન્યત્વ વિરાધનાપદની પ્રવૃત્તિનિમિત્ત છે અને તે વિરાધનાપદની પ્રવૃત્તિનિમિત્ત યતનાપૂર્વક સાધુની નદી ઊતરવાની ક્રિયામાં નથી, તો તે નદી ઊતરવાની ક્રિયાને વિરાધના કહી શકાય નહીં; કેમ કે વિરાધનાપદનો પ્રવૃત્તિનિમિત્ત એવો જીવઘાતપરિણામ એમાં નથી. છતાં તે વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે નિર્જરાનું કા૨ણ પૂર્વપક્ષી કહે તો તે ઉન્મત્તપ્રલાપરૂપ છે. જો પૂર્વપક્ષી કહે કે જીવઘાતપરિણામજન્યત્વ એ વિરાધનાનું વિશેષણ છે, તો પૂર્વમાં કહેલા કથનનું જ પુનરાવર્તન થાય છે. તેથી જીવઘાતપરિણામ નિર્જરાનો હેતુ પૂર્વપક્ષીના મતે પ્રાપ્ત થાય. માટે તેનું કથન મુગ્ધ શિષ્યને ઠગવા માટે છે.
વળી પૂર્વપક્ષી કહે કે જે ધર્મવિશિષ્ટ જે વસ્તુ પોતાનું સ્વરૂપ છોડે છે તે વસ્તુ ત્યાં ઉપાધિ છે. જેમ જપાકુસુમથી વિશિષ્ટ સ્ફટિક પોતાનું નિર્મળ સ્વરૂપ છોડે છે તેથી સ્ફટિકમાં જપાકુસુમનો રક્તત્વધર્મ ઉપાધિ છે. આ નિયમ પ્રમાણે વર્જનાભિપ્રાયવિશિષ્ટ જીવવિરાધના સંયમનાશના હેતુ એવા જીવઘાતપરિણામજયત્વનો ત્યાગ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉપાધિ વગરની વિરાધના પ્રતિબંધક છે અને ઉપાધિવાળી વિરાધના પ્રતિબંધક નથી. વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિવાળી વિરાધના પ્રતિબંધકાભાવરૂપે નિર્જરાનો હેતુ છે તેથી એ પ્રાપ્ત થાય કે વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિવાળી વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક નથી અને વર્જનાભિપ્રાય વગરની વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે. આ પ્રકારે પૂર્વપક્ષી કહે છે તેને ગ્રંથકારશ્રી કહે છે –