________________
સ્નાન કરીને પૂજનદ્રવ્યોના થાળ હાથમાં લીધા. સહુ રંગમંડપમાં આવી પહોંચ્યા. જ્યારે પૂજાનો સમય થયો ત્યારે મહાદેવી અનુપમાનું અંતર ઝાલ્યું રહી ન શક્યું. પ્રભુ! ઓ પ્રભુ ! નાથ ! ઓ નાથ ! કહે તો ખરો કે તારાથી આ દુનિયામાં શું વધારે છે ? મારા વ્હાલા ! તું જ મારા માટે સર્વસ્વ છે ! મારું જે કાંઇ છે તે તારું જ છે. અનુપમા આવું કશુંક બોલતા ગયાં અને ધડાધડ ગળાના હાર, સોનાની ચેઇનો, લોકેટો, એરીંગો, બંગડીઓ, સોનાનાં પાટલા, કડા-કુંડલ, છડા, અછોડા અને સોનાની કટીમેખલા ઉતારવા લાગ્યા. ક્ષણવારમાં બત્રીસ લાખ સોનામહોરનાં એ નવા દાગીના પણ પ્રભુનાં ચરણોમાં સમર્પિત કરી દીધાં.
સગી દેરાણીનો આ ભક્તિભાવ જોઇને પેલી જેઠાણી લલિતાદેવીનું દિલ પણ દ્રવી ઊર્યું અને એણે પણ દાગીના ઉતારવા માંડ્યા. જોતજોતામાં તેણીએ પણ બત્રીસ લાખ સોનામહોરનાં દાગીના પ્રભુચરણે સમર્પિત કર્યા. દેરાણી-જેઠાણીએ કરેલી આ આભૂષણપૂજાને જોઈ રહેલી પેલી ઘરની દાસી ! નામ જેનું શોભના ! આ શોભનાનું શરીર પણ એક લાખ સોનામહોરના દાગીનાથી શોભી રહ્યું હતું. પ્રભુભક્તિની રમઝટ જોઇને તેનું પણ અંતર પીગળી ઉઠ્યું અને એ બોલી ઉઠી, રે ! શેઠાણીઓ ! તમને ઘરેણાંની નથી પડી તો મારે પણ આ ઘરેણાં નથી ખપતાં. ખોળો ભરીને ઘરેણાં તેણે પ્રભુચરણે સમર્પિત કર્યા.
મંદિરના એક ખૂણે ઉભા રહીને આ ભક્તિ જોઇ રહેલા પેલા ધાઈદેવશ્રાવક જેઓ દેવગિરિથી જાત્રાએ આવ્યા છે. અલંકારપૂજાની આ હરીફાઇ જોઇને તેમનાથી પણ રહેવાયું નહિ અને તેમણે પણ હીરા, મોતી, માણેક, પરવાલા અને સોનાનાં ફૂલો જે કંઇ પાસે હતું તેના વડે પ્રભુની આંગી રચી અને પછી નવ લાખ ચંપાના ફૂલોથી પ્રભુની પુષ્પ-પૂજા કરી !
વાહ ! અનુપમા ! વાહ ! શાબાશ ! ધન્ય છે તને ! તું ઘરેણાં ઉતારી પણ શકે અને બીજાનાં ઉતરાવી પણ શકે ! વાહ ! લલિતાદેવી ! વાહ ! દેરાણીનાં પગલે ચાલીને તમે પણ કમાલ કરી નાખી ! ઓ દાસી શોભના ! તારા દિલને પણ નમસ્કાર છે ! તારું આ સમર્પણ સદા સ્મરણમાં રહેશે.
ઓ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ ! તમને પણ ધન્ય છે હોં ! પ્રિયતમાઓ લાખોનાં ઘરેણાં ન્યોછાવર કરે તોય તમે તેમને ધધડાવો નહિ, છણકો કરો નહિ, મોં મચકોડો નહિ અને ઉલ્ટા આનંદ પામો. પ્રભુ હૈયે ન વસ્યા હોય તો આવી ઉદારતા તમારા હૈયે આવે પણ ક્યાંથી ! વંદન અને નમન છે તમારા સહુના એ ભક્તિભર્યા હૃદયોને ! અને દિલાવર દિલોને !
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૫