________________
પોતાના ઇષ્ટદેવની પૂજા માટે જૈનોએ ઉદારતાથી અહીં શિવલીંગ સ્થાપેલું. આજે પણ આ શિવલીંગનો વહીવટ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના હાથમાં છે. ત્યાંથી આપણે પાછા હાથીપોળના દરવાજે આવી ગયા છીએ. દાદાના દર્શને હવે જલ્દી થવાના છે. ઝડપથી અંદર પ્રવેશીએ.
ચારે બાજુ સુગંધ ફેલાઈ રહી છે. જમણીબાજુ રહેલા ફુલવાળાઓ પરમાત્માની ભક્તિ કરવા પોતાના ફૂલો ખરીદવા માટે પૂજકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ડાબી બાજુ રહેલા સ્નાનાગર તરફ અનેક યાત્રિકો પૂજા કરવા માટેની પૂર્વ તૈયારી માટે જઈ રહ્યા છે. પૂજાના વસ્ત્રોમાં સજ્જ થયેલા ભાવુકો “પરમાત્માની આજ્ઞા મસ્તકે ચઢાવું છું; તેવું સૂચવતા તિલકને કરી રહ્યા છે તો કોઈ કેશર-સુખડ વાટી રહ્યા છે. સામે રતનપોળનો દરવાજો દેખાઈ રહ્યો છે. રતનપોળ એટલે દાદાનો દરબાર આપણને તો દાદાને ભેટવાની ઉતાવળ છે ને? તો ચાલો... સીધા રતનપોળમાં જ જઇએ...
રતનપોળ આવ્યા દાદાને દરબાર, હૈયે હર્ષ તણો નહીં પાર.”
કેવો ભવ્ય પ્રવેશદ્વાર છે. હા..! અહીં બંને બાજુની ભીંત પર શીલાલેખો છે. તેમાં જમણી બાજુ ૧૬૫૦માં જીર્ણોદ્ધાર કરાવનાર તેજપાલ સોનીનો અને ડાબી બાજુ ૧૫૫૭માં તીર્થોદ્ધાર કરાવનાર કર્માશાનો તથા ૧૬૫૦માં અકબરે યાત્રાવેરો માફ કરેલો તેનો શીલાલેખ છે.
જુઓ... બસ... આવી ગયા... આપણે દાદાના દરબારમાં... કેવું વાતાવરણ છે... ચારે બાજુ પરમાત્માના ભક્તોની પરમાત્માને ભેટવા માટે કેવી દોડાદોડ છે.
કેવો ઊંચો ભવ્ય-દિવ્ય દરબાર છે દાદાનો... ચાલો... પહેલા આપણે એક વખત દાદાને ભેટી લઇએ... પછી વિધિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપશું. કારણ કે... બે માઇલ અને બે ફલાંગનો માર્ગ પસાર કરીને, ૩૩૬૪ પગથીયા ચઢીને ૨૦૦૦ ફૂટની ઊંચાઇએ આપણે દાદાને ભેટવા આવ્યા છીએ.
ચાલો... અંદર હા... અંદર જઈને બધા બેસી જઇશું. કારણ કે પાછળ રહેલાને દાદાના દર્શનમાં અંતરાય ન થાય.
બોલો... શ્રી આદીનાથ ભગવાન કી જય...!
કેવા ભવ્ય ભગવાન છે. અહા...! કેવું દિવ્ય તેજ પ્રસરી રહ્યું છે. મારા દાદાની આંખોમાંથી કેવા અમી વરસી રહ્યા છે. કેવું હાસ્ય... વાહ...! રે દાદા વાહ...!
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૦૦