________________
પ્રથમ પુંડરીકગિરિરાજનું માહાત્મ કહીને પછી સંસારતારણ અને પુણ્યનું કારણ એવું રૈવતગિરિનું માહાત્મ તેણે કહ્યું કે, “હે રાજા ! રૈવતગિરિ મહાતીર્થ જય પામે છે. વિવિધ પ્રકારે રૈવતાચલનાં માહાભ્યને સાંભળવાથી સૌભાગ્યમંજરીને પૂર્વભવનું
સ્મરણ થવાથી તત્કાળ મૂચ્છ પામી. ઘણા શીતોપચાર કરવાથી સચેતન થઈ હર્ષ ધરીને તે પોતાનાં પિતાને કહેવા લાગી, “હે તાત ! આજનો દિવસ મારા માટે મહામંગલરૂપ છે, તેનું કારણ તમે સાંભળો.”
પૂર્વભવે રેવતાચલ ઉપર હું એક વાનરી હતી. તે વખતે સદા ચપળતાથી સર્વ શિખરો, વૃક્ષો અને સરિતાઓમાં હું ફરતી હતી. એ ગિરિના મુખ્ય શિખરેથી પશ્ચિમ દિશામાં એક અમલકીર્તિ નામે નદી છે. વિવિધ પ્રકારના પ્રભાવોવાળી અનેક દ્રહોથી ભરપૂર એ નદી શ્રી નેમિનાથ પ્રભુની દૃષ્ટિથી પવિત્ર થયેલી છે. અનેક વાનરોની સાથે વૃક્ષોમાં સ્વેચ્છાએ ફરતી હું (વાનરી) જાતિની ચપળતાના કારણે એક વખત ત્યાં આવી. ત્યાં ફલિત થયેલા આંબાની મોટી લતાના તંતુથી કંઠ બંધાઈ જવાને લીધે મારા પ્રાણ ચાલ્યા ગયા. ત્યાંથી મરણ પામીને તીર્થમાં નિવાસ કરવાના પ્રભાવથી હું તમારી પુત્રી થઈ છું. આ ભવમાં મારા શરીરમાં જે આશ્ચર્યકારી વિચિત્રતા થઈ છે, તેનું કારણ એ છે કે તે સમયે વાનરી એવી મારું મસ્તક લતાપાશથી બંધાયેલું હતું. એટલે શરીર નમતું, નમતું, માત્ર મુખ વિના આખું શરીર એ અમલકીર્તિ નદીમાં પડ્યું. તેથી હું અહીં સર્વ અંગમાં લાવણ્યથી મંડિત થઈ અને તે તીર્થનદીના સ્પર્શ વગરનું મારું મુખ વાનરી જેવું જ રહ્યું. હવે તે પિતા ! મારું મસ્તક જે ત્યાં વૃક્ષ પર લટકી રહેલું છે તેને નદીમાં નાંખો એટલે હું સુંદર મુખવાળી બનીને મારો જન્મ નિર્ગમન કરીશ. આ વિદેશી પુરુષે રૈવતગિરિનું માહાભ્ય સંભળાવીને મને તેનું સ્મરણ કરાવ્યું. તેથી હે પિતાજી ! એ મારો ખરેખર બંધુ છે, માટે આપ તેનું ઘણું સન્માન કરો.
આ રીતે પ્રસન્ન મનથી પુત્રીનો પૂર્વભવ સાંભલીને રાજાએ માણસો મોકલીને તેનું મસ્તક તે નદીમાં નંખાવ્યું. એટલે તત્કાળ એ રાજકુમારીનું મુખ પણ પણ સુંદર શોભાવાળું થયું. રાજા પણ એ તીર્થનું માહાભ્ય પ્રત્યક્ષ જોઇને ચિત્તમાં બહુ જ વિસ્મય પામ્યા.
પછી સૌભાગ્યમંજરી સંસારથી વિમુખ થઈ આગ્રહથી પિતાને પોતાનો વિવાહ ઉત્સવ કરતાં અટકાવીને રૈવતાચલ તીર્થ ઉપર આવી. ત્યાં તીવ્ર તપ આચરી એ રાજકન્યાએ જિનધ્યાનમાં તત્પર થઈને ઘણાં અશુભ કર્મો ખપાવ્યા. છેવટે મૃત્યુ પામીને તીર્થના મોહથી તે ત્યાં વ્યંતરદેવી થઈ અને તે નદીના દ્રહમાં નિવાસ કરી સંઘના વિદનોનો નાશ કરવાવાળી થઈ.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૨