________________
નામના અધમ વિદ્યાધરને પણ સમ્યગ્દર્શનનું દાન કર્યું. દેવગિરિમાં દુર્ગાદિત્યને જૈનતત્ત્વનો જ્ઞાતા ર્યો અને બ્રહ્મગિરિમાં બ્રહ્મનાથ તાપસને પ્રતિબોધ કર્યો. બીજા પણ ઘણા લોકો, ભિલ્લો, મ્લેચ્છો, પાપીઓ, વનેચરો અને પક્ષીઓને પ્રભુએ પ્રતિબોધ પમાડ્યો. તેથી જેઓ તીર્થનો નાશ કરનારા હતા, તેઓ પણ ઉલટા તીર્થના પ્રભાવક થયા અને નેમિનાથ પ્રભુની કૃપાથી તે સર્વ સદ્ગતિ પામ્યા. • શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ :
આ પ્રમાણે આર્ય, અનાર્ય દેશોમાં વિહાર કરતા શ્રી નેમિનાથ પ્રભુનો ચોવીસ હજારને સાતસો સાધુઓ, ચાલીસ હજાર સાધ્વીઓ, એક લાખ, ઓગણસિત્તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખને ઓગણચાલીશ હજાર શ્રાવિકાઓ, આટલો પરિવાર હતો. પોતાનો નિર્વાણ સમય નજીક જાણી શ્રી નેમિનાથ પ્રભુ રૈવતાચલ તીર્થ ઉપર આવ્યા. ત્યાં પ્રભુએ અંતિમ દેશના આપી, જેથી કેટલાયે ભવ્યજીવોએ પ્રતિબોધ પામી દીક્ષા સ્વીકારી. ત્યારબાદ પ્રભુએ પાદપોપગમ અનશન અંગીકાર કર્યું અને અષાઢ માસની શુક્લ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં શૈલેશી ધ્યાન વડે પ્રભુ પાંચસોને છત્રીસ સાધુઓની સાથે મોક્ષે ગયા. એ સમયે આસન ચલિત થવાથી સર્વે ઇન્દ્રો શોક કરતા ત્યાં આવ્યા. પછી ઇન્દ્રોએ મળીને નિર્વાણ મહોત્સવ કર્યો. કલ્પવૃક્ષનાં કાષ્ઠોથી શ્રી અરિષ્ટનેમિ પ્રભુનાં અને બીજા મુનિઓનાં દેહનો અગ્નિસંસ્કાર કર્યો અને ત્યાંથી ઈન્દ્રો નંદીશ્વર દ્વિીપમાં જઇ અઠ્ઠાઈ ઉત્સવ કરીને પોતપોતાના સ્થાનકે ગયા. • પાંડવોનું શત્રુંજય તીર્થ પર સિદ્ધિગમન :
દીક્ષા લઇને વિહાર કરતાં પાંડવોએ હસ્તિકલ્પ નગરમાં લોકોની પાસેથી શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળ્યું, તેથી શોક કરતાં તેઓ પુંડરીકગિરિ મહાતીર્થ ઉપર આવ્યા. ત્યાં તેમણે અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે વીશક્રોડ મુનિઓ અને કુંતી માતાની સાથે ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પાંડવો મોક્ષે ગયા. પાંડવો મોક્ષે ગયા પછી બીજા બે હજારને પાંચસો મુનિઓ પણ અનંત ચતુષ્ટને પામી મોક્ષે ગયા. ઘણાં પુણ્યવાળા દ્રૌપદી સતી પાંચમાં દેવલોકમાં ગયા અને બીજા કેટલાક મુનિઓ મોક્ષે અને સ્વર્ગે ગયા. • નારદની મુક્તિ :
આ બાજુ શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી દ્વારિકા દાહના અને યાદવોના ક્ષયના ખબર સાંભળી હૃદયમાં દુઃખ પામતા નારદ શત્રુંજયગિરિ ઉપર આવ્યા. ત્યાં પોતાના અવિરતિપણાની નિંદા કરતા અને યુગાદીશ પ્રભુને નમસ્કાર કરતા નારદ તે જ શિખર ઉપર, ત્યાં જ પાંચમી ગતિ (મોક્ષ) પામ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૫