________________
૨૨૯
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧ અશુભયોગ વર્તતો હોય અને તેના યોગથી જન્ય જીવઘાત થાય ત્યારે તે મહાત્માને આરંભક પ્રવૃત્તિ છે તેમ પૂર્વપક્ષી સ્વીકારે છે. તેથી કેવલીના યોગથી થતી હિંસામાં પણ અશુભયોગજન્ય જીવઘાત છે માટે આરંભકપણું છે, તેમ પૂર્વપક્ષી કહે છે તે ઉચિત નથી; કેમ કે અશુભયોગજન્ય જીવઘાત આરંભકત્વ વ્યવહારનો વિષય નથી. કેમ, અશુભયોગ જન્ય જીવઘાત આરંભકત્વનો વિષય નથી ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
અશુભયોગ અને આરંભક એવા બે પદમાં પર્યાયત્વનો પ્રસંગ છે. અર્થાત્ અશુભયોગ અને જીવઘાતરૂપ આરંભ બન્ને હોય ત્યાં જ આરંભત્વનો વ્યવહાર છે તેમ માનવાનો પ્રસંગ છે અને તે ઉચિત નથી; કેમ કે તેમ સ્વીકારીએ તો એકેન્દ્રિય આદિમાં અશુભયોગ છે પરંતુ જીવઘાત નથી તેથી તેઓમાં આરંભકપણું નથી, તેમ માનવાનો પ્રસંગ આવે. કેમ એકેન્દ્રિયમાં આરંભકત્વના વ્યવહારનો અભાવ પ્રાપ્ત થાય ? તેથી કહે છે –
એકેન્દ્રિય આદિ જીવો આભોગપૂર્વક હિંસા કરતા નથી. તેથી અશુભયોગરૂપ આભોગજન્ય હિંસા તેઓથી થતી નથી, માટે તેઓને આરંભક કહી શકાય નહીં; આમ છતાં એકેન્દ્રિય આદિ જીવોમાં આરંભકત્વનો વ્યવહાર છે. તેથી નક્કી થાય છે કે આભોગપૂર્વક જેઓ હિંસા કરતા હોય તેઓને અશુભયોગજન્ય જીવઘાત હોય છે માટે ત્યાં આરંભકત્વનો વ્યવહાર છે એમ જે પૂર્વપક્ષી કહે છે તે ઉચિત નથી.
આશય એ છે કે પૂર્વપક્ષીના મતે સુમંગલ સાધુએ આભોગપૂર્વક સિંહને થપ્પડ મારેલ એ વખતે તેમનામાં અશુભયોગ હતો અને તેનાથી જન્ય જીવઘાતની પ્રાપ્તિ થઈ માટે તેમની પ્રવૃત્તિમાં આરંભકત્વનો વ્યવહાર છે. તે રીતે કેવલી પણ કેવલજ્ઞાનથી જાણવા છતાં તે પ્રકારની પ્રવૃત્તિ કરે જેથી જીવઘાત થાય તો કેવલીમાં પણ આરંભકત્વનો વ્યવહાર પ્રાપ્ત થાય. એનું નિવારણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
અશુભયોગજન્ય જીવઘાત હોય, ત્યાં આરંભકત્વનો વ્યવહાર છે એ પ્રમાણે જે પૂર્વપક્ષી કહે છે તે ઉચિત નથી; કેમ કે એકેન્દ્રિયાદિમાં અશુભયોગ વિદ્યમાન હોવા છતાં આભોગપૂર્વક જીવઘાત નથી. તેમ છતાં એકેન્દ્રિય આદિ જીવોમાં આરંભકત્વનો વ્યવહાર શાસ્ત્રમાં સ્વીકારેલ છે. માટે પૂર્વપક્ષીનું વચન યુક્ત નથી.
એકેન્દ્રિય આદિમાં જીવાત નહીં હોવા છતાં આરંભકત્વનો વ્યવહાર છે તેમાં ગ્રંથકારશ્રી ભગવતીની સાક્ષી આપે છે –
ભગવતીમાં કહ્યું છે કે જેઓ અસંયત છે તેઓને અવિરતિને આશ્રયીને આત્મારંભ આદિ છે, અનારંભ નથી. તેની વ્યાખ્યા કરતાં ટીકાકારશ્રીએ સ્પષ્ટતા કરેલ છે કે જો કે અસંયત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય આદિ સાક્ષાત્ કોઈ આરંભ કરતા નથી, છતાં પણ તેઓમાં અવિરતિનો પરિણામ વર્તે છે તેને આશ્રયીને તેઓમાં આરંભકપણું છે; કેમ કે તેઓ આરંભથી નિવૃત્ત નથી. આથી અસંયતોની અવિરતિ આરંભકપણામાં કારણ છે. જેઓ પાપથી નિવૃત્ત છે તેવા વિરતિવાળા સાધુઓ કોઈક વખતે નદી આદિ ઊતરતા હોય ત્યારે બાહ્ય