________________
તે સાંભળી કુષ્ણ મનમાં ખેદ પામીને પોતાની નગરીમાં ગયા અને સૂર્યની જેમ અજ્ઞાનરૂપી અંધકારને ટાળનારા શ્રી નેમિનાથ પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. • દ્વૈપાયન અસુર દ્વારા દ્વારકાદહન :
આ બાજુ દ્વારિકામાં કૃષ્ણની આજ્ઞાથી સર્વ પ્રજાજનો વિશેષપણે ધર્મમાં ઉદ્યત થયા અને પેલો દ્વૈપાયન દેવ પણ પોતાનો લાગ જોવા લાગ્યો. એ પ્રમાણે બાર વર્ષ વ્યતીત થઈ ગયા, એટલે સર્વ લોકો તપ કરવામાં કંટાળી ગયા. મદ્ય-માંસ ખાવા લાગ્યા અને સ્વેચ્છાચારી થઈ ગયા. એ સમયે પેલો તૈપાયન અસુર દ્વારિકાનગરીમાં અનેક પ્રકારના ઉત્પાતો કરવા લાગ્યો. તેણે વંટોળિયો વિકર્વીને તૃણ અને કાષ્ટોને તેમજ મનુષ્યોને ઉછાળી ઉછાળીને નગરીમાં નાંખ્યા. પછી સાઠ કુળ કોટી બહાર રહેનારા અને બોંતેર કુળ કોટી નગરીમાં રહેનારા એ સર્વે યાદવોને નગરીમાં ભેગા કરીને તે અસુરે દ્વારિકાપુરીમાં અગ્નિ સળગાવ્યો. તે સમયે નગરીની બહાર જવાને અશક્ત થવાથી લોકોએ ધન અને ઘરની સાથે પ્રાણને પણ છોડી દીધા. અર્થાત્ મૃત્યુ પામ્યા. વસુદેવ, દેવકી અને રોહિણી સમાધિ વડે અનશન કરી અગ્નિના ઉપઘાતથી મરણ પામીને દેવપણુ પામ્યા. દેવતાના કહેવાથી બલરામ તથા કૃષ્ણ નગરીની બહાર નીકળી દ્વારિકાની બહાર રહેલા જીર્ણ ઉદ્યાનમાં આવી ઊભા રહીને પોતાની નગરીને બળતી જોવા લાગ્યા. ત્યાંથી તેઓ પાંડવોની પાંડુમથુરા તરફ ચાલી નીકળ્યા. નગરીમાં રહેલા લોકો સહિત દ્વારિકાનગરી છ માસ સુધી અગ્નિથી બળી પછી સમુદ્રનું પાણી તેના પર ફરી વળ્યું. • શ્રીકૃષ્ણનું મૃત્યુ :
પાંડુમથુરા તરફ જતાં માર્ગમાં હસ્તિકલ્પ નામના નગરમાં બલભદ્ર ભોજન લેવા માટે ગયા, ત્યાંનો રાજા અચ્છેદત - ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો અને દુર્યોધનનો ભાઈ હતો. તેણે બલભદ્રને ઘેરી લીધો. તે વખતે બલભદ્ર સિંહનાદ કર્યો, તે સિંહનાદથી બલભદ્રને કષ્ટમાં જાણીને કૃષ્ણ ત્યાં આવ્યા અને સૈન્યસહિત અચ્છંદત રાજાને જીતી લઇને બલભદ્રને છોડાવ્યા. પછી તે નગરીની બહાર જઈને તેઓએ ભોજન કર્યું. ત્યાંથી આગળ ચાલતાં કૃષ્ણ તૃષાતુર થયા, તેથી જળ લેવા માટે બલભદ્રને મોકલ્યા અને પોતે એક વૃક્ષની નીચે વસ્ત્ર ઓઢીને સૂઈ ગયા. તે સમયે કૃષ્ણનો બંધુ જરાકુમાર કે જે દ્વારિકા ત્યજીને બાર વર્ષથી જંગલમાં રહી, શિકાર કરીને નિર્વાહ કરતો હતો, તેણે વસ્ત્ર ઓઢીને સૂઈ રહેલા કૃષ્ણને દૂરથી મૃગ માની બાણ માર્યું. બાણ પગમાં લાગતાં જ ઊઠીને કૃષ્ણ બોલ્યા કે, “મને છળથી કોણે બાણ માર્યું? માટે જેણે બાણ માર્યું હોય તે પોતાનું નામ અને ગોત્ર સત્વર જણાવો.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૧