________________
૩૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
વળી ક્વચિત્ સાક્ષાત્ “મારે સંસારનો અંત કરવો છે તેવો પણ વિચાર ન કર્યો હોય છતાં પણ મેઘકુમારના હાથીના જીવને જેમ સહજ રીતે દયાદિનો પરિણામ થયો તેમ ગુણસ્થાનકને સ્પર્શે તેવો ભાવ કોઈને થાય તો તેઓને સકામનિર્જરા પ્રાપ્ત થાય છે. માટે મિથ્યાષ્ટિનું કોઈ પણ કૃત્ય અનુમોદનીય નથી. તે વચન પૂર્વપક્ષીનું અનુચિત છે.
વળી, જેઓ કર્મક્ષયના આશયથી સકામનિર્જરા કરે છે તેઓની સકામનિર્જરાનો પરિણામ કેવા પ્રકારનો છે? તે સ્પષ્ટ કરે છે –
મોક્ષાભિલાષરૂપ કામનાથી સહિત જે વર્તે છે=જે ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરે છે, તેનાથી થતી નિર્જરા તે સકામનિર્જરા છે, અને જેઓ મોક્ષાભિલાષથી વિપરીત સંસારના અભિલાષથી વર્તે છે, તેઓને કષ્ટાદિ સહવાને કારણે અકામનિર્જરા થાય છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં સકામનિર્જરાનું લક્ષણ કરતાં કહ્યું કે નિર્જરા બે પ્રકારની છે : “મને નિર્જરા થાઓ.' એ અભિલાષથી યુક્ત જે ઉચિતાનુષ્ઠાનની પ્રવૃત્તિ છે, તેમાં આલોક અને પરલોકની આશંસા ન હોય તો સકામનિર્જરા થાય છે. તેથી એ ફલિત થાય કે નિર્જરાના અભિલાષથી ઉચિત અનુષ્ઠાન કરતી વખતે આ લોકમાં લોકોની પ્રશંસા, ખ્યાતિ આદિને કારણે ચિત્તમાં તે તે ક્રિયાથી પ્રીતિના પરિણામો ઉલ્લસિત થતા હોય પરંતુ તે તે ઉચિત અનુષ્ઠાન દ્વારા મોક્ષને અનુકૂળ ભાવો લેશ પણ ઉલ્લસિત થતા ન હોય તો સકામનિર્જરા થાય નહિ. અને કોઈને તે અનુષ્ઠાનકાળમાં શીલાદિ ભાવોજન્ય કંઈક કષાયોની અલ્પતારૂપ પરિણામો થતા હોય ત્યારે સકામનિર્જરા થાય છે. નિમિત્તોને પામીને માન, ખ્યાતિ આદિના ભાવો થતા હોય ત્યારે તે ક્રિયાથી શીલ આદિના ભાવોની વૃદ્ધિ થતી નહીં હોવાથી તે ક્ષણમાં સકામનિર્જરા થાય નહિ; તોપણ જે જે ક્ષણમાં જેટલા જેટલા અંશથી તે આચરણા દ્વારા મોક્ષને અનુકૂળ જેટલા જેટલા ભાવો અધિક-અધિકતર થાય તેટલા તેટલા અંશમાં અધિક-અધિકતર સકામનિર્જરા થાય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે યોગશાસ્ત્રમાં સકામનિર્જરા સાધુઓને કહેલ છે. માટે કર્મક્ષય માટે તપ કરનારા પણ મિથ્યાદૃષ્ટિ જીવોને સકામનિર્જરા સંભવે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – મુનિઓને ઉત્કૃષ્ટ સકામનિર્જરા થાય છે, તેને આશ્રયીને યોગશાસ્ત્રનું વચન છે. તેથી એ ફલિત થાય કે મુનિઓ સર્વ પ્રવૃત્તિ જિનવચનનું દઢ અવલંબન લઈને તેલપાત્રધરની જેમ કે રાધાવેધ સાધકની જેમ અપ્રમાદ ભાવથી અંતરંગ અસંગભાવની વૃદ્ધિનો સતત વ્યાપાર કરે છે. તેથી તેઓમાં વિદ્યમાન જ્ઞાનશક્તિ, વીર્યશક્તિ કે મન-વચન-કાયાના ત્રણે યોગો કેવલ નિર્જરાને અનુકૂળ વ્યાપારવાળા છે. અન્યત્ર વ્યાપારવાળા નથી. માટે ઉત્કૃષ્ટ નિર્જરા મુનિઓને થાય છે. વળી, દેશવિરતિધર કે અવિરતસમ્યગ્દષ્ટિ પણ જીવ સકામનિર્જરા જ કરે છે. પોતાની શક્તિ અનુસાર તેઓ પણ કદાચ ધર્માનુષ્ઠાન કરતા હોય તોપણ અવિરતિના કારણે ગૃહ પ્રત્યેના પ્રતિબંધાદિ ભાવોનો સર્વથા ઉચ્છેદ કરીને મુનિની જેમ અસંગમાં જવા યત્ન કરી શકતા નથી. તેથી તેઓ જે ભૂમિકાનુસાર અસંગભાવનો ઉદ્યમ કરે છે, તે અનુસાર સકામનિર્જરા પ્રાપ્ત કરે છે. તેથી મુનિ કરતાં તેઓની સકામનિર્જરા અલ્પ છે.