________________
૨૩૧
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-પ૧
આરંભિકીક્રિયા કોને હોય છે ? એ પ્રકારના પ્રશ્નમાં ભગવાન ઉત્તર આપે છે – અન્યતર પણ પ્રમત્તસંયતને હોય છે.
તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે – પ્રમત્તસંયત પણ કાંઈક પ્રમાદવાળા હોય ત્યારે કાયાના દુષ્પયોગને કારણે પૃથ્વીકાય આદિના આરંભનો સંભવ છે. તેથી પ્રમત્ત ગુણસ્થાનકવાળા સાધુ જ્યારે પ્રમાદપૂર્વક પ્રત્યુપેક્ષણાદિ કરે છે ત્યારે કાયદુષ્પયોગનો સદ્ભાવ હોવાને કારણે આરંભિકીક્રિયા છે.
પ્રમત્તસંયતથી પૂર્વ દેશવિરતિ ગુણસ્થાનક સુધી નિયમથી આરંભિક ક્રિયા છે તેથી એ પ્રાપ્ત થાય કે દેશવિરતિ ગુણસ્થાનક સુધીના જીવો ધનાદિ પ્રત્યે અલ્પ પણ મૂછ રાખીને જીવે છે તે અંશથી તેઓનો પ્રમાદ આરંભિકીક્રિયાનું જ કારણ છે. ક્વચિત્ આરંભિક ક્રિયા સાક્ષાતુ ન હોય તોપણ ધનાદિ પ્રત્યેના સંશ્લેષના પરિણામને કારણે શ્રાવક પણ તપ્તઅયોગોલક જેવા હોવાથી આરંભિકીક્રિયાવાળા છે. જ્યારે પ્રમત્ત ગુણસ્થાનકવાળા સાધુ સર્વત્ર સ્નેહના પરિણામ વગરના હોવાથી તેઓને કોઈ વસ્તુ પ્રત્યે અવસ્થિત રાગ કે દ્વેષ નથી. તેથી જ્યારે પ્રમાદને વશ પ્રત્યુપેક્ષણાદિ કરે છે ત્યારે જ આરંભિકીક્રિયાની પ્રાપ્તિ છે અને
જ્યારે જિનવચનના સ્મરણપૂર્વક સંયમની ક્રિયા કરે છે ત્યારે કોઈ બાહ્યપદાર્થમાં શ્રાવકની જેમ અવસ્થિત રાગ-દ્વેષ નહીં હોવાથી અપ્રમાદભાવથી સંયમવૃદ્ધિમાં યત્ન કરતા હોવાથી અનારંભિકી ક્રિયા છે.
આ વ્યવસ્થા સિદ્ધ થવાથી શું ફલિત થાય છે ? તે બતાવે છે – આભોગપૂર્વક જીવઘાત હોય તેટલામાત્રથી સાધુને અશુભયોગની પ્રાપ્તિ નથી. આથી જ આભોગપૂર્વક સુમંગલ સાધુએ સિંહને માર્યો ત્યાં અશુભયોગની પ્રાપ્તિ નથી. કોઈ જીવહિંસા ન થાય છતાં પ્રમાદથી પ્રત્યુપેક્ષણા કરનારા સાધુને હિંસાની પ્રાપ્તિ છે. આ પ્રકારની વ્યવસ્થા સિદ્ધ થયે છતે જાણવા છતાં પણ કેવલી ભગવંત ધર્મોપકરણ ધારણ કરે ત્યારે અવર્જનીય એવો દ્રવ્યપરિગ્રહ હોવા છતાં અશુભયોગની પ્રાપ્તિ નથી તે રીતે કેવલી ગમનાગમનાદિ ધર્મવ્યાપાર કરે ત્યારે અવર્જનીય દ્રવ્યહિંસામાં પણ અશુભયોગની પ્રાપ્તિ નથી; કેમ કે અપ્રમત્તપણું છે અર્થાત્ પ્રમાદ આપાદક મોહનીયકર્મનો સર્વથા અભાવ છે આ પ્રમાણે પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે કેવલી ધર્મોપકરણ ધારણ કરે છે ત્યાં મૂર્ધાનો અભાવ હોવાથી પરિગ્રહનો અભાવ છે, જ્યારે દ્રવ્યહિંસા કેવલીના યોગથી સ્વીકારવામાં આવે છે ત્યારે પરપ્રાણના વિયોગરૂપ હિંસાના લક્ષણની પ્રાપ્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારની વ્યામૂઢ બુદ્ધિ પૂર્વપક્ષીએ કરવી જોઈએ નહીં; કેમ કે પ્રમાદયોગથી પ્રાણવ્યપરોપણ હિંસા છે, આ પ્રમાણે હિંસાનું લક્ષણ છે. કેવલીના યોગથી જે હિંસા થાય છે તેમાં પ્રમાદના યોગનો અભાવ છે; કેમ કે કોઈ પ્રકારના મોહના ઉદયના વશથી કેવલીના યોગથી હિંસા થયેલ નથી. માટે જેમ ધર્મોપકરણ ધારણ કરવા છતાં પરિગ્રહરૂપ દોષ કેવલીને પ્રાપ્ત થતો નથી તેમ કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ હિંસા થવા છતાં તેમને હિંસારૂપ દોષની પ્રાપ્તિ નથી.