________________
૧૦૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦
લેવો પડે, પંચ શબ્દમાં સપ્તમી બહુવચનનો લોપ સ્વીકારવો પડે અને ‘ચ’ શબ્દને અધ્યાહાર સ્વીકારવો પડે. આવું સ્વીકારીએ તો ચાર-પાંચ જાતિઓમાં તિર્યંચ, મનુષ્ય અને દેવભવ ગ્રહણ કરીને પછી જમાલિ મોક્ષમાં જશે તેવો અર્થ થઈ શકે. પરંતુ તેમ સ્વીકારવા છતાં ચાર અને પાંચ શબ્દનું સંખ્યાવાચકપણું છે, તેને જાતિવાચકપણું કઈ રીતે સ્વીકારવું તે વિચારણીય છે.
વળી, ભગવતીસૂત્રમાં જમાલિના અનંત ભવને કહેનારું કોઈ વચન છે નહિ. તેથી જમાલિનો અનંતસંસાર છે તેમ કહેવું હોય તો ભગવતીસૂત્રમાં તે પાઠ અન્ય રીતે જ કહેવો જોઈએ. પરંતુ ભગવતીમાં જે પ્રકારે પાઠ છે તે પાઠ અનુસાર ચાર-પાંચ જાતિને સ્વીકારીને જમાલિને અનંતસંસાર છે તેમ કહેવું ઉચિત નથી. વળી, પૂર્વપક્ષીએ અર્થ કર્યો તે પ્રમાણે ચાર-પાંચ જાતિમાં તિર્યંચ, મનુષ્ય અને દેવભવ ગ્રહણ કરીને જમાલિ સંસારમાં ભમશે તે વચનથી ચાર-પાંચ જાતિમાં એક-બે વખત કે પરિમિત વખત પ્રાપ્તિનો સંભવ થઈ શકે. પરંતુ તેનાથી અનંત ભવ ભટકશે તેવો અર્થ અક્ષરના બળથી પ્રાપ્ત થઈ શકે નહિ. ભગવતીમાં કહેલા અક્ષરના બળથી જાતિને ગ્રહણ કરીને અનંત ભવ સ્વીકારવામાં આવે તો સર્વ તિર્યંચ, દેવ અને મનુષ્યમાં પણ અનંત ભવ ભમશે તેમ સ્વીકારવું પડે અને તે બાધિત છે; કેમ કે જમાલિ દેવમાં કે મનુષ્યમાં પણ અનંત ભવ જશે તેવું સ્વીકારી શકાય નહિ. પૂર્વપક્ષી પોતાની ઇચ્છાનુસાર નિયત અનંત તિર્યંચયોનિના ભવના ગ્રહણનું આશ્રયણ કરે અને દેવ અને મનુષ્યના જમાલિના અનંત ભવ થશે નહિ તેમ કહે તો સૂત્રનું આલંબન લેવાની જરૂરત રહેતી નથી; કેમ કે ભગવતીના વચનાનુસાર તિર્યંચયોનિ, મનુષ્ય અને દેવભવ ગ્રહણનો સમાસ હોવાથી તે સર્વમાં જાતિ ગ્રહણ કરીને અનંત ભવ સ્વીકારી શકાય. પરંતુ માત્ર તિર્યંચયોનિમાં જમાલિ અનંત ભવ જશે તેમ સ્વીકારવું હોય તો ભગવતીસૂત્રના પાઠનું આલંબન લઈ શકાય નહિ. પૂર્વપક્ષી સ્વકલ્પના પ્રમાણે અર્થ કરે અને મહાન એવા ભગવતીસૂત્રમાં તે કલ્પનાનો અધ્યારોપ કરે અને કહે કે ‘ભગવતીસૂત્રના પાઠના બળથી જમાલિ તિર્યંચભવમાં અનંતા ભવ ક૨શે', તો તે ભગવતીના વચનની આશાતનારૂપ છે.
આ કથનથી અન્ય કોઈ ત્રિષષ્ટિનું વચન ગ્રહણ કરીને અર્થ કરે છે તે પણ અસંગત છે, તેમ ગ્રંથકારશ્રી બતાવે છે .
–
ત્રિષષ્ટિના વચન પ્રમાણે દેવલોકથી ચ્યવીને જમાલિ પાંચ વખત તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં ભમીને પ્રાપ્ત થયેલા બોધિવાળો નિર્વાણને પામશે. આ વચન અનુસાર જમાલિનો વર્તમાનનો દેવભવ અને તિર્યંચ, મનુષ્ય અને દેવના પાંચ-પાંચ ભવોને આશ્રયીને ૧૫ ભવો અને ત્યાર પછી નિર્વાણપ્રાપ્તિનો મળીને ૧૭ ભવ થાય તે સૂત્રનો અર્થ પૂર્વપક્ષી એ પ્રમાણે કરે છે કે પંચકૃત્વઃ શબ્દ તિર્યક્ શબ્દ સાથે જોડવો. પૂર્વપક્ષી કહે છે કે જમાલિ આશાતનાબહુલ છે, માટે અનંત કાળ તિર્યંચગતિમાં ભમશે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષીના આ સર્વ કથન અપાસ્ત છે; કેમ કે પંચધૃત્વઃ શબ્દનું યોજન તિર્યંચ શબ્દની સાથે થઈ શકે નહિ. કેમ થઈ શકે નહિ ? તેની ગ્રંથકારશ્રી સ્પષ્ટતા કરતાં કહે છે
પંચતૃત્વઃ શબ્દ દ્વન્દ્વસમાસની મર્યાદાથી તિર્યંચાદિ ત્રણે જાતિઓમાં અન્વય થઈ શકે.
--