________________
અંત સમયે ધર્મ શ્રવણ અને ધર્મ સ્મરણ કરતાં ઉદયન મંત્રી સ્વર્ગે ગયા. તેમના દેહની વિધિપૂર્વક અંત્યેષ્ટ ક્રિયા કરી. | નાટકકાર સાધુને ઉદયન મંત્રીની ધર્મભાવના સ્પર્શી ગઇ. તેના મનમાં થયું, “આ વેશને મંત્રી જેવા પણ નમે છે, તો તે જ માર્ગ મારા માટે પણ ઉત્તમ છે.' અને તેણે તે વેશ દૂર ન કર્યો. શુદ્ધ સાધુપણું પાળી તે ગિરનારથી દેવલોક પામ્યો.
ત્યાર બાદ પિતાની ભાવના પૂરી કરવા કુમારપાળ રાજાની અનુજ્ઞા લઇ બાહડમંત્રીએ અંબડને સેનાપતિ બનાવ્યો. ગિરનાર તીર્થ પર લાખોના ખર્ચે પગથિયાં બનાવરાવ્યાં અને શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવવા માટે સંઘ લઇને ચાલ્યા. હૃદયમાં પિતૃભક્તિ હતી. તીર્થભક્તિ હતી. અનુક્રમે મંદિરોની યાત્રા કરતા પાલીતાણા આવ્યા. તલેટીએ મુકામ કર્યો.
ત્યારબાદ બાહડમંત્રીએ શત્રુંજયની યાત્રા કરી અને કારીગરોને બોલાવી આરસનાં મંદિરો કરવાનો આદેશ આપ્યો. બે વર્ષે તે કાર્ય પૂર્ણ થયું. જિનાલયોની પૂર્ણતાના સમાચાર લાવનારને મંત્રીએ ૩૨ સુવર્ણની જીભ ભેટ આપી. બે વર્ષ બાદ દિવાલમાં તિરાડના સમાચાર સલાટે આપ્યા, તેને મંત્રીએ ૬૪ સોનાની જીભ ભેટ આપી. કહ્યું : “સારું થયું તે આ સમાચાર આપ્યા. મારી હયાતીમાં આ કાર્ય ફરી થશે.” ત્યાર બાદ શિલ્પીને આનું કારણ પૂછયું. તેણે કહ્યું : “મંત્રીશ્વરજી ! મંદિરની આજુબાજુ ભમતી છે. તેથી પવન પેસી જાય છે અને તિરાડ પડે છે. જો ભમતી ન રાખીએ તો શિલ્પ શાસ્ત્રના નિયમ મુજબ મંદિર કરાવનારને સંતાન ન થાય.'
મંત્રીએ કહ્યું : “ભમતી વિનાનાં મંદિર કરાવો. મારે ધર્મ ચિંતા એ જ સંતાન છે.” પણ સંઘે ના પાડી અને બધાએ ભેગા થઈ ટીપ કરીને દેરાસરો બંધાવ્યા. એ મંદિરોનો ફરી વાર જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમાં બાહડ મંત્રીએ ૧ કરોડ ૬૦ લાખ રૂા. ખર્ચ કર્યો.
આમ, બાહડ મંત્રીએ પિતાની ભાવના પૂર્ણ કરી અને આચાર્ય ભગવંત હેમચંદ્રાચાર્યને બોલાવી (પ્રભાવક ચરિત્રના આધારે વિ.સં. ૧૨૧૩માં અને પ્રબંધ ચિંતામણિના આધારે વિ.સં. ૧૨૧૧માં) તે જીર્ણોદ્ધાર કરેલ મંદિરોની પ્રતિષ્ઠા કરાવી.
(ઇતિ ચતુર્દશઃ ઉદ્ધાર:)
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૩૩