________________
પપ
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ મરીચિએ કપિલને અસત્યબોધના અભિપ્રાયથી જ કહ્યું છે માટે ઉત્સુત્રમિશ્ર જ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જો આ પ્રમાણે પૂર્વપક્ષી સ્વીકારે તો તે મરીચિનું વચન ઉસૂત્ર જ છે, ઉસૂત્રમિશ્ર નથી; કેમ કે પરને વિપરીત બોધ કરાવવાના અભિપ્રાયથી કહેવાયેલા અધ્યવસાયમાં ભગવાનના વચનથી વિપરીત બોધ કરાવવાનું જ તાત્પર્ય છે, માટે ઉત્સુત્રરૂપ જ છે.
વળી, તેને દઢ કરવા માટે યુક્તિ આપે છે કે જેમ શાસ્ત્રમાં “કિસલય અને પાંડુપત્રાદિના પરસ્પર વાર્તાલાપનાં વચનો છે” તે વચનો દ્રવ્યથી વિચારીએ તો અસત્ય છે; કેમ કે કિસલયાદિ પરસ્પર તે રીતે વાર્તાલાપ કરે નહિ, તોપણ તે વચનો દ્વારા આયુષ્યની ચંચળતાદિનો બોધ થાય છે, જેનાથી યોગ્ય જીવોને ભગવાનના વચનના તાત્પર્યનો જ બોધ થાય છે. તેથી ભાવથી તે વચનો સત્ય છે માટે તે વચનોને સત્ય જ સ્વીકારવાં જોઈએ. તેમ મરીચિનું વચન દ્રવ્યથી સત્ય હોવા છતાં કપિલને વિપરીત બોધ કરાવનાર હોવાથી ભાવથી અસત્ય છે. માટે જેમ કિસલયાદિનું વચન મિશ્ર નથી, માટે ઉત્સુત્રરૂપ નથી. તેમ મરીચિનું વચન મિશ્ર નથી અને અસત્ય છે, માટે ઉત્સુત્ર છે.
વળી, જો પૂર્વપક્ષી કહે કે દ્રવ્યથી મરીચિનું વચન શુદ્ધ છે; કેમ કે મરીચિના પંથમાં કંઈક ધર્મ છે અને ભાવથી અશુદ્ધ છે; કેમ કે કપિલને વિપરીત બોધ કરાવીને શિષ્ય કરવાનો અધ્યવસાય હતો. માટે મરીચિના વચનમાં દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી અશુદ્ધ આત્મક મિશ્રપણું સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો આ રીતે મિશ્રપણું સ્વીકારવામાં આવે તો જિનપૂજાદિમાં પણ મિશ્રપક્ષના સ્વીકારનો પ્રસંગ છે; કેમ કે જિનપૂજાદિની ક્રિયા દ્રવ્યથી પુષ્પાદિની હિંસારૂપ હોવાથી અશુદ્ધ છે અને ભગવાનની ભક્તિના પરિણામરૂપ હોવાથી શુદ્ધ પરિણામરૂપ છે. તેથી હિંસાની ક્રિયારૂપ દ્રવ્યથી અશુદ્ધ અને ભક્તિના પરિણામરૂપ ભાવથી શુદ્ધ એવું મિશ્રપણું જિનપૂજાદિ કૃત્યમાં પ્રાપ્ત થશે.
વસ્તુતઃ જિનપૂજાદિ કૃત્ય વીતરાગના ગુણોને અવલંબીને થતા ઉત્તમ ભાવરૂપ હોવાથી એકાંત શુદ્ધ ધર્મરૂપ છે, મિશ્ર નથી. તેમ મરીચિના વચનમાં શિષ્યના લોભથી જિનવચનથી વિપરીત કહેવાનો અધ્યવસાય હોવાથી અસત્ય છે. માટે મરીચિનું વચન ઉસૂત્ર છે, પરંતુ ઉસૂત્રમિશ્ર નથી. અહીં પૂર્વપક્ષી કહે કે કિસલયના દૃષ્ટાંતથી જેમ ગ્રંથકારશ્રીએ કહ્યું તેમ મરીચિના વચનમાં દ્રવ્ય-ભાવને આશ્રયીને મિશ્રપણું નથી, પણ ભાવને આશ્રયીને જ મિશ્રપણું છે.
કઈ રીતે ભાવને આશ્રયીને મિશ્રપણું છે ? તે પૂર્વપક્ષી બતાવે છે – પોતાના દેશવિરતિના અભિપ્રાયથી મારે સત્ય કહેવું જોઈએ એ પ્રકારે મરીચિનો ભાવ છે, અને પરિવ્રાજક વેષમાં ધર્મ છે એવી બુદ્ધિ કરાવવા અર્થે કપિલની અપેક્ષાએ “મારે અસત્ય કહેવું જોઈએ” એવો ભાવ મરીચિને છે. તેથી મરીચિના વચનમાં બે પ્રકારના ભાવો છે. તેમાં એક ભાવ સત્યરૂપ છે અને અન્ય ભાવ અસત્યરૂપ છે, માટે મરીચિનું વચન ઉસૂત્રમિશ્ર છે.