________________
અહીં ઉદ્યાનમાં આ આઠે બાળાઓ ભેગી થઈ ત્યારે શ્રીમતી નામની સૌથી નાની બહેને બધાને કહ્યું : “બહેનો...! આપણે સહુ હવે બાલ્યાવસ્થા વટાવીને યૌવન પામ્યા છીએ. હવે આપણા માટે યોગ્ય રાજકુમારની તપાસ થશે. તેથી મને વિચાર આવે છે કે આપણે અલગ અલગ સ્થાને જવું પડશે, તો આવી જ્ઞાનગોષ્ઠીનો આનંદ છીનવાઈ જશે અને એકબીજાના સ્નેહ વગરનો આપણો જીવનદીપ પણ પ્રવજવલિત કેમ રહી શકશે ?
આ સાંભળી લક્ષ્મીએ કહ્યું, “બહેન...! તારી વાત સાચી છે. તો આજે આપણે બધા નિર્ણય કરીએ કે આપણે આઠે એક જ કુમારને પરણશું.
કમલા બોલી : તારી વાતમાં અમે બધા સંમત છીએ. પણ.. પાપકર્મના ઉદયે જો મૂર્ણપતિ થાય તો જન્મપર્યત આપણે દુ:ખી રહીએ. એટલે પતિની પરીક્ષા માટે કાંઇક વિચારવું જોઇએ.
વિમલાએ કહ્યું : આપણે બધા એક એક સમસ્યા (કોયડા) વિચારી લઇએ. આપણી બધી સમસ્યાઓ જે પૂરી કરે તેને જ આપણે પરણવું.
આ વાત પણ બધાને ગમી ગઈ અને આઠે કુમારીઓએ પ્રતિજ્ઞા કરી કે, “આપણી આઠની સમસ્યા પૂરે તેવા એક પતિને જ પરણવું.' આ વાત રાજાએ જાણી એટલે દેશોદેશના રાજાઓને આમંત્રણ મોકલ્યા.
આ બાજુ, પૃથ્વીભૂષણ નામના નગરમાં ભીમસેન નામે રાજા હતો. તેને સો રાણીઓ હતી. તેમાં પટ્ટરાણીનું નામ પદ્માવતી હતું. પદ્માવતીને ગુણોથી ઉત્તમ વિરસેન નામે કુમાર હતો. પદ્મપુરના વૈરસિંહરાજાનું આમંત્રણ ભીમસેન રાજાને ત્યાં પણ પહોંચ્યું. આથી વીરસેનકુમાર પણ કુંવરીઓને જોવાની ઉત્સુકતાથી પદ્મપુર જવા તૈયાર થયો. ત્યાં ઘણા રાજાઓ - રાજકુમારો આવ્યા હતા. પરીક્ષાના દિવસે વીરસેનકુમાર પણ પહોંચી ગયો.
વૈરિસિંહ રાજાએ સુંદર મંડપ તૈયાર કરાવ્યો હતો. તેમાં વચ્ચે સ્ટેજ ઉપર જાણે કે સરસ્વતી દેવી સાક્ષાત્ આઠ રૂપ કરીને આવી હોય તેવી આઠે કુંવરીઓ બેઠી. ઘણાએ પ્રયત્નો કર્યા પણ બધી જ સમસ્યા કોઇ પૂરી ન શક્યું. છેલ્લે ભીમેસન રાજાના પુત્ર વીરસેનકુમાર આગળ આવ્યા. તેમની પ્રતિભાથી જ આઠે કુમારીઓ ખૂબ જ આકર્ષિત થઈ. એક પછી એક કુંવરી સમસ્યા બોલતી ગઈ અને બૃહસ્પતિના પ્રતિબિંબ સમા કુમારે એ સર્વ સમસ્યાઓ જાણે કે ક્ષણવારમાં પૂર્ણ કરી. આઠે કુંવરીઓએ કુમારને વરમાળા પહેરાવી. વૈરિસિંહ રાજાએ અઢળક કન્યાદાન આપ્યું. સર્વ સામગ્રીયુક્ત કુમાર નવવધુઓને લઈને પોતાના નગરે આવ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૪૨