________________
સ્વપ્નમાં ગજારૂઢ થયેલા ઇન્દ્રને જોઈ કુંતી જાગી ગઈ. થોડા સમય બાદ તેને દોહદ થયો કે, “ધનુષ્ય લઈ દઢ રીતે દાનવોને દળી નાંખુ અને શત્રુના ઉર:સ્થળને ચૂર્ણ કરી નાંખું.” પછી સમય આવતા તેણે એક લોકોત્તર કુમારને જન્મ આપ્યો. તત્કાળ આકાશવાણી થઈ કે, “આ ઇન્દ્રપુત્ર અર્જુન નામે કુમાર છે.' એમ કહી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, દુંદુભિનો નાદ કર્યો. અપ્સરાઓના નૃત્ય સાથે રાજાએ પણ મહોત્સવ કર્યો. પછી મદ્રી નામની સ્ત્રીથી પાંડુ રાજાને નકુલ અને સહદેવ નામે બે પુત્રો થયા. ધૃતરાષ્ટ્રને પણ દુર્જય, પરાક્રમી અને શસ્ત્ર-શાસ્ત્રમાં ચતુર એવા અનુક્રમે સો પુત્રોથયા.
એક વખત કુંતી યાત્રા કરવા નાસિક નગરમાં ગઈ. ત્યાં તેણે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું નવીન ચૈત્ય કરાવ્યું. પછી પૂજા, આરાત્રિક, નેપથ્ય અને મુનિદાન પ્રમુખ સર્વ ક્રિયા કરીને પોતાના સ્વામીની સાથે કુંતી પાછી પોતાના નગરમાં આવી. આજે પણ નાસિક નગરમાં જઈ જેઓ એ આઠમાં પ્રભુને ભક્તિથી પ્રણામ કરે છે, તેઓ આગામી ભવમાં બોધિબીજ પામીને પરમ ગતિ મેળવે છે. • શા ધનુષ્યનું આરોપણ - કૃષ્ણ દ્વારા કંસનો વધ :
આ બાજુ નૈમિતિકના કહેવાથી કૃષ્ણથી નિશ્ચિત થવા માટે કંસે મોકલેલા કેશી નામના અશ્વ, મેષ નામના ખર અને અરિષ્ટ નામના વૃષભનો કૃષ્ણ ઘાત કર્યો. તેથી નિમિત્તિયાના કહેવા પ્રમાણે બનવાથી કંસ કૃષ્ણથી પોતાના મરણની મનમાં શંકા કરવા લાગ્યો. પછી પોતાના શત્રુની ખરી પ્રતીતિ કરવા તેણે શા ધનુષ્યની પૂજાનો ઉત્સવ કર્યો. તેમાં પોતાની બહેન સત્યભામાને પણ આગળ બેસાડી અને પોતાના માણસો પાસે ઉચ્ચ સ્વરે સર્વ ઠેકાણે એવી આઘોષણા કરાવી કે, “જે કોઇ આ ધનુષ્ય ચડાવશે, તેને દેવકન્યા જેવી આ મારી બહેન પરણાવીશ.' તે કામમાં જયારે કોઇપણ રાજાઓ સજ્જ ન થયા ત્યારે અનાવૃષ્ટિ નામે પોતાના આત્માને વીર માનનારા વસુદેવના પુત્ર રથમાં બેસીને ત્યાં જવા લાગ્યા. રાત્રે ગોકુળમાં સૂઇ રહી પ્રાતઃકાળે કૃષ્ણને સહાયકારી તરીકે સાથે લઈ મથુરાના માર્ગે ચાલ્યા. (કૃષ્ણને રથમાં બેસાડ્યા ન હતા.) રસ્તામાં રથને સ્કૂલના કરનારું એક વૃક્ષ આવ્યું. તેને કૃષ્ણ ઉખેડી નાખ્યું, પછી પ્રીતિથી અનાધૃષ્ટિએ તેમને રથમાં બેસાડ્યા. સવારે સભામાં આવીને અનાવૃષ્ટિ તે ધનુષ્યને ઉપાડતાં સ્કૂલના પામ્યા, તે વખતે સર્વ લોકો હસી પડ્યા. તે સર્વના હાસ્યથી કોપ પામી કૃષ્ણ તરત જ તે ધનુષ્ય ચડાવી દીધું. વસુદેવે કંસના ભયથી “આ ધનુષ્ય મેં ચડાવ્યું છે” એમ બોલવા અનાવૃષ્ટિને સૂચવી કૃષ્ણ સહિત તેને ત્યાંથી જલ્દીથી રવાના કરી દીધો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૧૯