________________
૧૪૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪
કેમ કેવલીના યોગથી હિંસા થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જે જીવોની હિંસા થાય છે તે જીવો કેવલીના યોગના નિમિત્તક હિંસાને અનુકૂળ કર્મવિપાકવાળા છે. તે જીવોના તેવા પ્રકારના કર્મવિપાકના કારણે જ કેવલીના યોગથી તેઓની હિંસા થાય છે. તે હિંસાને કોણ વારી શકે ? અર્થાત્ કોઈ વારી શકે નહીં.
અહીં પૂર્વપક્ષી કહે કે જેમ કેવલીના યોગથી તે જીવોના કર્મને કારણે હિંસા થાય છે તે રીતે હિંસા કરનારા સર્વ જીવોની હિંસામાં પણ કહી શકાય કે હિંસ્ય જીવોના કર્મથી જ તે જીવોની હિંસા થાય છે, માટે તે હિંસાનો પરિહાર અશક્યપરિહારરૂપ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું; કેમ કે અનાભોગ, પ્રમાદ આદિ કારણથી ઘટિત એવી સામગ્રીજન્ય હિંસાનું આભોગ અને અપ્રમાદ આદિ કારણના વિઘટનથી શક્યપરિહારપણું છે અને યોગમાત્રજન્ય એવી હિંસાનું અનિરુદ્ધયોગવાળાથી અશક્ય પરિહારપણું છે.
આશય એ છે કે સર્વ હિંસા અશક્યપરિહારરૂપ નથી, પરંતુ જે હિંસા અનાભોગ અને પ્રમાદ આદિના કારણે થાય છે તે હિંસાનો આભોગ અને અપ્રમાદ આદિથી પરિહાર થઈ શકે છે. જેમ અપ્રમત્તમુનિ અત્યંત ઉપયોગપૂર્વક અપ્રમાદ આદિથી ગમન ચેષ્ટા કરતા હોય ત્યારે ઘણા જીવોની હિંસાનો પરિહાર થઈ શકે છે. અને તે જ સાધુ અનાભોગથી અને પ્રમાદથી ગમનાદિ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે જે હિંસાનો પરિહાર શક્ય હોય તેવી પણ હિંસા તેમના યોગથી થાય છે. તે હિંસા અશક્યપરિહારરૂપ નથી. જ્યારે જેઓએ યોગનિરોધ કર્યો નથી. એવા કેવલી જીવરક્ષા માટે સર્વ ઉચિત યતના કરે છતાં યોગમાત્રજન્ય એવી હિંસા અશક્યપરિહારરૂપ છે માટે બધી જ હિંસા અશક્યપરિહાર રૂપ છે તેમ કહી શકાય નહીં.
અહીં ‘નનુ' પૂર્વપક્ષી કહે છે – આવા પ્રકારની જીવવિરાધના જે કેવલીથી થાય છે તે વિરાધનામાં કેવલીથી જીવરક્ષાનો પ્રયત્ન કરતો નથી કે કરાય છે એમ બે વિકલ્પ સંભવે. અને જો પોતાના પ્રયત્નથી જીવ હિંસા થશે તેવું જાણવા છતાં તે વિરાધનાના પરિવાર માટે કેવલી કોઈ યત્ન કરતા નથી તેમ કહેવામાં આવે તો કેવલીને અસંતપણાની પ્રાપ્તિ થાય છે; કેમ કે જીવરક્ષાને અનુકૂળ યત્ન નહીં હોવાથી પ્રથમ મહાવ્રતનો અભાવ છે.
આ દોષને ટાળવા માટે ગ્રંથકારશ્રી કહે કે પોતાના યોગથી જે વિરાધના થાય છે તે જીવોની રક્ષા માટે કેવલી યત્ન કરે છે તો પૂર્વપક્ષી કહે છે કે સ્વપ્રયત્નથી ઇચ્છાયેલ જીવરક્ષાનો અભાવ હોવાને કારણે કેવલીને જીવરક્ષાના પ્રયત્નના વૈફલ્યની પ્રાપ્તિ થાય છે અને તે પ્રયત્નના વૈફલ્યની પ્રાપ્તિ કેવલીને સંભવતી નથી; કેમ કે વીર્યંતરાયનો ક્ષય થયેલ હોવાથી કેવલીનો પ્રયત્ન ક્યારેય નિષ્ફળ થાય નહીં.
પોતાના આ કથનની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી યુક્તિ આપે છે – દેશના વિષયક પ્રયત્નની વિફલતામાં કેવલીનું કેવલીપણું સંભવતું નથી એથી બીજા જીવોને સમ્યક્તાદિનો લાભ થાય તેમ ન હોય તો કેવલી ધર્મદેશના પણ કરતા નથી. એ પ્રમાણે આવશ્યકનિયુક્તિમાં સ્વીકારાયું છે.