________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩
૨૦૧
જીવરક્ષા માટે યતના કરવાની શાસ્ત્રવિધિ છે તે વિધિ અનુસાર કોઈ સાધુ વસ્ત્ર ધોતા ન હોય તો તેઓની વસ્ત્ર ધોવાની ક્રિયાથી શાસ્ત્રમાં કહેલી વસ્ત્રાદિ અંતરિત ત્રસાદિની વિરાધનાને પણ અનાભોગ કહેવાની પ્રાપ્તિ થાય. વસ્તુતઃ સાધુના વસ્ત્રમાં મલિનતાને કારણે સૂક્ષ્મ જૂ આદિ ત્રસ જીવો પ્રાયઃ હોય છે તેના પરિહારાર્થે જ વસ્ત્ર ધોતાં પૂર્વે ઉચિત યતના શાસ્ત્રમાં બતાવી છે; છતાં જેઓ તે રીતે યતના કરતા નથી તેઓથી થતી ત્રસાદિની વિરાધના આભોગપૂર્વકની જ છે. પૂર્વપક્ષ પણ તેને આભોગપૂર્વકની સ્વીકારે તો તેવી ત્રસાદિની હિંસા કરનાર સાધુને વિરતિનો પરિણામ નથી તેમ તે કહી શકે. તેથી શાસ્ત્રમાં કહેલી વસ્ત્રમાં થનારી ત્રસાદિ જીવોની વિરાધના જેમ આભોગપૂર્વકની છે તેમ નદી ઊતરવામાં મંડૂકાદિ ત્રસ જીવોની વિરાધના પણ આભોગપૂર્વકની જ છે. ફક્ત સંયમના પ્રયોજનાર્થે શક્ય યતનાપૂર્વક જનારા સાધુથી થતી હિંસા આભોગપૂર્વકની હોવા છતાં તેનું ઘાતક ચિત્ત નથી તેમ કેવલીના યોગથી પણ થતી આભોગપૂર્વકની હિંસામાં કેવલીનું ઘાતક ચિત્ત નથી. વસ્ત્ર ધોવાના વિષયમાં શાસ્ત્રવચનની મર્યાદાને જાણનાર સાધુ તે વચનાનુસાર ઉચિત યતના ન કરે તેવા પ્રમાદી સાધુથી આભોગપૂર્વકની થતી હિંસામાં ઘાતક ચિત્તની પ્રાપ્તિ છે. આથી જ ક્વચિત્ સાધુનો તે પ્રમાદ અતિચાર આપાદક પણ હોઈ શકે અને ક્વચિત્ સંયમના પરિણામનો નાશક પણ હોઈ શકે કે ક્વચિત્ અસંયમના પરિણામથી પણ તેવો પ્રમાદ હોઈ શકે.
વળી ત્રસ જીવોને જોઈને સ્થૂલત્રસની વિરાધનામાં આભોગવિશેષ હોવાથી અને હિંસાનો વિષય ત્રસજીવરૂપ વિષયવિશેષ હોવાથી કોઈ જીવ જીવોને જોયા પછી પણ તે જીવોની હિંસા કરે તો પાપવિશેષ થાય. એટલામાત્રથી જ્યાં જીવો સાક્ષાત્ દેખાયા નથી તોપણ શાસ્ત્રવચનથી નિર્ણીત છે કે નદી ઊતરવામાં ત્રસાદિ જીવોની હિંસા છે તે સ્થાનમાં અનાભોગ જ છે એમ વ્યવસ્થાપન કરી શકાય નહીં. તેથી જેમ સાક્ષાત્ જીવો દેખાતા હોય અને કોઈ વિરાધના કરે ત્યાં જેમ આભોગ છે તેમ નદી ઊતરવામાં શાસ્ત્રવચનથી જે સાધુને નિર્ણય છે કે નદીમાં મંડૂક અને પોરાદિના જીવો અવશ્ય હોય છે અને મારા ગમનથી તેમની હિંસા થશે ત્યાં અનાભોગથી જ હિંસા છે તેમ કહી શકાય નહીં. જેમ રાજાની સ્ત્રીના ગમનમાં મહાપાપ છે એવું વચન હોવાથી અન્ય પરસ્ત્રીના ગમનને પરદારાગમન નથી તેમ કહી શકાય નહીં, તે રીતે ચક્ષુથી જોઈને સ્થૂલત્રસજીવોની વિરાધનામાં આભોગવિશેષ હોવાને કારણે પાપવિશેષ છે તેમ કહેવાથી આગમવચનથી નિર્ણીત એવી વિરાધનામાં પણ આભોગ નથી તેમ કહી શકાય નહીં. માટે પૂર્વપક્ષી કહે છે કે સાધુ નદી ઊતરવામાં જે ત્રસ જીવોની વિરાધના કરે છે તે આભોગપૂર્વકની નથી માટે સાધુને સંયમમાં દોષ નથી. જ્યારે કેવલી તો કેવળજ્ઞાનથી સ્પષ્ટ જાણી શકે છે કે મારા ગમનથી જીવોની વિરાધના થશે છતાં કેવલી ગમન કરે છે તેમ સ્વીકારવામાં આવે તો કેવલીમાં ચારિત્રનો પરિણામ રહે નહીં તે વચન મૃખા છે; કેમ કે કેવલીથી જેમ આભોગપૂર્વકની હિંસા છે તેમ સાધુથી પણ નદી ઊત૨વામાં આભોગપૂર્વકની ત્રસ જીવોની હિંસા છે. માટે જેમ સાધુને વિરતિના પરિણામનો બાધ નથી તેમ કેવલીને પણ વિરતિના પરિણામનો બાધ નથી.