________________
૭૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
પ્રરૂપણાના ફળરૂપે દેવોથી પણ પૂજ્ય એવા વીર ભગવાનને ગોવાળિયા જેવી તુચ્છ વ્યક્તિઓથી પણ કદર્થનાની પ્રાપ્તિ થઈ.
વળી, ઉપદેશરત્નાકરમાં કહેલું છે કે કોઈ સાધુ પ્રસ્તાવને ઉચિત એવા સર્વ ગુણોથી યુક્ત સુંદર દેશના કરતા હોય આમ છતાં કેવલ ઉસૂત્રદૂષણથી કલંકિત થયેલી હોય તો તેઓની દેશના અશુચિથી યુક્ત જલ તુલ્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રસ્તાવને ઉચિત દેશનાકાળમાં મહાસંવેગથી યુક્ત જીવોની યોગ્યતાનુસાર ઉપદેશ આપીને તે સાધુ અનેકને સંસારસાગરથી તારે છે. જેમ મરીચિએ ત્રિદંડીના વેશની કલ્પના કર્યા પછી પણ ઘણા જીવોને શુદ્ધ માર્ગની દેશના આપીને સંયમમાર્ગે પ્રવર્તાવ્યા છે; આમ છતાં શિષ્યના લોભથી ઉસૂત્રદોષથી કલંકિત તેમની દેશના થવાથી પૂર્વના કરાયેલાં સર્વ શુભ ભાવો અને શુભ કૃત્યો તત્કાલ સેવાયેલા ઉસૂત્રના મલિન ભાવથી મલિન બને છે અને ઉત્સુત્ર કાળમાં થયેલી મલિનતા ફળ આપવા સમર્થ બને છે. તેથી ઉસૂત્રકાલીન મલિનતાથી આત્મામાં પ્રગટ થયેલી મલિનતા તે જીવની ઘણા ભવો સુધી કદર્થનાનું કારણ બને છે. જ્યારે અનેક કદર્થના ભોગવીને અકામનિર્જરાથી તે પાપ ક્ષીણપ્રાયઃ બને છે ત્યારે પૂર્વમાં લેવાયેલા સુંદર ધર્મથી ઉત્પન્ન થયેલી ચેતના ફરી પ્રગટ થાય છે, જેમ મરીચિના જીવે અંતિમ ભવોમાં ભગવાને બતાવેલા માર્ગને સેવીને આત્મહિત સાધ્યું.
વળી, કોઈક અન્ય સાધુ કહે છે કે મરીચિએ ઉસૂત્રલેશ કહ્યું છે એ વચનથી જ સિદ્ધ થાય છે કે, કાંઈક સૂત્રાનુસારી અને કાંઈક ઉસૂત્ર છે, માટે ઉત્સુત્રમિશ્ર સ્વીકારવામાં કાંઈ દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રકારનું પૂર્વપક્ષીનું વચન સ્વીકારવું ઉચિત નથી; કેમ કે દ્રવ્યસ્તવમાં જે ભાવલેશ છે, તે જ ભગવાનને બહુમત છે' તેમ પંચાશકમાં કહ્યું છે, તે સ્થાનમાં પણ “ભાવલેશ અને ભાવથી વિપરીત ભાવ એ ઉભયથી મિશ્ર ભગવાનને બહુમત છે' તેમ સ્વીકારવાની આપત્તિ આવે. આવું સ્વીકારીએ તો મોક્ષને અનુકૂળ એવો ભાવલેશ દ્રવ્યસ્તવમાં છે અને મોક્ષને પ્રતિકૂળ એવો અન્ય ભાવ દ્રવ્યસ્તવમાં છે, તે બંને ભાવની ભગવાને અનુમોદના કરી છે તેમ માનવું પડે.
વસ્તુતઃ ભાવસ્તવરૂપ સંયમમાં મોક્ષને અનુકૂળ એવી ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ પ્રચુર ભાવ છે તેની અપેક્ષાએ દ્રવ્યસ્તવમાં ત્રણ ગુપ્તિના કારણભૂત એવો ભાવલેશ છે અર્થાત્ કંઈક સુંદર ભાવ છે તેની ભગવાન અનુમોદના કરે છે. તેમ અનંતસંસારની કારણભૂત જે ઉત્સુત્ર પ્રરૂપણા છે તેનાથી કંઈક શિથિલ પરિણામવાળી ઉત્સુત્ર પ્રરૂપણા મરીચિની છે તે સ્પષ્ટ કરવા અર્થે ઉસૂત્રલેશથી મરીચિને કોટાકોટિ સાગરોપમ સંસારની પ્રાપ્તિ થઈ; અથવા કોઈ વ્યક્તિ ફરી ફરી અનેક પ્રકારનું ઉસૂત્ર બોલતી હોય તેના વચનમાં ઉસૂત્રની પ્રચુરતા છે અને મરીચિએ તો અત્યાર સુધી સૂત્રાનુસારી જ પ્રરૂપણા કરી છે, છતાં શિષ્યના લોભને કારણે જે એક વખત ઉત્સુત્ર પ્રરૂપણા કરી તેનાથી પ્રાપ્ત ફળ દર્શાવવા માટે મરીચિ ઉસૂત્રલેશથી કોટાકોટિ સાગરોપમ સંસારમાં ભમ્યો, તેમ કહેલ છે.