________________
અચાનક મૌન થઇ જવાથી રાજા અત્યંત ચિંતાતુર થયો. ઘણા ઉપચારો કરાવ્યા પણ પુત્ર બોલતો નથી.
થોડો સમય પસાર થયો. એક વખત કોઇ સેવકે સમાચાર આપ્યા કે, ‘રાજન્ ! ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે.' રાજા તે સાંભળી ઉલ્લાસપૂર્વક પ્રિયા, પુત્ર સહિત વંદન કરવા આવ્યો. મુનિએ દેશનામાં સંસારનું સ્વરૂપ સમજાવી વિશેષમાં કહ્યું કે, ‘માતા-પિતા આદિના સંભવવાળો પોતાનો પૂર્વવૃત્તાંત જ્ઞાનથી જાણ્યા છતાં જીવોએ ચિત્તમાં વિચારવા જેવો નથી. કારણ કે માતા-પત્ની, પુત્ર-પિતા આદિ સંબંધો જીવને અનેક વાર થાય છે. માટે હે શુકકુમાર...! તમે કદાગ્રહ છોડી, મને ઉચ્ચારપૂર્વક વંદન કરો અને મૌન ત્યાગો.’
કેવલી ભગવંતના વચને કુમારે વિધિપૂર્વક વંદન કર્યું - કરાવ્યું. આથી વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું, ‘ભગવન્ ! આ શું ?’ ત્યારે કેવલીએ પૂર્વભવનો સર્વ વૃત્તાંત કહ્યો. ચિત્તમાં આશ્ચર્ય પામેલ રાજાને થયું, ‘અહો ! સંસાર આવો છે. તેમ છતાં મને વૈરાગ્ય કેમ નથી થતો.' પછી કેવલીને જ પૂછ્યું કે, ‘ભગવન્ ! મને વૈરાગ્ય ક્યારે થશે ?' કેવલીએ કહ્યુ, ‘જ્યારે તું ચંદ્રાવતીના પુત્રને જોઇશ ત્યારે તને વૈરાગ્ય થશે.' દેશના પૂર્ણ કરી કેવલી ભગવાને વિહાર કર્યો.
આ બાજુ મૃગધ્વજ રાજા સુખેથી પ્રજાનું પાલન કરતા હતા. એક દિવસ રાજાને વિચાર આવ્યો, ‘ચંદ્રાવતીને પુત્ર ન થયો અને મને વૈરાગ્ય પણ ન થયો.' તે જ સમયે એક કુમારે આવીને રાજાને નમસ્કાર કર્યો. રાજાએ પૂછ્યું, ‘તું કોણ છે ?’ ત્યારે આકાશવાણી થઇ કે, ‘આ ચંદ્રાવતીથી થયેલો તારો પુત્ર છે. જો તને સંદેહ હોય તો ચંપકવનમાં યશોમતિ યોગિનીને પૂછ.'
આથી, રાજા અશ્વ પર બેસી યોગિની પાસે ગયો. ત્યાં તેણે સંદેહ પૂછ્યો. એટલે યોગિનીએ કહ્યું, ‘રાજન્ ! સાંભળો.'
ચંદ્રા નામની નગરીમાં સોમરાજાને ભાનુમતી રાણીએ એક પુત્ર-પુત્રીના યુગલને જન્મ આપ્યો. તેમનું નામ ચંદ્રાવતી અને ચંદ્રશેખર રાખ્યું. તે બંનેને જાતિસ્મૃતિ થઇ તેમાં પોતાનો યુગલિક તરીકેનો પૂર્વભવ જોઇ બંનેને પરસ્પર કામરાગ ઉત્પન્ન થયો. સોમ રાજા કાળધર્મ પામતાં ચંદ્રશેખરકુમાર રાજા થયો. રાજા થવા છતાં તે પોતાના કર્તવ્યથી વિમુખ થઇ ગયો.
માણસ જ્યારે કર્તવ્યવિમુખ બની જઇ પોતાની માણસાઇ પર પૂળો ચાંપે છે, ત્યારે એ હેવાન બની જઇ, અછાજતાં કાર્યો કરવા પ્રેરાય છે...!
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૪૬