________________
કામ થઈ ગયું... ધન્ય ઘડી... ધન્ય વેળા... આજનો દિવસ ધન્ય... અરે...! ખાલી ધન્ય નહીં પણ ધન્યાતિધન્ય બની ગયો...!
આટલો સમય ક્યાં વ્યતીત થઈ ગયો કંઈ ખબર જ ન પડી. આ ગિરિરાજ અને દાદાનો આવો પ્રભાવ છે કે અહીં ભૂખ-તરસ-થાક બધું જ ભૂલાઈ જાય છે. બસ...! ભક્તિ રસને પીધા જ કરો. દાદાના ખોળામાં જાણે રમ્યા જ કરો...!
પૂર્વના કાષ્ઠના મંદિરનો જીર્ણોદ્ધાર કરીને સં. ૧૨૧૭માં બાહડ મંત્રી વડે પાષાણના બનાવાયેલા અને તેજપાળ સોની દ્વારા સં. ૧૬૫૦માં જીર્ણોદ્ધાર કરાયેલા બાવન હાથ ઊંચા નંદીવર્ધન નામના પ્રાસાદમાં આવેલા મેઘનાદ નામના મંડપમાં બેસીને કર્ભાશાએ ભરાવેલા અને પ્રતિષ્ઠિત કરેલા આદેશ્વરદાદાની આપણે હમણા ભક્તિ કરી રહ્યા છીએ.
આ જિનાલયમાં ૧૨૪૫ કુંભ, ૨૧ સિંહ, ૭૨ થાંભલા, ચાર યોગીનીઓ અને દસ દિપાલ છે. અહીં ચારે બાજુ ૧૯૭૨ દેરીઓ, ૪ ગવાક્ષ, ૩૨ પૂતળીઓ, ૩૨ તોરણો, ૨૯૧૩ પાષાણના પ્રતિમાજી, ૧૩૧ ધાતુના પ્રતિમાજી તથા ૧૫૦૦ પગલાં છે. તે બધાને ભાવથી આપણે વંદના કરીએ.
પ્રણિધાને ભજો એ ગિરિ રાયો, તીર્થકર-નામ નિકાચો; મોહરાયને લાગે તમાચો શુભવીર વિમલગિરિ સાચો સ્નેહી સંત ! એ ગિરિ સેવો. ચૌદે ક્ષેત્રમાં, ત્રણ ભુવનમાં તીરથ ન એવો સ્નેહી સંત ! એ ગિરિ સેવો. હવે આપણે દાદા પાસે એમ વિચારવાનું છે કે...
પૂર્વના ચાર ચૈત્યવંદન દ્વારા આત્માની અંદર સર્વ જીવો પ્રત્યે હિતચિંતારૂપ સ્નેહભાવ, રાગ-દ્વેષની શાંતિરૂપ સમભાવ, આત્મારમણતારૂપ ચારિત્ર દ્વારા આત્મભાવ, પુંડરીક કમળની જેમ નિર્મળતા રૂપ નિર્લેપભાવ પ્રાપ્ત થયા બાદ દાદાના દર્શન કરતાં આપણે આપણા આત્માને પરમાત્મા સ્વરૂપે જોઇને પરમાત્માભાવની પ્રાપ્તિ કરી શકીએ. આત્મામાં પરમાત્માના દર્શન કરવા તે જ સાધનાનું અંતિમ લક્ષ્ય છે. તે લક્ષ્ય આ રીતે વિચારણા-ચિંતનપૂર્વક યાત્રા કરવાથી જલ્દી સિદ્ધ થાય છે.
હા... સમવસરણના ત્રણ ગઢ તો થયા પણ પછી શું ?
આપણે ત્રણ ગઢની કલ્પનાથી ઉપર આવ્યા હવે ત્રીજા ગઢ ઉપર સિંહાસન હોય છે... સિંહાસન રૂપ આ દાદાનો ભવ્ય દરબાર છે અને એની ઉપર એ બેઠા આપણા પરમાત્મા...! પરમાત્મા દેશના સંભળાવે છે. આપણે સાંભળવી છે. તો બધા બેસો અહીં
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૦૮