________________
૧૪૭
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪ સુધા-પિપાસાના નિરોધ વગર વિફલ છે કેવલી આહારનો અને પાણીનો ઉપયોગ કરે છે તેથી તેઓનો સુધા-પિપાસા પરિષદના જયનો પ્રયત્ન નિષ્ફળ છે, એમ માનવું પડે. આ આપત્તિના નિવારણ માટે જેમ કેવલીના યોગો હિંસા માટે સ્વરૂપથી અયોગ્ય છે તેમ કેવલીનો દેહ ક્ષુધા-પિપાસા માટે અયોગ્ય છે તેમ કલ્પના કરવી પડે. જો આવું સ્વીકારીએ તો દિગંબરને અભિમત મતના સ્વીકારની આપત્તિ આવે.
આ આપત્તિના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે સુધા-પિપાસાનો નિરોધ કરવો અશક્ય હોવાથી ભગવાનને ક્ષુધા-પિપાસાના પરિષદના જયનો પ્રયત્ન વીતરાગભાવરૂપ માર્ગના અચ્યવનાદિ સ્વરૂપથી જ છે, પરંતુ આહારપાણીના ત્યાગથી નથી અર્થાત્ કેવલી આહાર આદિ વાપરે છે છતાં ક્ષુધા-પિપાસાના પરિષહનો જય તેઓમાં વર્તે છે; કેમ કે ક્ષુધા-પિપાસાના પરિષદના જયનું પ્રયોજન સમભાવના કંડકોની વૃદ્ધિ છે અને કેવલી સમભાવની પૂર્ણતાવાળા છે તેથી આહાર-પાણી દ્વારા પણ તેઓના સમભાવમાં કોઈ ન્યૂનતા નથી માટે કેવલી આહાર-પાણી વાપરે છે તો પણ સુધા-પિપાસા જયનો પ્રયત્ન તેઓનો નિષ્ફળ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
કેવલીનો અશક્યપરિહારવાળી જીવવિરાધના વિષયક જે જીવરક્ષાનો પ્રયત્ન છે તે પણ માર્ગઅચ્યવનાદિ સ્વરૂપથી જ ફળવાળો છે; કેમ કે કેવલી જીવરક્ષા માટે શક્ય પ્રયત્ન કરે છે છતાં તેમના યોગથી જે અશક્યપરિહારવાળી જીવવિરાધના થાય છે તેના કારણે કેવલીના વિતરાગભાવમાં કાંઈ ન્યૂનતાની પ્રાપ્તિ નથી. તેથી સમભાવના પ્રકર્ષના પરિણામસ્વરૂપ વિતરાગતાથી તેઓ ન્યૂનતાને પામતા નથી. તેથી જેમ આહાર આદિ વાપરવા છતાં કેવલીનો સુધાપરિષહજયનો પ્રયત્ન નિષ્ફળ નથી તેમ કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ હિંસા થવા છતાં કેવલીના વીતરાગભાવમાં કોઈ ન્યૂનતાની પ્રાપ્તિ નહીં હોવાથી તેમના વિયંતરાયના ક્ષયમાં કોઈ હાનિ નથી.
વળી ગ્રંથકારશ્રીએ પરિષહજયના દૃષ્ટાંતથી કેવલીનું ક્ષાયિકવીર્ય અશક્યપરિહારવાળી જીવહિંસા થવા છતાં નિષ્ફળ નથી તેમ સ્થાપન કર્યું એના દ્વારા ઓઘનિર્યુક્તિના વચનને અવલંબીને પૂર્વપક્ષી જે કહે છે તેનું નિરાકરણ થાય છે.
ઓઘનિર્યુક્તિને અવલંબીને પૂર્વપક્ષીનું કથન આ પ્રમાણે છે –
ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે આવા પ્રકારના જ્ઞાનવાળા મહાત્મા કર્મક્ષય માટે અભ્યદ્યત હોય તેથી અજાણતાં કોઈ જીવની વિરાધના થાય, પ્રયત્ન કરવા છતાં પણ કોઈ પ્રાણી જોવાયો નહીં અને તેમના યોગથી મૃત્યુ પામે, અથવા જાણતાં હોવા છતાં અહીં પ્રાણી છે એ પ્રમાણે જોવાયો છે, જણાયો છે અને પ્રયત્ન કર્યો હોવા છતાં, રક્ષણ ન કરી શકાયું તેના કારણે તેમના યોગથી જે જીવો મરે છે તે સાધુને હિંસાનું ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ ઈર્યાપ્રત્યયિક કર્મ બંધાય છે અર્થાત્ એક સમયે બંધ થાય અને બીજા સમયે નાશ પામે તેવા પ્રકારનું કર્મ બંધાય છે.
આ પ્રકારના ઓઘનિર્યુક્તિના વચન પ્રમાણે પ્રયત્ન કરવા છતાં તે મહાત્મા રક્ષણ કરી શકતા નથી એ કથનનું દર્શન હોવાથી જીવરક્ષાના ઉપાયમાં અનાભોગથી જ તે અર્થની=જીવહિંસાની, ઉપપત્તિ છે.