________________
કરશે. પછી થોડા સમયમાં બે પુંડરિકવાળું આદિનાથ પ્રભુનું બિંબ એકદમ પ્રગટ થશે. તે જગત્પતિનાં બિંબને પંચામૃતથી અભિષેક કરી, પૂજા કરી, રથમાં સ્થાપિત કરીને ઉત્સવપૂર્વક તક્ષશિલા નગરીમાં લઈ જશે. પછી રાજાની સહાય મેળવી, ત્યાં રહેલાં પોતાના ગોત્રીઓને સાથે લઇને નિરંતર એકાસણા કરતો જાવડ શત્રુંજય - તીર્થની સન્મુખ તે પ્રતિમાને લઇને ચાલશે. માર્ગમાં સ્થાને સ્થાને ભૂમિકંપ, મહાઘાત, નિર્ધાત અને અગ્નિદાહ વગેરે મિથ્યાત્વી દેવોએ કરેલા વિપ્નસમૂહને ભાગ્યોદયથી ટાળતો અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં પોતાની નગરી મધુમતીમાં આવી પહોંચશે.
હવે જાવડના પૂર્વે કરિયાણાં ભરીને જે વહાણો તેણે મહાચીણ, ચીણ તથા ભોટ દેશ તરફ મોકલેલ હતા. તે પાછા ફરતાં વાયુથી ભમતાં ભમતાં સ્વર્ણદ્વીપે જશે. અગ્નિના દાહથી ભૂમિમાં સુવર્ણ છે. ખલાસીઓ તે અઢારે વહાણોને સુવર્ણથી ભરશે અને તે વહાણો હેમખેમ મહુવા આવી પહોંચશે. તે વખતે એક પુરુષ તેની પાસે આવીને ખબર આપશે કે નગરીના બહારના ભાગમાં શ્રી વજસ્વામી નામે મહર્ષિ પધાર્યા છે અને એક બીજો પુરુષ પણ આનંદભર્યો આવીને ખબર આપશે કે પ્રથમ મોકલેલાં વહાણો બાર વર્ષે સુવર્ણ ભરીને અહીં આવ્યાં છે. તે બંને ખબર સાંભળી પ્રથમ શું કરવું ? તેના વિચારમાં તેનું ચિત્ત હીંચકા ખાતાં તે નિશ્ચય કરશે કે, પાપથી ઉપાર્જન થનારી લક્ષ્મી ક્યાં ? અને પુણ્યથી જ પ્રાપ્ત થનારા મહાપવિત્ર મુનિ ક્યાં ? માટે પ્રથમ વજસ્વામીજી પાસે જાઉં. • કપર્દીયક્ષનું ચારિત્ર :
આવો વિચાર કરીને તે ધન્યાત્મા જાવડ ઉત્સવપૂર્વક વજસ્વામી પાસે જઈને તેમને વંદન કરશે. પછી તેમની સન્મુખ બેસશે. તેવામાં દિશાઓને પ્રકાશિત કરતો, ત્યાં કોઈ દેવ આકાશમાર્ગે આવીને, વજસ્વામીને નમીને આ પ્રમાણે કહેશે...
હે સ્વામી ! પૂર્વે તીર્થમાન નગરના સ્વામી સુકર્માનો મદ્યપાન કરનારો કપર્દી નામે હું પુત્ર હતો. તે વખતે કૃપાસાગર આપે મને પચ્ચખાણ આપી, શત્રુંજય મહાતીર્થની સ્મૃતિ કરાવી, પંચપરમેષ્ઠીનો બોધ કરી, મદ્યપાનથી થયેલા પાપના ભારથી નરકમાં પડતાં બચાવ્યો. આપની કૃપાથી હું એક લાખ યક્ષોનો સ્વામી કપર્દી યક્ષ થયો છું. માટે તે સ્વામી ! કહો શી આજ્ઞા છે ?
આમ વિનયથી કહીને તે કપર્દી યક્ષ વજસ્વામીની પાસે બેસશે. પછી શ્રુતજ્ઞાનને ધારણ કરનારા વજસ્વામી સિદ્ધગિરિનો પ્રભાવ કહી જાવડને કહેશે, હે...! મહાભાગ...! તું શત્રુંજય મહાતીર્થની યાત્રા કર અને એ તીર્થનો ઉદ્ધાર કર. હું, આ યક્ષ અને તારું ભાગ્ય આ કાર્યમાં તને સહાય કરશે.” તે સાંભળી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૨૫