________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
૨૧ વળી, કોઈ અન્ય કહે છે કે સમ્યગ્દષ્ટિ જ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક છે. જ્યારે મિથ્યાદૃષ્ટિ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક નથી, માટે તેઓનું કોઈ પણ કૃત્ય અનુમોદ્ય ન કહી શકાય. આમ કહીને મિથ્યાદૃષ્ટિ જીવોના ક્ષમાદિ ગુણો પણ અનુમોઘ નથી, સમ્યગ્દષ્ટિના જ ગુણો અનુમોઘ છે, એ પ્રકારે તે પૂર્વપક્ષી સ્થાપન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીએ ભગવાનનાં વચનો સારી રીતે જોયાં નથી. તેથી આ પ્રમાણે કહે છે; કેમ કે દશાશ્રુતસ્કંધચૂર્ણિમાં સમ્યગ્દષ્ટિ મિથ્યાષ્ટિને અવિશેષથી ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક કહ્યા છે. માટે તે વચનાનુસાર અને ઉપદેશરત્નાકરના વચનાનુસાર મિથ્યાદૃષ્ટિ પણ શુક્લપાક્ષિક હોઈ શકે. જે મિથ્યાદૃષ્ટિ મોક્ષના આશયવાળા છે અને ભદ્રકપ્રકૃતિથી મોક્ષને અનુકૂળ કુશળવ્યાપાર કરે છે, તેઓનાં તે કૃત્યો અનુમોદ્ય સ્વીકારવાં જોઈએ. ફક્ત ઉપદેશરત્નાકરમાં જે આભિગ્રહિક મિથ્યાદૃષ્ટિ જીવનું વર્ણન કર્યું છે તેનું તે કૃત્ય કુશલવ્યાપારરૂપ નહીં હોવાથી અનુમોદ્ય નથી. માત્ર તેનો મોક્ષનો આશય જાતિથી અનુમોદ્ય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે દશાશ્રુતસ્કંધની ચૂર્ણિના અનુસાર મિથ્યાષ્ટિને પણ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક કહ્યા છે. પરંતુ શ્રાવક પ્રજ્ઞપ્તિમાં તો અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળાને જ કૃષ્ણપાક્ષિક કહ્યા છે. તેથી અર્ધપુદ્ગલપરાવર્ત સુધીના જ જીવો શુક્લપાક્ષિક છે. તેથી શ્રાવકપ્રજ્ઞપ્તિ અને દશાશ્રુતસ્કંધની ચૂર્ણિના વચનનો પરસ્પર વિરોધ છે. વળી નાસ્તિકપક્ષ અક્રિયાવાદીનો છે અને પ્રદેશી રાજા નાસ્તિક હતા તોપણ અલ્પભવમાં જ મોક્ષમાં જવાના છે. તેથી અક્રિયાવાદી કૃષ્ણપાક્ષિક હોય અને અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળા હોય તેવું સ્વીકારી શકાય નહિ, માટે ભગવતીનું વચન સ્વીકારવું જોઈએ. ભગવતીમાં સમ્યગ્દષ્ટિને જ ક્રિયાવાદી કહ્યા છે અને મિથ્યાદૃષ્ટિને કૃષ્ણપાક્ષિક અને અક્રિયાવાદી કહ્યા છે. એથી ભગવતીના વચનાનુસાર સમ્યગ્દષ્ટિના ગુણોની જ અનુમોદના થઈ શકે અને અન્યદર્શનના મિથ્યાષ્ટિ જીવોના ગુણોની અનુમોદના થઈ શકે નહિ એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
તેને ગ્રંથકારશ્રી કહે છે – આ રીતે ભગવતીનું આલંબન લઈને અન્ય શાસ્ત્રોને અપ્રમાણિક સ્વીકારવાં એ મહાઆશતના છે. માટે તે બંને શાસ્ત્રોને ઉચિત રીતે જોડવાં જોઈએ જેથી આશતના થાય નહિ.
બંને શાસ્ત્રોને કઈ રીતે ઉચિતપણે જોડવાં જોઈએ ? તેને ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ભગવતીસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રનિર્યુક્તિમાં ક્રિયાવાદીવિશેષનું ગ્રહણ છે. તેથી જે જીવો સમ્યગ્દર્શન પામેલા છે તેઓ મોક્ષને અનુકૂળ ક્રિયાવિશેષ કરીને શીધ્ર સંસારનો અંત કરી રહ્યા છે તેને જ ક્રિયાવાદી તરીકે ગ્રહણ કરેલ છે. માટે સમ્યગ્દષ્ટિને ક્રિયાવાદી કહેલ છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં ક્રિયાવાદી સામાન્યનું ગ્રહણ છે તેથી સમ્યક્ત ન પામેલા હોય તોપણ મોક્ષ છે તેમ માનીને મોક્ષના અર્થે ધર્મબુદ્ધિથી ક્રિયા કરે છે તે સર્વનું ગ્રહણ દશાશ્રુતસ્કંધ ચૂર્ણિ અનુસાર થાય છે. માટે તે ગ્રંથોનો પરસ્પર વિરોધ નથી, તેથી દશાશ્રુતસ્કંધની ચૂર્ણિ અનુસાર મિથ્યાદષ્ટિ પણ મોક્ષને અનુકૂળ ઉચિત ક્રિયા કરનારા છે તેઓની અનુમોદના કરવી ઉચિત છે.
વળી પૂર્વપક્ષીએ ભગવતીના વચનથી સમ્યગ્દષ્ટિ જ ક્રિયાવાદી છે એમ સ્થાપન કરીને મિથ્યાષ્ટિ ક્રિયાવાદી અને શુક્લપાક્ષિક નથી તેમ સ્થાપન કર્યું અને તેનું સૂત્રકૃતાંગના વચનથી સમર્થન કર્યું. તેને