________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
શિષ્યો-પ્રતિચ્છકોને પ્રીતિ થાય છે આવા અનેક ગુણદર્શનથી આચાર્યપદને યોગ્ય શિષ્યને બાર વર્ષ સુધી દેશ દર્શન કરાવવા રૂપ અનિયત વાસ કરાવાય છે. એથી ઘણા શિષ્યો મેળવીને આચાર્ય થઈ સ્વ-પરનો ઉપકાર કરે. ચીરકાળ સુધી સંયમ પાળી યોગ્ય શિષ્યને પોતાના પદે સ્થાપી ભગવાને કહેલ માર્ગમાં વિશેષ અનુષ્ઠાન કરે. (૧) સંલેખનાપૂર્વક ભક્ત પરિજ્ઞા - ૧. ઇંગિની ૨. પાદપોપગમન ૩. રૂપ અનુષ્ઠાનથી મૃત્યુ અંગિકાર કરે અથવા (૨) જિનકલ્પ-પરિહાર વિશુદ્ધિ અથવા યથાલન્ટિક કલ્પ સ્વીકારે.
(૧) પ્રથમ પ્રકારના અનુષ્ઠાતા આચાર્ય - “જેમ પક્ષીઓ પ્રયત્નની ઇંડા તૈયાર કરે છે તેમ પ્રયત્નથી શિષ્યોને તૈયાર કરી બાર વર્ષની સંલેખના કરે.
સંલેખના વિધિ આ પ્રમાણે હોય છે –
પ્રથમ ચાર વર્ષ સુધી છઠ્ઠ-અદ્દમાદિ વિચિત્ર પ્રકારનો તપ કરે. પછી ચાર વર્ષ સુધી વિગઈ રહિત તપ કરે, બે વર્ષ એકાંતરા આયંબિલ કરે, છ મહિના સુધી મધ્યમ તપ કરી પારણે પ્રમાણસર ભોજનવાળું આયંબિલ કરે. બીજા છ મહિના છઠ્ઠ, અઠ્ઠમાદિ વિકૃષ્ટ તપ કરે, ત્યાર બાદ એક વર્ષ કોટિ સહિત – સળંગ આયંબિલ કરે. એમ, બાર વર્ષની સંલેખના પછી ભક્ત પરિજ્ઞાદિ કરે અથવા ગુફામાં જઈને પાદપોપગમન અનશન કરે.
(૨) બીજા પ્રકારનું અનુષ્ઠાન કરનાર આચાર્ય - “જિનકલ્પાદિ સ્વીકારે છે, તેમાં પ્રથમ તો મધ્યરાત્રિમાં વિચારે કે – “વિશુદ્ધ ચારિત્રાનુષ્ઠાન વડે મેં આત્મહિત કર્યું અને શિષ્યાદિ પર ઉપકાર દ્વારા પરહિત કર્યું છે. વળી, હવે ગચ્છને પરિપાલન કરે એવા શિષ્યો પણ તૈયાર થઈ ગયા છે માટે મારે આત્મહિત તરફ અગ્રેસર થવું જોઈએ” એમ વિચારી વિશિષ્ટ જ્ઞાની હોય તો પોતાનું શેષ આયુષ્ય કેટલું છે તે વિચારે અથવા અન્ય વિશિષ્ટ જ્ઞાનીને પૂછી આયુષ્યનો નિર્ણય કરી જો અલ્પ આયુષ્ય હોય તો ભક્ત પરિજ્ઞાદિ દ્વારા મરણ અંગીકાર કરે, જો દીર્ધાયુ હોય અને જંઘાબળ ક્ષીણ થયું હોય તો વૃદ્ધાવાસ સ્વીકારે, શક્તિ હોય તો જિનકલ્પાદિ સ્વીકારે. અને તેવી ઈચ્છાથી તપ-સત્ત્વ-સૂત્ર-એકત્વ અને બળથી એમ પાંચ પ્રકારે આત્માની તુલના કરે. જિનકલ્પ સ્વીકારનારા ઘણું કરીને આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તકસ્થવિર કે ગણાવચ્છેદક એ પાંચમાંના કોઈ હોય છે. ઉપરની પાંચ ભાવનાઓથી આત્માની તુલના કરે અને કન્દર્પ-કિલ્બિષિક-આભિયોગિક-અસુર અને સંમોહના સંબંધવાળી પાંચ અશુભ ભાવનાઓનો ત્યાગ કરે.
(૧) તપભાવનાઃ તપ ભાવનામાં સુધાનો એ રીતે જય કરે કે દેવ આદિના ઉપસર્ગથી છ માસ સુધી શુદ્ધ આહારાદિ ન મળે તો પીડા ન પામે.