________________
પરમાત્મા ઋષભદેવ ભગવાનની ઋદ્ધિને જોવાનો પ્રયત્ન કરતાં, હર્ષના આંસુએ પળીયા દૂર કર્યા. પુત્રની ઋદ્ધિ જોઇને, સ્વાર્થી સંસારની વિચારણા કરતાં, ધ્યાનની ધારામાં આગળ વધતાં માતા મરૂદેવા હાથીની અંબાડી ઉપર જ કેવળજ્ઞાન પામ્યા. આયુષ્ય પૂર્ણ થતાં આ અવસર્પિણીકાળમાં સૌ પ્રથમ મોક્ષે ગયા. આવા આ કાળના પ્રથમ સિદ્ધ માતા મરૂદેવાને વંદના કરીને, ભગવાનના સાચા દર્શન કરવાની તેમના જેવી કળા મેળવવાનો સંકલ્પ કરીએ. • પહેલી ટૂંક જઈ પાવન થાશું ? ત્યાંથી આગળ વધતાં, વચ્ચેના અનેક જિનાલયોમાં જિનબિંબોને નમસ્કાર કરતાં કરતાં પ્રથમ ટૂંકમાં પ્રવેશીએ.
આ મહિમાવંત શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર અનેક વ્યક્તિઓએ અનેક જિનાલયોનું સર્જન કરાવ્યું છે અને તેમાં ઘણા જિનબિંબો પ્રતિષ્ઠિત કર્યા છે. તે રીતે વિચારીએ તો શત્રુંજય ઉપર ઘણી ટૂંકો છે; પણ મુખ્યતાની દૃષ્ટિએ નવ ટૂંક પ્રસિદ્ધ છે. તેમાંની પહેલી ટૂંકમાં પ્રવેશીએ :
(૧) ખરતરવસહી : આ ટૂંકમાં ચૌમુખજી (ચાર) આદેશ્વર ભગવાન હોવાથી ચૌમુખજીની ટૂંક તરીકે પણ પ્રખ્યાત છે. ૨૭૦ ફૂટ લાંબી, ૧૧૬ ફૂટ પહોળી અને ૯૭ ફૂટ ઊંચી છે. ચારેબાજુ ૨૫-૨૫ માઇલના ઘેરાવામાંથી આ ટૂંકનું ઉંચું શિખર દેખાય છે. આ ટૂંક સવચંદ અને સોમચંદ નામના બે શેઠીયાઓએ બનાવી હોવાથી સવા-સોમાની ટૂંક તરીકે પણ ઓળખાય છે.
સૌરાષ્ટ્રના વંથલી ગામમાં, દીન-દુઃખીયાના બેલી અને ધર્મવીર એવા સવચંદ શેઠ, પરદેશથી વહાણ પાછા ન ફરતાં આર્થિક મુશ્કેલીમાં મૂકાયા. થાપણદારો થાપણની ઉઘરાણી કરવા લાગ્યા. શેઠે જે હતું તે બધું ચૂકવ્યું. બાકી રહેલા એક શેઠે પોતાના લાખ રૂપિયાની તાત્કાલિક ચૂકવણી કરવાની પઠાણી ઉઘરાણી કરી. હવે કાંઈ હતું નહિ. ઇજ્જતનો સવાલ હતો. ના પણ કેમ પડાય ?
ઘણો વિચાર કરીને, શેઠે અમદાવાદના ધનાસુતારની પોળના સોમચંદશેઠ ઉપર અશ્રુભરી આંખે હૂંડી લખી આપી.
સોમચંદ શેઠ પાસે હુંડી આવી, તેમના ચોપડામાં સવચંદશેઠનું કોઇ ખાતું જ ન હતું. હુંડીને બારીકાઇથી જોતાં, શેઠની નજરે, હુંડી લખતી વખતે પડેલા બે આંસુથી ઉપસી ગયેલો ભાગ દેખાયો. શેઠ સમજી ગયા કે સંકટમાં આવેલા આ શેઠે ઇજ્જત બચાવવા મારા ભરોસે આ હુંડી લખી આપી હોવી જોઇએ. પળનો ય વિલંબ કર્યા વિના શેઠે લાખ રૂપિયા હુંડી લાવનારને આપી દીધા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૨