________________
૨૩૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
કૃત્યથી સાક્ષાત્ આરંભકપણું હોવા છતાં પણ ભાવથી સંયમની વૃદ્ધિને અનુકૂળ યતનાવાળા હોવાથી અનારંભક જ છે.
આ કથનથી એ ફલિત થયું કે કેવલી સામાયિકના પરિણામની મર્યાદાનુસાર ઉચિત વિહાર કરતા હોય અને અશક્યપરિહારરૂપે તેમના યોગથી કોઈ જીવઘાત થાય તેમાં કેવલી કેવળજ્ઞાનથી જાણતા જ હોય છે કે મારા યોગથી આ જીવોનો નાશ થશે; છતાં યોગ્ય જીવોના ઉચિત ઉપકારાદિ અર્થે જતા કેવલીને કોઈ અશુભયોગની પ્રાપ્તિ નથી અને તેઓમાં આરંભકત્વનો વ્યવહાર પણ પ્રાપ્ત નથી. જેઓ ભગવાનના વચનમાં અનુપયુક્ત થઈને સંયમની ક્રિયા કરે છે તેઓને અશુભયોગની પ્રાપ્તિ છે અને તેવા જીવોમાં જ આરંભકત્વનો વ્યવહાર છે.
જે સાધુ ઉપયોગપૂર્વક ક્રિયા કરે છે તેમાં શુભયોગ છે અને જેઓ ઉપયોગ વગર પ્રત્યુપેક્ષણાદિ કરે છે તેમાં અશુભયોગ છે તે ભગવતીની વૃત્તિથી બતાવે છે –
જે સાધુઓ જિનવચનાનુસાર ઉપયુક્તપણાથી પ્રત્યુપેક્ષણાદિ કરે છે તેઓને શુભયોગ વર્તે છે. અર્થાત્ મોહના ઉન્મેલન દ્વારા સંયમની વૃદ્ધિને અનુકૂળ શુભવ્યાપાર વર્તે છે અને જેઓ જિનવચનાનુસાર ઉપયોગપૂર્વક પ્રત્યુપેક્ષણાદિ કરતા નથી તેઓમાં અશુભયોગ વર્તે છે. અર્થાત્ ગુણસ્થાનકમાં હોય તો પાતને અભિમુખ એવો અશુભયોગ વર્તે છે કે ગુણસ્થાનકનો પાત કરે તેવો અશુભયોગ વર્તે છે અથવા ગુણસ્થાનકના પરિણામથી રહિત મોહધારાની વૃદ્ધિને અનુકૂળ અશુભયોગ વર્તે છે. ફક્ત કેટલાક યોગ્ય સાધુઓ પ્રમાદને વશ સંયમની ક્રિયામાં અશુભયોગને પ્રાપ્ત થાય તોપણ તત્કાલ નિંદા-ગ દ્વારા તેનાથી નિવર્તન પામે છે. વળી, સંયમમાં શુભયોગ પ્રમત્તસંયતોને છઠ્ઠા પણ ગુણસ્થાનકમાં સંયમના સ્વભાવને કારણે જ છે; કેમ કે સંયમનો સ્વભાવ તે જ છે કે જે જીવને સતત મોહના ઉમૂલનને અનુકૂળ ઉચિત પ્રેરણા કરે. વળી અશુભયોગ પ્રમાદરૂપ ઉપાધિથી છે=પ્રમાદ આપાદક મોહનીયકર્મના ઉદયથી છે.
તે કથન ભગવતીસૂત્રની વૃત્તિમાં કહેવાયું છે – પ્રમત્તસંયતને સંયમના પરિણામને કારણે શુભયોગ છે અને પ્રમાદને વશ અશુભયોગ છે. પ્રમત્તસંયતોને અનુપયોગથી=શાસ્ત્રવિધિના સ્મરણ પ્રત્યેના અપ્રયાસરૂપ અનુપયોગથી, પ્રપેક્ષણાદિ કરવાને કારણે અશુભયોગ દશાની પ્રાપ્તિ થાય છે ત્યારે આરંભિકીક્રિયાના હેતુરૂપ વ્યાપાર થાય છે તેથી સામાન્યથી આરંભકપણું હોવાથી આત્મારંભ આદિની પ્રાપ્તિ છે અર્થાત્ આત્મારંભી છે, પરારંભી છે યાવતુ અનારંભી નથી, તેની પ્રાપ્તિ થાય છે. વળી સાધુઓની શુભયોગ દશામાં સમ્યગુ ક્રિયાના ઉપયોગને કારણે આરંભિકક્રિયાનો પ્રતિબંધ થાય છે તેથી આરંભિકીક્રિયાને અનુકૂળ વ્યાપારનો અભાવ હોવાને કારણે સાધુમાં અનારંભકપણું પ્રાપ્ત થાય છે.
વળી કોઈક કહે છે કે પ્રમત્ત ગુણસ્થાનકમાં સદા આરંભિકીક્રિયાનો સ્વીકાર છે તે અયુક્ત છે; કેમ કે શાસ્ત્રમાં પ્રમત્ત ગુણસ્થાનકમાં પણ આરંભિકીક્રિયા અનિયમથી સ્વીકારી છે. તેમાં પ્રજ્ઞાપનાની સાક્ષી આપે છે –