________________
આસો સુદ-૧૫
જરાકુમારે દ્વારકાનો નાશ અને કૃષ્ણના મૃત્યુનો સર્વ વૃત્તાંત પાંડવોને જણાવ્યો. તે સાંભળી પાંડવો શોકમગ્ન બની ગયા. તેઓને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. સંયમની ભાવના ભાવવા લાગ્યા... નેમિનાથ પ્રભુનું નામસ્મરણ કરતાં વિરક્ત થયેલા પાંડવો, સંસારની માયાજાળનો ત્યાગ કરવાના દૃઢ નિરધાર સાથે રહ્યા છે.
તે વખતે સર્વજ્ઞ પ્રભુ નેમિનાથે પાંડવોના બોધ માટે ધર્મઘોષ મહામુનિને પાંચસો મુનિઓ સાથે મોકલ્યા. તેમની દેશના ધોધમાં સ્નાન કરતાં પોતાનો પૂર્વભવ પૂછ્યો. જ્ઞાની ગુરુના મુખે પૂર્વભવ જાણી અતિ સંવેગથી અભિમન્યુના પુત્ર પરિક્ષિતને રાજ્યભાર સોંપીને પાંડવોએ ધર્મઘોષ મહાત્મા પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાર બાદ વિવિધ અભિગ્રહોથી યુક્ત ભીષ્મ તપસ્યા કરવા લાગ્યા.
ધીરે ધીરે પાંડવ મુનિઓ દ્વાદશાંગીના જ્ઞાતા બની ગયા. યુદ્ધમાં ઘણાને ભાલાની અણીથી માર્યા હોવાથી એ પાપને દૂર કરવા ભીમ મુનિએ એવો અભિગ્રહ રાખ્યો હતો કે કોઇ મને ભાલાના અગ્રભાગથી ભિક્ષા વહોરાવે તો તે સ્વીકારીશ. તેમનો આ અભિગ્રહ છ મહિના પછી પૂર્ણ થયો હતો.
પાંડવમુનિઓએ પોતાના ગુરુજીને નેમિનાથ પ્રભુ વિષે પૂછ્યું. ગુરુએ કહ્યું પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીક જાણીને રૈવતાચલ (ગિરનાર) ૫૨ પધાર્યા છે. પાંડવોએ પણ અભિગ્રહ કર્યો કે પ્રભુના દર્શન કરીને માસક્ષમણનાં પારણાં કરીશું. એ ભાવના સાથે પાંડવ મુનિઓએ રૈવતાચલ તરફ પ્રયાણ કર્યું. પરંતુ ગિરનારજી બાર યોજન દૂર હતો ત્યાં તેમને રસ્તામાં ચારણ મુનિએ પ્રભુના નિર્વાણના સમાચાર આપતાં પાંડવ મુનિઓની ભાવના અધૂરી રહી. ત્યાંથી પાંડવો વિમલાચલ ગિરિ તરફ પધાર્યા... ત્યાં પહોંચી, અનશનનો સ્વીકાર કરી... આસો સુદ-૧૫ના દિવસે ઘાતી કર્મોનો ક્ષય થઇ જવાથી પાંડવ મુનિઓને કેવલજ્ઞાન થયું અને આયુષ્ય કર્મ પૂરું થતાં ૨૦ ક્રોડ મુનિઓ સાથે મોક્ષ સિધાવ્યા. આ છે આસો સુદ પૂર્ણિમાનો મહિમા......
આપણે પણ વિમલાચલના ધ્યાનમાં મસ્ત બની... જલ્દીથી જલ્દી... મોક્ષને પામીએ...
***
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૫૫