________________
૧૭૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૬ તરતમતા પ્રાપ્ત થતી નથી. આથી જ ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા સૂક્ષ્મ એકેન્દ્રિયથી કોઈ પણ જીવની દ્રવ્યહિંસા થતી નથી અને અત્યંત સંવેગના પરિણામવાળા સુસાધુ, યતનાપૂર્વક નદી ઊતરતા હોય ત્યારે પણ પાણીના જીવોની દ્રવ્યહિંસા પ્રાપ્ત થાય છે. માટે ગુણસ્થાનકની વૃદ્ધિમાં કરાયેલા યત્નથી ભાવહિંસારૂપ કષાયોની જ અધિક-અધિક હાનિ થાય છે, દ્રવ્યહિંસાની અધિક-અધિક હાનિ થતી નથી. આથી જ કેવલીના યોગથી હિંસાનો સંભવ છે, પરંતુ કેવલીને ક્યારેય અત્યંતર પાપના પ્રતિસેવનરૂપ કષાયનો ઉદય સંભવતો નથી.
ઉપદેશપદની ગાથા-૯૯૫માં કહ્યું છે કે પાપનો અકરણનિયમ પ્રાયઃ અન્યના પાપની નિવૃત્તિના કરણથી જાણવો અને ગ્રંથિભેદ થયે છતે ફરી તે પાપના અકરણરૂપ જાણવો.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો વિવેકપૂર્વકની જેટલી ઉચિત પ્રવૃત્તિ કરે છે તેમાં તેટલા અંશમાં કષાયોની અલ્પતા હોવાને કારણે તેઓમાં તેટલા અંશમાં પાપના અકરણનો નિયમ છે. આવા જીવો પોતાની ઉત્તમ પ્રકૃતિને કારણે પરને પણ તેની નિવૃત્તિ કરવામાં નિમિત્તકારણ બને છે. ક્વચિત્ ઉપદેશ દ્વારા નિમિત્તકારણ બને છે તો ક્વચિત્ ઉપદેશ વગર પણ તેઓની તે પ્રકારના કષાયની અલ્પતા સહચરિત ઉચિત પ્રવૃત્તિ દ્વારા અન્ય જીવોને પણ તેવી પ્રવૃત્તિ પ્રત્યે પક્ષપાત કરાવવા દ્વારા પરના પાપના કરણની નિવૃત્તિનું કારણ બને છે. તેનાથી પાપમુકરણનિયમ તે જીવમાં પ્રગટ થયો છે તેમ નિર્ણય થાય છે.
ગ્રંથિભેદ કર્યા પછી તે જીવ ફરી તેવું ઉત્કૃષ્ટ પાપ કરતો નથી આથી જ ગ્રંથિભેદ પૂર્વે જેવા ઉત્કૃષ્ટ પાપ કરવાની પરિણતિ હતી તેવી ગ્રંથિભેદ કર્યા પછી તે જીવ મિથ્યાત્વ પામે તોપણ પૂર્વ જેવો ઉત્કૃષ્ટ સંક્લેશ કરતો નથી. માટે ગ્રંથિભેદ પછી જીવને તે પ્રકારના પાપના અકરણનિયમની પ્રાપ્તિ થાય છે.
વળી, ઉપદેશપદની ગાથા-૭૨૯માં કહ્યું છે કે દેશવિરતિ ગુણસ્થાનકમાં આ અકરણનિયમનો સદ્ભાવ થાય છે અને સર્વવિરતિ ગુણસ્થાનકમાં તે વિશિષ્ટતર થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિરતિના પરિણામને આશ્રયીને અપ્રત્યાખ્યાનીયકષાયના ક્ષયોપશમજન્ય પાપના અકરણનો નિયમ દેશવિરતિ ગુણસ્થાનકમાં શરૂ થાય છે અને સર્વવિરતિ ગુણસ્થાનકમાં પ્રત્યાખ્યાનીયકષાયનો ક્ષયોપશમ થવાથી વિશિષ્ટતર પાપનો અકરણનિયમ થાય છે. તેથી એ ફલિત થાય છે કે અંતરંગ કષાયની અલ્પતાકૃત જે પાપનો અકરણનિયમ પાંચમા ગુણસ્થાનકનો છે તેના કરતાં છઠ્ઠા ગુણસ્થાનકમાં કષાયની અધિક અલ્પતાત પાપનો અકરણનિયમ છે, પરંતુ બાહ્યહિંસાના ભેદને આશ્રયીને નથી; કેમ કે દેશવિરતિધર શ્રાવક ક્યારેક કોઈ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિ ન કરે ત્યારે તેની પ્રવૃત્તિથી બાહ્ય કોઈ હિંસાની પ્રાપ્તિ થતી નથી, જ્યારે શ્રાવક કરતાં અધિક પાપઅકરણનિયમવાળા મુનિ યતનાપૂર્વક નદી ઊતરતા હોય ત્યારે તેઓના પ્રયત્નથી સ્પષ્ટ જલાદિના જીવોની વિરાધના થાય છે; છતાં દેશવિરતિવાળા શ્રાવક કરતાં પાપ અકરણનો વિશિષ્ટતર નિયમ સર્વવિરતિવાળા મુનિને છે, જે બાહ્યહિંસાને આશ્રયીને નથી. જો બાહ્યહિંસાને આશ્રયીને પાપમુકરણનિયમને સ્વીકારવામાં આવે તો સાધુના યોગથી હિંસા થતી હોય અને શ્રાવકના યોગથી હિંસા થતી ન હોય તે સ્થાનમાં સાધુ કરતાં શ્રાવકમાં અધિકતર પાપાકરણનિયમ છે, તેમ માનવાનો પ્રસંગ આવે.