________________
૭૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ મહાત્માની પોતાની પ્રવૃત્તિને આશ્રયીને મહાત્મામાં પોતાનામાં પડેલા સંસ્કારરૂપ છે. પૂર્વપક્ષી મરીચિના વચનમાં જે અશુભઅનુબંધની પ્રવૃત્તિ કહે છે તે બીજા દ્વારા ચાલેલા કુદર્શનની પ્રવૃત્તિરૂપ પ્રાપ્ત થાય છે. મરીચિએ તો સૂત્રાનુસારી કથન કર્યું છે તેથી મરીચિના આત્મામાં કોઈ સૂત્રવિરુદ્ધના સંસ્કાર પડ્યા નથી તેવો અર્થ પ્રાપ્ત થાય. કોઈ વ્યક્તિ સૂત્રાનુસારી કહેતો હોવા છતાં કોઈક નિમિત્તને પામીને કુદર્શનની પ્રવૃત્તિ થાય એટલામાત્રથી સૂત્રાનુસારી બોલનારને સંસારની વૃદ્ધિની પ્રાપ્તિ થાય નહિ, માટે પૂર્વપક્ષીનું વચન અર્થ વગરનું છે. પૂર્વપક્ષી ફક્ત સ્થૂલ બુદ્ધિથી વિચારનાર છે. તેથી મરીચિનું વચન સૂત્રાનુસારી છે તેમ સ્વરૂપથી સ્વીકારીને તેના ફળરૂપે બાહ્ય કુદર્શનની પ્રવૃત્તિ થઈ તે રૂપ અશુભ ફળને ગ્રહણ કરીને મરીચિના વચનને ઉસૂત્રમિશ્ર કહે છે, માટે તે વચન પ્રમાણભૂત નથી.
વળી, મરીચિનું વચન સ્વરૂપથી જ ઉત્સુત્ર છે તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકારશ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિની સાક્ષી બતાવે છે. જેમાં “પડિસિદ્ધાણં કરણે' ઇત્યાદિ સૂત્રની વ્યાખ્યામાં વિપરીત પ્રરૂપણાનો વિભાગ કરીને મરીચિને દૃષ્ટાંત બતાવેલ છે. તેથી ફલિત થાય છે કે મરીચિએ વિપરીત પ્રરૂપણા સ્વરૂપથી કરી છે, માત્ર કુદર્શનની પ્રવૃત્તિને કારણે સંસારની વૃદ્ધિ થઈ નથી. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિમાં વિપરીતપ્રરૂપણાઓ બતાવતાં કહ્યું કે ભગવાનનું શાસન સ્યાદ્વાદમય છે તેમાં એકાંતવાદને આશ્રયીને જે કોઈ પ્રરૂપણા છે તે વિપરીત પ્રરૂપણા છે. જેમ ઉત્સર્ગને આશ્રયીને શાસ્ત્રમાં કહ્યું છે કે “પિંડની અશુદ્ધિ કરતો સાધુ ચારિત્રી નથી અને જો તેનામાં ચારિત્ર ન હોય તો તેની સર્વ દીક્ષા નિરર્થક છે.” તે વચનથી એ પ્રાપ્ત થાય કે સાધુ સતત તત્ત્વજ્ઞાનના સંસ્કાર અર્થે સર્વ ઉચિત ક્રિયાઓ કરીને આત્માને જિનવચનથી ભાવિત કરે છે. આ રીતે જિનવચનથી આત્માને ભાવિત કરવા માટે સ્વાધ્યાયાદિ ઉચિત ક્રિયાઓ કરવા છતાં તે પિંડવિશુદ્ધિ પ્રત્યે ઉપેક્ષા કરે તો ભગવાનના વચન પ્રત્યેની ઉપેક્ષાને કારણે ચારિત્રના સંસ્કારો પડે નહિ, માટે તેની દીક્ષા નિરર્થક છે. આ ઉત્સર્ગવચન કોઈ સાધુ એકાંતે ગ્રહણ કરે તો કોઈ અન્ય સાધુ સ્વાધ્યાયાદિ બલવાન યોગના રક્ષણ માટે પિંડવિશુદ્ધિથી ભોજનની પ્રાપ્તિ શક્ય ન જણાય ત્યારે ઉત્સર્ગ સાપેક્ષ અપવાદનું આલંબન લઈને સ્વાધ્યાયાદિ દ્વારા સંયમના પરિણામની વૃદ્ધિ અર્થે પિંડવિશુદ્ધિરહિત આહાર ગ્રહણ કરે ત્યારે એકાંતઉત્સર્ગવાદી સાધુ તે મહાત્માને અચારિત્રી સ્વીકારે. આવું કરનાર વ્યક્તિ
ઉસૂત્રભાષી છે.
વળી, શ્રાદ્ધવિધિ પ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે “વજસ્વામીએ તેવા પ્રકારના શાસન પ્રભાવનાના પ્રયોજનથી ચૈત્યપૂજા કરેલી છે અને અર્ણિકાપુત્રઆચાર્યે ક્ષીણ જંઘાબળને કારણે નિત્યવાસ કરેલ છે. આ બંને અપવાદનું અસ્થાને આલંબન લઈને કોઈ કહે કે “સાધુએ ચૈત્યપૂજા કરવી જોઈએ કે સાધુએ નિત્યવાસ કરવો જોઈએ તો તે વિપરીત પ્રરૂપણા છે. વળી, શાસ્ત્રમાં અપવાદને આશ્રયીને ‘મુક્તપુરાવાળા પ્રગટસેવી સાધુને વંદનની વિધિ છે' તે વચનનું આલંબન લઈને જે “સર્વથા શિથિલાચારી વેશમાત્રવાળા સાધુને પણ વંદન કરવું જોઈએ એ પ્રકારે પ્રરૂપણા કરે છે તે વિપરીત પ્રરૂપણા છે. આવી પ્રરૂપણા કોઈક નિમિત્તે થઈ હોય તો પ્રતિક્રમણ કરવું જોઈએ.