________________
નદીઓમાં અને ઝરાઓમાં ન સમાવા લાગ્યું. જેમ જેમ મેઘમાં ઉત્પન્ન થતું તેજ, વીજળી અને જળ પ્રસરવા લાગ્યા, તેમ તેમ પ્રભુનો ધ્યાનરૂપી દીપક વૃદ્ધિ પામવા લાગ્યો. ચારે બાજુ જળનું પૂર પ્રસરી રહ્યું અને વધતું જતું તે જળનું પુર પ્રભુની નાસિકા સુધી આવ્યું. છતાં પણ પ્રભુ ધ્યાનથી જરા પણ ચલિત થયા નહીં.
એ સમયે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. તેથી તેણે અવિધજ્ઞાન વડે જોયું અને પ્રભુનો ઉપસર્ગ જાણી મનમાં ઘણો ખેદ પામ્યો. તત્કાળ પરિવાર સહિત ત્યાં આવીને સર્પનું શરીર ધારણ કરી તે ધરણેન્દ્ર પ્રભુની ઉપર પોતાની ફણાનું છત્ર કર્યું અને બીજી ફણા વડે પ્રભુને પૃથ્વીથી ઉંચા રાખી પોતાની ઉપર ધારણ કર્યા. તે સમયે તેની ઇન્દ્રાણીઓ પ્રભુની પાસે સંગીત કરવા લાગી. દ્વેષરહિત અને સમવૃત્તિવાળા પ્રભુએ તે સમયે ધરણેન્દ્ર તથા કમઠ ઉપર સમભાવ રાખ્યો. ધરણેન્દ્ર આવ્યા છતાં પણ મેધમાલી વૃષ્ટિના ઉપદ્રવથી વિરામ પામ્યો નહીં. ત્યારે ધરણેન્દ્રે ક્રોધથી પોતાના સેવકોને મેઘમાલીનો નાશ કરવાની આજ્ઞા કરી. તેથી મેઘમાલી નાસીને તત્કાળ પ્રભુના શરણે આવ્યો અને મેઘનો સમૂહ સંહરી લઇને ભક્તિથી બોલ્યો, ‘હે સ્વામી ! મે અજ્ઞાનથી આપને જે કષ્ટ આપ્યું તે માટે ક્ષમા કરો ! હે સ્વામી ! આજથી હું આપનો દાસ છું.
આ પ્રમાણે તે કમઠ, ધરણેન્દ્રની જેમ પાર્શ્વનાથ પ્રભુનો સેવક થઇને રહ્યો અને ત્યારથી ધરણેન્દ્રની અનુમતિથી તે સંઘના સર્વ વિઘ્નોનો નાશ કરવા લાગ્યો. પછી પ્રભુને નમસ્કાર કરીને તેઓ પોતપોતાનાં સ્થાનકે ગયા અને સ્વયં તીર્થના આશ્રયરૂપ પ્રભુએ ત્યાંથી બીજે વિહાર કર્યો.
અનુક્રમે પ્રભુ કાશીનગરીના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ધાતકી વૃક્ષની નીચે ચૈત્રમાસની શુક્લચતુર્થીએ દીક્ષાથી ચોરાશીમાં દિવસે પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સુર-અસુરોએ આવીને રચેલા સમવસરણમાં જગત્પ્રભુએ દેશના આપી. તે સાંભળી અશ્વસેન વગેરે રાજાઓએ અને વામાદેવી, પ્રભાવતી વગેરે સ્ત્રીઓએ પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. હસ્તિસેન પ્રમુખ કેટલાંક રાજાઓએ અને તેમની સ્ત્રીઓએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. આર્ય(શુભ)દત્ત વગેરે દશ ગણધરો થયા. પછી સ્થાને સ્થાને પોતાનાં ચરણોથી તીર્થ નિષ્પન્ન કરતાં, અતિશયોથી શોભતા પ્રભુ ત્યાંથી પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. અનુક્રમે પ્રભુ તીર્થરાજ શ્રી શત્રુંજયગિરિવર પર આવ્યાં. ત્યાં ભવ્ય પ્રાણીઓને તે તીર્થનો મહિમા જણાવ્યો કે ભવ્યજીવો... ! આ ગિરિરાજ અનાદિ સંસારરૂપ સમુદ્રમાંથી તારનારો છે. તે શુદ્ધભાવથી જ પ્રાપ્ત થાય છે. અભવ્ય જીવો તેનું દર્શન કે તેનો સ્પર્શ પણ કરી શકતા નથી. આ આખો ગિરિરાજ તીર્થમય છે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૧૯