________________
૧૯G.
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૦
રક્ષાનો યત્ન કરે છે. જો આમ સ્વીકારવામાં આવે તો કેવલીના યોગો સદા શુભાશુભરૂપ પ્રાપ્ત થાય. વળી, જે કાલમાં શુભયોગ હોય તે કાલમાં અશુભયોગ સંભવે નહીં અને જે કાલમાં અશુભયોગ હોય તે કાલમાં શુભયોગ સંભવે નહીં. માટે જેઓ કેવલીના યોગથી હિંસા થાય છે તેમ માને છે તેઓએ કેવલીનો યોગ શુભ-અશુભ બેમાંથી એક માનવો પડે અને કેવલીના યોગથી હિંસા થાય છે તેમ સ્વીકારવું હોય તો કેવલજ્ઞાનથી મારે આટલા જીવો હણવાના છે તેમ જાણીને કેવલી સર્વકાલે તે પ્રકારનો જ વ્યાપાર કરે છે તેમ માનવું પડે તેથી કેવલીનો યોગ સતત અશુભ વર્તે છે તેમ સિદ્ધ થાય. તેથી કેવલીના યોગથી જેટલા જીવો તેમને હણવાના હોય તેના ચરમ જીવના હનન સુધી કેવલીને હિંસાનુબંધીરૌદ્રધ્યાન માનવાનો પ્રસંગ થાય. એ પ્રકારે પૂર્વપક્ષી આપત્તિ આપે છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે જેમ મોહ વગરના કેવલીને દ્રવ્યપરિગ્રહ હોઈ શકે છે તેમ મોહ વગરના કેવલીને અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા સ્વરૂપ દ્રવ્યાશ્રવની પરિણતિ થઈ શકે છે તેનાથી પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ થાય છે; કેમ કે કેવલીના યોગથી થતી દ્રવ્યહિંસામાં હિંસાનુબંધીરૌદ્રધ્યાન માનવામાં આવે તો દ્રવ્યપરિગ્રહમાં પણ કેવલીને સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાન માનવાનો પ્રસંગ આવે. તેથી જેમ કેવલી નિર્મમ ભાવવાળા હોવા છતાં સંયમને અનુકૂળ વસ્ત્ર ધારણ કરે છે છતાં સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાન નથી તેમ કેવલી યોગ્ય જીવોના ઉપકારાર્થે ક્ષેત્રાન્તરમાં ગમન કરતા હોય ત્યારે તેઓના યોગને પામીને જેઓની હિંસાનો પરિહાર અશક્ય હોય તેવી દ્રવ્યહિંસાથી મોહરહિત એવા કેવલીને હિંસાનુબંધીરૌદ્રધ્યાનની પ્રાપ્તિ નથી.
વળી પૂર્વપક્ષીએ પૂર્વમાં કહેલ કે છબસ્થ સંયતના કાયાદિ વ્યાપારથી જીવઘાત થાય છે ત્યારે જે જીવોનો ઘાત થાય છે તેના વિષયમાં તેમને અનાભોગ વર્તે છે અને અનાભોગ સહકૃત મોહનીય કર્મના સહકારીકરણના વશથી છબસ્થ સંયત દ્વારા જીવઘાત થાય છે. પૂર્વપક્ષીના તે કથનને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
પરિગ્રહણ કરવા યોગ્ય વસ્તુ વિષયક અનાભોગથી સહકૃત મોહનીય લક્ષણ સહકારીકરણના વશથી છબી સંયતોના કાયાદિ વ્યાપારો પરિગ્રહ ગ્રહણના હેતુ બને છે. આથી જ ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ વિષયક આભોગ સહકૃત મોહનીયના ક્ષયોપશમાદિ સહકારી કારણથી વિશિષ્ટ છબસ્થસંયતના યોગો પરિગ્રહ ત્યાગના હેતુ થાય છે. તેથી અનાભોગ અને મોહનીયનો અભાવ કેવલીને હોવાથી કેવલીના યોગોથી જે પરિગ્રહનું ગ્રહણ થાય છે તેમાં કેવલજ્ઞાન જ સહકારી કારણ છે, એથી જ્યાં સુધી કેવલી ધર્મોપકરણને ધારણ કરશે ત્યાં સુધી સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાન કેવલીને છે તેમ પૂર્વપક્ષીને માનવું પડે.
જો પૂર્વપક્ષી એમ કહે કે કેવલીને દ્રવ્યપરિગ્રહમાં અભિલાષમૂલક સંરક્ષણીયત્વના જ્ઞાનનો અભાવ છે માટે રૌદ્રધ્યાન નથી, તો તે રીતે દ્રવ્યહિંસામાં પણ=કેવલીના યોગથી થતી અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસામાં પણ, આ જીવો મારા યોગથી હણવા યોગ્ય છે તેવું જ્ઞાન નથી તેથી “જીવહિંસાના અભિલાષમૂલક હિંસાનુબંધીરદ્રધ્યાન નથી આ પ્રકારે સ્પષ્ટ માર્ગ વિદ્યમાન હોવા છતાં પૂર્વપક્ષી કેમ જોતો નથી ? અર્થાત્ જેમ કેવલી ધર્મના ઉપકરણરૂપે વસ્ત્રાદિ ગ્રહણ કરે છે ત્યારે વસ્ત્રમાં મમત્વ નહીં હોવાથી સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાન કેવલીને નથી તેમ યોગ્ય જીવોના ઉપકાર અર્થે કેવલી વિહારાદિ કરે છે ત્યારે કેવલીના યોગને પામીને