________________
રાજા ચંદ્રશેખર પણ આજે કર્તવ્યવિમુખ થઈ એક યક્ષની સાધનામાં બેઠો હતો...! એના અંતરમાં વાસનાની જવાળા ભભૂકી ઊઠી હતી અને એની આ ઉપાસના પણ વાસનાની પૂર્તિ માટે જ હતી...!
એને બીજું કાંઈ જોઈતું ન હતું. એને તો જોઇતી હતી એ ચંદ્રાવતી...! રાતદિવસ આંખ સામે ચંદ્રાવતીનાં જ સ્વપ્ન આવતાં હતાં !
ચંદ્રાવતીને રાજા મૃગધ્વજ સાથે પરણાવી હતી ને ચંદ્રશેખરને રાજકન્યા યશોમતી સાથે પરણાવ્યો હતો.
ચંદ્રાવતી ચંદ્રશેખરની સગી બહેન હતી. છતાં અગાધ પ્રેમના બંધનમાં બંધાયેલ એ ચંદ્રશેખર પોતાની યશોમતીને વીસરી જઇ બહેન ચંદ્રાવતીને હૃદયથી ચાહતો હતો ! અને ચંદ્રાવતી પણ ચંદ્રશેખરને જ ચાહતી હતી !
પણ જ્યાં સુધી રાજા મૃગધ્વજ જીવંત હોય ત્યાં સુધી આ શક્ય જ ન હતું !
રાજા મૃગધ્વજ સાથે સંગ્રામ ખેલી એનું રાજય ઝૂંટવી લેવું એ પણ રાજા ચંદ્રશેખર માટે કંઈ સહેલું ન હતું
અંતે એણે કો'ક દેવની સાધના કરી, પોતાની વાસનાની પૂર્તિ કરવાનો નિર્ણય લીધો હતો !
એકાંતમાં બેસી એણે એક ચિત્તે જપ આદર્યો હતો. જપ સાથે તપ પણ એણે આદર્યો હતો. જપ વગર તપની સિદ્ધિ થવી મુશ્કેલ હતી...!
લાગલગાટ જાપને અંતે રાજા ચંદ્રશેખરને સિદ્ધિના એંધાણ નજરે પડ્યાં...! સાધનાની છેલ્લી રાતે સાધનાનો અધિષ્ઠાયક પ્રસન્ન થઇ એની સામે પ્રગટ થયો...!
ત્યારે, ચંદ્રશેખરે કહ્યું, “જો તું પ્રસન્ન થયો હોય તો, મને બીજું કાંઈ જોઈતું નથી. એક જ તું મને મારી ચંદ્રાવતી આપ...!”
રાજનું ! ચંદ્રાવતી તો એમ હું શી રીતે આપી શકું? પણ તું કહેતો હોય તો તને એક એવું સિદ્ધઅંજન આપું કે એ અંજન આંજવાથી તું સહુને જોઈ શકે, તને કોઇ ન જોઈ શકે...! એ અંજનથી તું અદ્રશ્યપણે ચંદ્રાવતી સાથે યથેચ્છ સુખ ભોગવી શકીશ.”
આટલું કહી ચંદ્રશેખરના હાથમાં અંજન આપી એ યક્ષ અંતર્ધાન થઈ ગયો...!
સાથે સાથે એટલું કહી ગયો... કે ચંદ્રાવતીથી ઉત્પન્ન થનાર પુત્રને જ્યાં સુધી મૃગધ્વજ નહિ જુએ ત્યાં સુધી આ બધી તારી વાત ગુપ્ત રહેશે. જે દિવસે એ પુત્રને મૃગધ્વજ રાજા જોશે ત્યારે બધીય વાત ખુલ્લી પડી જશે માટે ધ્યાન રાખજે...!
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૪૭