________________
આ બાજુ ત્રિવિક્રમ રાજાને ધર્મરૂચિ નામના મુનિભગવંતનો સંયોગ થયો. તેમની પાસેથી તેણે દયામય ધર્મ સાંભળ્યો. રાજાના કરૂણા×મનમાં પોતે કારણ વગર પક્ષીને મારી નાંખ્યાની વાત યાદ આવી. તેથી રાજા પશ્ચાત્તાપથી વિચારવા લાગ્યો, “અહો ! અજ્ઞાનથી મેં કેવું દુરાચરણ કર્યું ! તેના ફળ સ્વરૂપે અનેક કષ્ટો મારે ભવોના ભવો સુધી સહન કરવા પડશે. દુષ્કૃત્યનું ફળ આ લોકમાં સંતાપ અને પરલોકમાં નરકગતિ છે. માટે કાદવમાંથી કમલ અને માટીમાંથી સુવર્ણની જેમ દુર્ગતિથી બચવા આ અસાર દેહમાંથી સારરૂપ વ્રતને હું ગ્રહણ કરું.” એમ વિચારી રાજાએ મુનિરાજને નમસ્કાર કરી આદરથી વ્રત પ્રદાન કરવા મહર્ષિને પ્રાર્થના કરી. મુનિએ પણ હર્ષથી તેને દીક્ષા આપી.
ત્રિવિક્રમ મુનિ અનુક્રમે સર્વ સિદ્ધાંતનું અધ્યયન કરી જ્ઞાની બન્યા અને ગુજ્ઞા લઈ એકાકી પ્રતિમા સ્વીકારી, અર્થાત્ વિશેષ કર્મક્ષય કરવા એકલા વિચરવા લાગ્યા. વિચરતાં વિચરતાં એક દિવસ એ અટવીમાં પહોંચ્યાં, જયાં પેલો ભીલપુત્ર હતો. તે અટવીમાં મુનિ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ભીલપુત્રે દૂરથી મુનિને જોયા. પૂર્વના વૈરથી તેને ખૂબ ક્રોધ ઉત્પન્ન થયો. તેથી મુનિને લાકડી, મુષ્ટિ વગેરેથી ખૂબ મારવા લાગ્યો. તેણે કરેલી આ ઘોર યાતનાથી પીડા પામેલા મુનિ શાંત હૃદયવાળા હતા. તો પણ તેમને ક્રોધ પ્રગટ થયો અને સામનો કરવાની વૃત્તિથી ભીલપુત્ર ઉપર તેજોલેશ્યા મૂકી. તેનાથી ભીલપુત્ર તુરંત બળીને મૃત્યુ પામ્યો.
ત્યાંથી મૃત્યુ પામીને તે જ વનમાં તે કેશરીસિંહ થઈને અવતર્યો. આ બાજુ વિહાર કરતાં કરતાં ત્રિવિક્રમ મુનિ તે જ વનમાં ફરી આવી ચડ્યા. મુનિને જોતાં તરત જ પૂર્વના વૈરથી તેમની સામે દોડ્યો. તેને આવતો જોઇ, ધર્મના એક સાધનરૂપ પોતાનાં દેહને બચાવવા મુનિરાજ ત્યાંથી ભાગ્યા. તે સિંહ પણ રાજર્ષિની પાછળ પાછળ જવા લાગ્યો. તેથી છેવટે ક્રોધને વશ થઈ તે સિંહ ઉપર તેજોલેશ્યા મૂકી. તેથી તે તત્કાળ મૃત્યુ પામીને તે જ વનમાં દીપડા તરીકે ઉત્પન્ન થયો.
કેટલાક કાળ પછી ફરીથી તે રાજર્ષિ ત્યાં આવી સ્થિરતાપૂર્વક કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. અચાનક તે દીપડો ત્યાં આવ્યો અને પૂર્વના વૈરથી મારવા ધસ્યો. કષાયોનો વિપાક દારૂણ છે. એ જાણવા છતાં પણ કર્મને આધીન બનેલા ત્રિવિક્રમ રાજર્ષિ કોપને વશ થયા. કષાયોનો પરાભવ કરવો એ ખરેખર વિકટ કાર્ય છે.
મુનિએ તે દીપડા પર તેજોલેશ્યા મૂકી. તેથી તે મૃત્યુ પામી કોઈ ભયંકર વનમાં સાંઢ થયો. ભાગ્યયોગે તે જ વનમાં આવીને મુનિ કાઉસ્સગમાં રહ્યા. તેમને જોઈ પૂર્વના વૈરથી તે સાંઢ અત્યંત ઉપદ્રવ કરવા માંડ્યો. એટલે પૂર્વની જેમ એ સાંઢને પણ યમરાજનો અતિથિ કર્યો.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૪