________________
શ્રી શત્રુંજય તીર્થરાજની ભાવયાત્રા
(શ્રી શત્રુંજય તીર્થાધિરાજની યાત્રાઓ ઘણી કરી, પણ એ યાત્રાના ભાવો કેટલા સ્પર્શયા એ પ્રશ્ન છે. દાદાની યાત્રા સાથે જો ભાવ ઉમેરાતા જાય અને એ ભાવયાત્રા કરાય તો ભવયાત્રાનો અંત આવી જાય. આ ભાવયાત્રામાં જે અર્થઘટન છે, તે પરમપૂજ્ય પંન્યાસપ્રવરશ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રીએ કરેલ છે.)
એકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ, ઋષભ કહે ભવક્રોડના, કર્મ ખપાવે તેહ...
અહાહા...! ક્રોડો ભવના જે ઢગલાબંધ કર્મો, આ આપણા આત્માએ જાણતાઅજાણતા બાંધી લીધા છે. તેને તોડવાનો સહેલામાં સહેલો ઉપાય છે, આ પવિત્રતમ અનંત સિદ્ધ ભગવંતોના ધામ-તીર્થધામ ગિરિરાજની પાવન સ્પર્શના. જુઓ...! સામે રળીયામણો ડુંગર દેખાય છે. તેની ઉપર હાથીની અંબાડી જેવું અને ઉંચા-ઉંચા શિખરોથી શોભતું ભવ્ય જિનાલય છે. આપણે ઠેઠ ત્યાં પહોંચવાનું છે. બધા પોતપોતાના હૈયામાં “જય જય શ્રી આદિનાથ'ના તરંગો ચાલુ રાખજો . બહુ ઉતાવળ ન કરજો. નીચે જોઇને ચાલજો . • જય તળેટી..!
બસ...! જુઓ...! આ ગિરિરાજની તળેટી છે.
જ્યાં તળેટી પહેલી આવે, ગિરિવર દર્શન વિરલા પાવે, પ્રભુના પગલા પુનિત ને અભિરામ છે. સૌ ચાલો સિદ્ધગિરિ જઇએ...
પ્રારંભમાં મહાપવિત્ર અને મહાપ્રભાવિક ગિરિરાજની સ્પર્શન-વંદના કરવા માટે ગિરિરાજનો મર્યાદિત ભાગ નક્કી કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એ “મનમોહન પાગ” તરીકે ઓળખાતો. અત્યારે “જય તળેટી' કહેવાય છે. રોજ અહીં અભિષેક થાય છે. વરખ | ગુલાબના પુષ્પથી પૂજન, આંગી થાય છે. ટાણા સંઘના સક્યોગથી વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે. જે ગિરિરાજની યાત્રા નથી કરી શકતા તેઓ તળેટીની યાત્રા કરે છે. છ'રિ પાલિત સંઘો, ૯૯ યાત્રા સંઘો અને ચાતુર્માસમાં રોજ વાજતે-ગાજતે તળેટીએ ભક્તિમેળો રચાય છે. સાંજે મહાઆરતીનો પણ પ્રસંગ ઉજવાય છે. તળેટીની મહાપૂજા પણ યોજાય છે. ગિરિરાજની પૂજયતાને વરેલી આ ગિરિશિલા છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૭૫