________________
શૂન્યાવસ્થામાં પોતાના જ પિતા-મુનિને જોઇને શુકરાજ બધું દુઃખ ભૂલી જઈ તરત જ પોતાની પ્રિયાઓને લઇ પિતા-મુનિ પાસે પહોંચી ગયો ને વંદન કરી પોતાની દુઃખદ પરિસ્થિતિ અને પોતાના પર આવેલી આફત જણાવતાં એ રડી પડ્યો...!
દુઃખનો એ સ્વભાવ છે કે સ્વજન મળતાં હૃદયમાં દુઃખ એકદમ ઉભરાઈ આવે છે...!
મૃગધ્વજ મુનિ તો કેવલી હતા. એ આ બધું પોતાના જ્ઞાનચક્ષુથી પહેલાં જ જાણતાં હતાં. ચંદ્રશેખર અને ચંદ્રાવતીને ય એ તો નખશિખ પિછાણતા હતા. છતાં શુકરાજ આગળ મુનિએ એ સંબંધી કંઈ વાત ન કરી...!
કારણ કૈવલ્ય જ્યોતિર્મય મુનિ પૂછ્યા વિના કોઇની ગુપ્ત વાત કોઈનેય કહેતા નથી. જગત સ્વભાવથી સાવ ઔદાસિન્ય એ જ એ જ્ઞાનનું પરમ ફળ છે...!
મૃગધ્વજ મુનિએ રડતાં શુકરાજને કહ્યું. એમાં રડવાનું શું હોય ? આ તો કર્મની વિચિત્રતા છે. કર્મની વિચિત્રતાને ટાળવાની તાકાત એક ધર્મ સાથેની મિત્રતામાં જ છે.
છતાં શુકરાજના આંસુ ન અટક્યાં તે ન જ અટક્યાં. ઘણાં દિવસનું ભેગું થયેલું દુઃખ આજે આંખ વાટે બહાર નીકળતું હતું...!
શુકરાજનું હૃદય એકદમ ભરાઈ આવતાં એ તો બાળકની જેમ પોતાના પિતામુનિના પગને વળગી પડ્યો ને કરગરતા સ્વરે કહ્યું : “આપ જેવા પૂજય પિતાશ્રી હાજર હોય છતાં મારું રાજ્ય કેમ લૂંટાય.. ? પ્રકાશ હાજર હોય છતાં અંધકાર રહે તો પછી થાય શું...? કલ્પવૃક્ષ સમાન આપ મારી સામે હાજર છો.. છતાં હું મારા રાજયને પ્રાપ્ત ન કરી શકું તો કામનું શું...?'
મૃગધ્વજ મુનિએ, શુકરાજને સાંત્વન આપતાં કહ્યું : “રાજનું...! ધર્મ એક એવી વસ્તુ છે જે જગતની કોઈ પણ અસાધ્ય વસ્તુને સાધ્ય બનાવી શકે છે. રાજન્ ! ગભરાવાની જરૂર નથી. અહીંથી થોડે જ દૂર વિમલાચલ નામનું મહાતીર્થ છે. ત્યાંના તીર્થનાયક આદિનાથ ભગવાનના ભાવપૂર્વક દર્શન કરી તે પર્વતની ગુફામાં પરમેષ્ઠી મહામંત્રનો છ મહિના સુધી જાપ કરવામાં આવે તો કોઈ વસ્તુ એવી નથી કે જે સાધ્ય ન બને. જે દિવસે જાપ કરતાં ગુફામાં ચારે બાજુ પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય તે દિવસે સમજવું કે સિદ્ધિ થઈ ગઈ છે. ગમે તેવા અજેય શત્રુને જીતવાનો આજ એક ઉપાય છે.”
શુકરાજ આ સાંભળી ખુશ થઈ ગયો. કેટલાંય દિવસની એની નિરાશા આજ આશામાં ફેરવાઇ ગઇ...!
મૃગધ્વજ મુનિનો હાર્દિક ઉપકાર માની એ તરત જ પોતાનું વિમાન વિમલાચલ પર્વત તરફ લઈ ગયો..! વિમલાચલની તળેટીમાં વિમાન ઉતારી એ પૂર્ણભક્તિ સાથે વિમલાચલ પર ચઢ્યો. તીર્થનાથનાં દર્શન કર્યા. એણે એ દિવસે અપૂર્વ આનંદ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૫ર