________________
શુકરાજે કહ્યું : “ના.” એટલે મંત્રીઓ ખુશ થઈ પોતાના સ્વામી શુકરાજને મહેલમાં લઈ આવ્યા.
મંત્રીઓને ક્યાં ખબર હતી કે આ તો માયાવી શકરાજ છે !
શુકરાજના રૂપમાં રહેલ ચંદ્રશેખર હવે તો ચંદ્રાવતી સાથે ખૂબ મોજ માણવા લાગ્યો...!
સાચો શુકરાજ તો તીર્થ યાત્રા કરવા ગયો હતો. થોડા દિવસ એણે યાત્રામાં ગાળ્યા. પોતાની બંને પ્રિયાઓને એમના માતા-પિતા સાથે મેળાપ કરાવી, હવે પાછો ફરતો હતો.
આ બાજુ ગવાક્ષમાં બેઠા બેઠા ચંદ્રશેખરે જોયું કે શુકરાજનું વિમાન આવી રહ્યું છે એટલે એણે ફરી હાહાકાર મચાવી મૂક્યો ને કહ્યું કે જે વિદ્યાધરે મારી સ્ત્રીઓને હરી લીધી હતી તે વિદ્યાધર મારું રૂપ લઈને નગરના ઉપવનમાં આવ્યો છે !
એ બહુ બળવાન છે. માટે તમે જઈ એને સમજાવીને પાછો વાળો, “નહિ તો આપણા નગરનું સત્યાનાશ નીકળી જશે !”
શુકરાજની આજ્ઞા થતાં તરત જ રાજય કર્મચારીઓ, મંત્રીઓ અને સેનાધ્યક્ષ વગેરે ઉપવનમાં ગયા ને જોયું તો ઉપવનની વચોવચ વિમાન ઊભું હતું...! શુકરાજની બે પ્રિયાઓ પણ ત્યાં જ બેઠી હતી. એટલે સહુ ત્યાં ગયા...!
સહુને પોતાની તરફ આવતાં જોઈ રાજા શુકરાજ વિમાનમાંથી ઉતરી એક આમ્રવૃક્ષ નીચે આવીને બેઠા...!
ત્યાંજ મંત્રી વગેરે બધાએ ત્યાં આવીને પ્રણામ કરીને કહ્યું : “ઓ ! અનેક વિદ્યાઓના સ્વામી વિદ્યાધરેન્દ્ર...! આપની શક્તિની કોઇ અવધિ નથી, આપે આપની વિદ્યાથી અમારા સ્વામી શુકરાજની બે પ્રિયાઓનું હરણ કરી લીધું છે...!”
અમારા સ્વામીએ વિનયપૂર્વક આપશ્રીને કહેવડાવ્યું છે કે, “આપે જે કર્યું તે ભલે કર્યું, પણ હવે આપ આપના મૂળ સ્થાને જાવ. એટલી અમારી વિજ્ઞપ્તિ છે.'
શુકરાજ તો આ સાંભળીને છક જ થઇ ગયો. એને થયું કે શું મંત્રીને ભૂત-પ્રેત કે પિશાચનો વળગાડ થયો છે કે જેથી કલ્પનામાંય ન આવે એવું બધું આ બોલે છે...!
શુકરાજે અવાજમાં જરા જોર લાવી કહ્યું : “મંત્રીશ્વર ! શુકરાજ તો હું પોતે છું.'
મંત્રીશ્વરે કહ્યું : “કૃપાનિધિ...! શા માટે આપ મને ઠગો છો...? અમારા સ્વામી શુકરાજ તો રાજપ્રાસાદમાં બિરાજે છે. આપ તો એમનું રૂપ લઈને આવ્યા છો. વધારે શા માટે બોલાવો છો...?'
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૫૦