________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯
૧૮૯ છે તે આરંભિકીક્રિયારૂપ હોવાથી ભાવાશ્રવરૂપ જ છે. આ પ્રકારની શંકાના નિવારણ માટે પૂર્વપક્ષી કહે છે –
પ્રમત્તસાધુઓને જે આરંભિક ક્રિયા શાસ્ત્રમાં કહી છે તે જીવઘાતજન્ય નથી. પરંતુ પ્રમત્તયોગજન્ય છે; કેમ કે “સર્વ પ્રમત્તયોગ આરંભ છે એ પ્રમાણેનું શાસ્ત્રવચન છે. જો જીવઘાતને કારણે તેમની આરંભિક ક્રિયા માનવામાં આવે તો કોઈક પ્રમત્તસાધુ પણ ક્યારેક હિંસા કરે છે, સદા કરતા નથી. તેથી તેઓને હિંસાકાળમાં જ આરંભિક ક્રિયા માનવી પડે, શેષકાળમાં આરંભિકીક્રિયા નથી તેમ માનવું પડે. વસ્તુતઃ પ્રમત્ત ગુણસ્થાનક સુધી સતત આરંભિકીક્રિયા છે જે જીવઘાતજન્ય નથી, પરંતુ પ્રમાદના પરિણામસ્વરૂપ છે અર્થાત્ નિર્વિકલ્પઉપયોગમાં ઉદ્યમ કરવામાં અયત્ન સ્વરૂપ છે. વળી, પ્રમત્તસાધુને જીવઘાતથી આરંભિકક્રિયા નથી, તેને દૃઢ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
જો જીવઘાતથી આરંભિક ક્રિયા હોય તો અપ્રમત્તસાધુથી પણ અનાભોગથી હિંસા થાય છે તેથી તેઓને પણ આરંભિક ક્રિયા માનવાનો પ્રસંગ આવે; એટલું જ નહીં પણ ઉપશાંતવીતરાગને પણ અનાભોગજન્ય હિંસા થવાનો સંભવ હોવાને કારણે જ્યારે તેઓના યોગથી હિંસા થાય છે ત્યારે તેઓને પણ આરંભિકીક્રિયા માનવાનો પ્રસંગ આવે. વાસ્તવમાં અપ્રમત્તમુનિના યોગથી કે ઉપશાંતવીતરાગના યોગથી જીવઘાત થાય તોપણ તેઓને ઈર્યાપથિકી ક્રિયા જ છે, પરંતુ આરંભિકીક્રિયા નથી. માટે પ્રમત્તસંયતને જીવઘાતથી આરંભિક ક્રિયા નથી, પરંતુ પ્રમાદયોગના કારણે જ આરંભિકીક્રિયા છે, એમ પૂર્વપક્ષી કહે છે.
આ પ્રમાદવાળો યોગ આઠ પ્રકારના પ્રમાદથી સંભવે છે. જેમ – કોઈકને આત્માના પિતાનુકૂલ પ્રયત્નના વિષયમાં સૂક્ષ્મ બોધ ન હોય તેથી અજ્ઞાન નામનો પ્રમાદ થાય છે. જેમ સંસારી જીવોને કષાયની આકુળતા પીડારૂપ છે તેવું જ્ઞાન નહીં હોવાના કારણે પોતાના હિતમાં જ પ્રમાદવાળા હોય છે. વળી, કેટલાક જીવો ધર્મ કરે છે; છતાં કઈ રીતે ઉચિત કૃત્ય કરીને કષાયના તાપનું શમન થાય ? તેનો માર્ગાનુસારી બોધ નહીં હોવાથી બાહ્યથી ધર્મઅનુષ્ઠાન કરે છે; છતાં અંતરંગ ધર્મ પ્રગટ કરવામાં પ્રમાદ જ કરે છે. વળી, સમ્યગ્દષ્ટિને અજ્ઞાન નહીં હોવાથી પોતાના બોધ અનુસાર જે કોઈ ધર્મઅનુષ્ઠાન કરે છે તેમાંથી અવશ્ય કષાયના ભાવને તે તે અંશથી ક્ષીણ કરે છે. અન્ય પ્રમાદને વશ ક્યારેક આરંભ આદિ પણ કરે છે.
કોઈક સાધુને કે અવિરતસમ્યગ્દષ્ટિને આત્માના હિતના પ્રયત્ન સંબંધી સૂક્ષ્મબોધ વિષયક સ્પષ્ટ નિર્ણય ન હોય તો સંશય નામનો પ્રમાદ થાય છે; છતાં કલ્યાણના અર્થી તેઓ ઉચિત સ્થાનેથી તેનું નિવર્તન કરવા યત્ન કરે છે.
વળી, કોઈક સાધુને કે સમ્યગ્દષ્ટિને કોઈક સ્થાનમાં સ્થૂલ મતિને કારણે આત્માના પિતાનુકૂલ સૂક્ષ્મબોધમાં વિપર્યય થવાથી પોતે વિપરીત પ્રવૃત્તિ કરતા હોય તે વખતે પોતે યથાર્થ કરે છે તેવા વિપર્યય બોધ નામના પ્રમાદની પ્રાપ્તિ થાય છે; છતાં યોગ્ય ઉપદેશને પામીને તેઓ નિવર્તન પામે છે.