________________
પ્રભુનાં આવાં વચન સાંભળી અંતરમાં ખેદ પામતા કૃષ્ણ દ્વારિકાપુરીમાં ગયા. જરાકુમારે કૃષ્ણની રક્ષા માટે દૂર જઇને વનમાં નિવાસ કર્યો. લોકોના કહેવાથી તે હકીકત સાંભળીને તૈપાયન ત્યાંથી બીજે ઠેકાણે ચાલ્યો ગયો અને કૃષ્ણ નગરમાંથી બધી મદિરા (દારૂ) લઇને પર્વતની ગુફાઓમાં કુંડમાં નખાવી દીધી. તે મદિરા કાદંબરી નામની ગુફામાં રહેવાથી કેટલાક કાલે કાંઠા ઉપર રહેલા ઝાડના સુગંધી પુષ્પોનો સમૂહ પડવાથી, ગંધ માત્રથી પણ અતિ મદ કરનારી થઈ પડી.
એક વખતે શાંબકુમાર ફરતો ફરતો તે તરફ પહોંચ્યો અને તેની ગંધથી તેમાં લોલુપ થઇ અતૃપ્તપણે તેનું પાન કરીને તેણે તેનું સુંદર પ્રકારે વર્ણન કરવા માંડ્યું, જેથી બીજા કુમારોએ પણ તે મદિરાનું પાન કર્યું. પછી તેના નશામાં ફરતા તે બધા એક ગિરિની ગુફામાં આવ્યા, ત્યાં તૈપાયન ઋષિને ધ્યાન કરતા જોયા એટલે “આ દ્વૈપાયન આપણી નગરીને બાળી નાંખીને યાદવોનો નાશ કરવાનો છે, માટે તેને જલ્દી અહીં જ મારી નાંખો, જેથી તે હણાયા પછી આપણને શી રીતે હણશે ?” આ પ્રમાણે શાબના કહેવાથી સર્વ કુમારો ક્રોધાતુર થઇ, લાકડીઓથી અને મુઠિઓથી તેને ખૂબ કુટી નગરીમાં ચાલ્યા ગયા.
આ વૃતાંત સાંભળી કૃષ્ણ ખેદ પામીને તે જ વખતે બલભદ્રની સાથે ત્યાં જઈ દ્વૈપાયનને શાંત કરવા ખૂબ પ્રયત્ન કર્યો. ત્યારે દ્વૈપાયને કહ્યું, “હે કૃષ્ણ ! આ તમારી પ્રાર્થના વૃથા છે, કેમ કે પ્રથમ જ્યારે મને મારની પીડા થઈ, ત્યારે મેં દ્વારિકા બાળવાનું નિયાણું કરેલું છે, તેથી તમારા બે સિવાય બધા અગ્નિથી બળી જશે. માટે હવે વધારે કરગરવાની જરૂર નથી.' તેનાં વચન સાંભળીને, “જે થવાનું હશે, તે અન્યથા થશે નહીં.” એવું વિચારી કૃષ્ણ ત્યાંથી ચાલ્યા ગયા અને તપસ્વી દ્વૈપાયન મૃત્યુ પામીને નિયાણાનાં પ્રભાવે અગ્નિકુમારમાં દેવ થયો. બીજે દિવસે કૃષ્ણ દ્વારિકામાં એવી ઉદ્ઘોષણા કરાવી કે, “ભાવિ અનિષ્ટનો નાશ કરવા માટે સૌએ ધર્મમાં તત્પર રહેવું.' લોકો તે સાંભળીને ધર્મ કરવા લાગ્યા.
આ બાજુ શ્રી નેમિનાથ પ્રભુ વિહાર કરતા રૈવતાચળ તીર્થ ઉપર સમવસર્યા. તે સમાચાર સાંભળીને કૃષ્ણ પુત્રો સહિત ત્યાં આવી પ્રભુને વંદના કરી. પ્રભુના મુખથી મોહને નાશ કરનારી વાણી સાંભળીને પ્રદ્યુમ્ન અને શાંબ વગેરે કુમારોએ તથા બીજા ઘણાએ દીક્ષા લીધી. રૂક્મિણી તથા જાંબવતી વગેરે ઘણી યાદવોની સ્ત્રીઓએ ચારિત્ર લીધું અને બીજા કેટલાકે શુભ ભાવનાથી દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો. પછી કૃષ્ણ પૂછ્યું, “હે સ્વામી ! મારી નગરીનો દાહ કયારે થશે ?' પ્રભુએ કહ્યું, આજથી બાર વર્ષે રોષ પામેલો તે દ્વૈપાયન અસુર તમારા નગરને બાળી નાંખશે.”
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૧૦