________________
શત્રુંજયનું ભાવાત્મક ચિંતન
શત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકોષ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ...
શત્રુંજી નદીએ નાહીને...
સાચી શત્રુંજી નદી કઇ છે ? જો કોઇ પણ માણસ આપણો વિરોધી હોય અને તેને વશ કરવો હોય તો તેને લાગણી બતાવીએ, તેના ગુણો ગાઇએ, તેના માટે સારું બોલીએ તો ગમે તેવો વિરોધી માણસ પણ આપણને વશ થઇ જાય છે, એટલે શત્રુને જીતવા માટેની નદી એ સ્નેહની નદી છે. સ્નેહને હકીકતમાં પાણીની ઉપમા આપી છે. ઘણાં કહે છે ને કે તેણે મને એટલો બધો સ્નેહ આપ્યો કે સ્નેહથી ભીંજવી દીધો, એટલે સ્નેહને પાણીની ઉપમા આપી છે. જેવી રીતે ઘી અને લોટ હોય તો લાડવો બંધાય નહીં એમાં પાણીનો ભાગ હોવો જોઇએ, એમ પાણીમાં સાચો સ્નેહ છે. પાણીથી માણસને ઠંડક મળે છે, ટાઢક મળે છે, તેવી રીતે આપણે જેટલા સ્નેહાળ બનીશું, જેટલાં જગતનાં જીવ પ્રત્યે લાગણીશીલ બનીશું, કોઇપણ જીવ આપણા માટે પરાયો નથી તેવો ભાવ ભાવીશું અને સ્નેહની નદીમાં નાહીશું તો આપણને અહીંયા બેઠા પણ શેત્રુંજી નદીએ નાહવા જેટલું જ પુણ્ય મળશે.
મુખ બાંધી મુખકોષ...
મુખકોષ બાંધીને જ ભગવાનની પૂજા થાય છે. તો ભાવ મુખકોષ કયો છે? આ મોઢા દ્વારા અસત્ય ભાષણ, અસભ્ય ભાષણ અને અભક્ષ્ય ભક્ષણ બંધ કરી અને પછી જો ભગવાનની પૂજા કરીએ તો જ એ પૂજાનો લાભ થાય છે. આ જીભ ખોટું બોલવા માટે નથી, સાચું બોલવા માટે જ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, જે માણસ ૧૨ વર્ષ સુધી સત્ય બોલે એટલે કે ૧૨ વર્ષ સુધી ખોટું ન જ બોલે તો એ જે બોલે તે થાય જ એટલે કે વચનસિદ્ધ થઇ જાય, માટે મોઢાથી હલકી ભાષા ન બોલવી જોઇએ. અમુક એવા પણ હલકી જાતનાં માણસો હોય છે કે જે પ્રેમથી વાત કરતી વખતે પણ ગાળનો ઉપયોગ કરે છે, જ્યારે આપણા સભ્ય સમાજનાં ઊંચા ઘરોમાં ભાઇ, મોટાભાઇ... વિગેરે ભાષાનો ઉપયોગ કરીને વાતો કરવામાં આવે છે. એટલે ભાષા બોલતી વખતે સભ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઇએ.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૭૦