________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧
૨૦૫ તેઓ અનારંભક હોવાથી તેઓના યોગમાં અશુભપણું નથી. તેથી ફલિત થાય છે કે અશુભયોગો આરંભક પરિણામવાળા હોય છે.
અહીં પ્રશ્ન થાય કે અશુભ યોગો કેવા સ્વરૂપવાળા હોય છે ? તેથી પૂર્વપક્ષી કહે છે – ફલોપહિતયોગ્યપણાથી ઘાત્યજીવ વિષયક આભોગપૂર્વક જીવઘાતના હેતુ એવા યોગોમાં અશુભપણું છે, અર્થાત્ જે જીવી જાણે છે કે મારી આ પ્રવૃત્તિથી જીવોની હિંસા થાય છે; છતાં ભોગાદિ અર્થે તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, જે પ્રવૃત્તિથી જીવોનો અવશ્ય વાત થાય છે, તે યોગો જીવઘાતક એવા ફલથી યુક્ત હોવાના કારણે અશુભ છે. આ પ્રકારે યોગોના અશુભપણાનું સ્વરૂપ બતાવ્યું ત્યાં ફલોપહિતયોગ્યતા એ પદ કેવલીના યોગોના અશુભત્વના વારણ માટે જ છે; કેમ કે કેવલીના યોગોમાં જીવઘાતની સ્વરૂપ યોગ્યતા જ છે, પરંતુ ફલોપહિતયોગ્યતા નથી. કેમ કેવલીના યોગમાં ફલોપહિતયોગ્યતા નથી ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે –
કેવલીને અજ્ઞાનનો અભાવ હોવાને કારણે અનાભોગથી જીવહિંસા થઈ શકે નહીં. અને ક્ષાયિકવીર્ય હોવાથી જીવરક્ષાને અનુકૂળ પૂર્ણ યત્ન કરવા માટે કેવલીનું સામર્થ્ય છે, તેથી કેવલીના યોગોથી જીવઘાત થતો નથી. ફક્ત કેવલીના યોગોમાં જીવાતને અનુકૂળ સ્વરૂપ યોગ્યતા છે અને અજ્ઞાન આદિ ઇતર કારણના અભાવને કારણે હિંસારૂપ ફળ પ્રાપ્ત થાય તેવી યોગ્યતા નથી માટે ફલોપહિતયોગ્યતા નથી. અપ્રમત્ત મુનિથી માંડીને ઉપશાંતવીતરાગ સુધીના જીવોના યોગોમાં ફલોપહિતયોગ્યતા છે અર્થાત્ તેઓના યોગોથી ક્યારેક અનાભોગ આદિથી જીવઘાત થાય છે તેથી ફલોપહિતયોગ્યતા છે.
વળી જે પ્રમત્તસાધુઓ છે તેઓ તો જ્યારે આભોગપૂર્વક હિંસામાં પ્રવર્તે છે ત્યારે જ તેઓના યોગોમાં અશુભપણું હોય છે.
કેમ, પ્રમત્તસાધુના યોગોમાં આભોગપૂર્વક હિંસાજન્ય અશુભયોગપણું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
પ્રમત્ત યોગવાળા મહાત્માઓને ફળથી શુભ અને અશુભપણારૂપે બે પ્રકારના યોગો હોય છે તેમ આગમમાં કહ્યું છે. તેથી જે પ્રમત્તસંયતો શુભયોગમાં છે તેઓ આરંભિક ક્રિયા કરનારા નથી, એમ ભગવતીસૂત્રમાં કહેલ છે અને જે પ્રમત્તસંયતો અપવાદથી ઉપયોગપૂર્વક જીવઘાત કરે છે તેઓને અશુભયોગની પ્રાપ્તિ છે; કેમ કે ભગવતીસૂત્રમાં તેઓને અનારંભવાળા નથી, એમ કહેલ છે. એથી એ પ્રાપ્ત થાય કે પ્રમત્તસંયતોના પણ યોગો જીવઘાતને અનુકૂળ સ્વરૂપયોગ્યતાવાળા છે. જેઓ આભોગપૂર્વક જીવઘાત કરે છે ત્યારે તેઓના યોગો અશુભ પ્રાપ્ત થાય છે અને જ્યારે પ્રમત્તસાધુઓ પણ કોઈ પ્રકારનો આભોગપૂર્વક જીવઘાત કરતા નથી ત્યારે તેઓના યોગો શુભ વર્તે છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રમત્તસાધુ આભોગપૂર્વક હિંસા કરે ત્યારે તેમાં સંયમનું અસ્તિત્વ કઈ રીતે રહી શકે ? અર્થાત્ રહી શકે નહીં, કેમ કે જીવહિંસાને અનુકૂળ અધ્યવસાય હોય તો સંયમ સંભવે નહીં. તેના સમાધાન માટે પૂર્વપક્ષી કહે છે –