________________
ભીમસેન રાજાએ પણ વીરસેનકુમારને યોગ્ય જાણી, રાયધુરા તેને ભળાવી, પોતે સંયમ અંગીકાર કર્યું. દુષ્કર તપાચરણ કરતા, ઉગ્રવિહાર કરતા ભીમરાજર્ષિ એકવાર પૃથ્વીભૂષણ નગરમાં પધાર્યા.
પિતામુનિનું આગમન સાંભળી વીરસેનરાજાએ ઠાઠથી સામૈયું કર્યું અને પછી દેશના સાંભળી. દેશનામાં શ્રી શત્રુંજય ગિરિરાજનો મહિમા વર્ણવ્યો. તીર્થનું માહાભ્ય સાંભળીને વીરસેનરાજાને તીર્થસ્પર્શના કરવાનો અત્યંત ઉલ્લાસ થયો. આથી તેમણે ત્યાં જ અભિગ્રહો કર્યા કે, “જ્યાં સુધી હું તીર્થરાજને ભેટું નહિ ત્યાં સુધી મારે (૧) એક જ વખત જમવું, (૨) પૃથ્વીતલ ઉપર સૂવું, (૩) બ્રહ્મવ્રત પાળવું અને (૪) પાન-સોપારીનો ત્યાગ કરવો.
ત્યારબાદ સંઘ ભેગો કરી, પગલે પગલે ઉત્સવ કરતો રાજા તીર્થને ભેટવા ચાલ્યા. જયારે દૂરથી જ તીર્થનાં દર્શન થયા ત્યારે રાજાએ ભાવપૂર્વક નમસ્કાર કર્યો. પ્રભુનો સ્નાત્રમહોત્સવ કરીને સંઘને મિષ્ટાન્ન જમાડ્યું. પછી ગિરિરાજ પાસે આવી, યાત્રા શરૂ કરી. એક એક પગલે વધાવતાં, ગીતો ગાતાં ઠેઠ ઉપરના શિખરે આવ્યા. પ્રથમ જિનેશ્વરના દર્શન કરતાં રાજવી નાચી ઉઠ્યા. પછી પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી. સ્નાત્રપૂજા, ધ્વજારોહણ, યાચકોને ઇચ્છિત દાન આપી સંઘની સવિશેષ પૂજા કરી. રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈને પાદુકાની પૂજા કરી.
રાજાની ભક્તિમાં ભાવવિભોર બનેલા તથા ત્યાં તપશ્ચર્યા કરી રહેલા... પાંચ કરોડ મુનિઓ તે વખતે ક્ષપકશ્રેણીમાંડી કેવળજ્ઞાન પામી, મુક્તિમાં ગયા. આમ, અલ્પપ્રયત્ન મુક્તિસાધનામાં આ તીર્થક્ષેત્રનું જ માહાભ્ય છે. એમ જાણીને રાજા ખૂબ જ પ્રભાવિત થયો અને એણે શત્રુંજય ગિરિરાજને “મુક્તિનિલય” એવું નામ આપ્યું. આ પ્રમાણે વિસ્તારથી યાત્રા કરી રાજા નગરમાં પાછો આવ્યો.
ન્યાય વડે પ્રજાનું પાલન કરતાં, ચાર પ્રકારના ધર્મને પાળતાં રાજાએ ઘણા વર્ષો પસાર કર્યા. હવે આયુષ્યનો પ્રાન્તભાગ જાણીને વીરસેન રાજાએ પોતાના પુત્ર મીનકેતુને રાજ્ય સોંપી પોતે શ્રુતસાગર નામના મુનિ પાસે સંયમ લીધું. ગુરુભગવંત સાથે વિચરતાં અનુક્રમે મુક્તિનિલય ગિરિએ આવ્યા. ત્યાં ગિરિરાજ અને યુગાદિદેવનું ધ્યાન ધરતાં વીરસેન રાજષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અંતે સર્વ કર્મક્ષય કરી ત્યાં જ નિર્વાણ પામ્યા. આ રીતે શત્રુંજયગિરિ મુક્તિનિલય નામે વર્ણવાયો.
॥ इति मुक्तिनिलयः नाम्नि वीरसेननपकथा ॥ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૪૩