________________
શિશુપાલ કૃષ્ણની સામે થયો. તેથી કૃષ્ણ શિશુપાલના મુગટ, કવચ, ધનુષ્ય, સારથી, રથ, ઘોડા અને તેનું મસ્તક અનુક્રમે છેદી નાંખ્યા.
પછી જરાસંઘના અઠ્યાવીશ પુત્રો બલભદ્રની સાથે યુદ્ધ કરવા આવ્યા. પણ બલભદ્રના અસ્ત્રોથી સ્વલ્પ સમયમાં મૃત્યુ પામી ગયા. જરાસંઘે ક્રોધથી બલભદ્રના પુત્રોને હણીને બલભદ્રના મસ્તક પર ગદા નાખી, જેથી બલરામ મૂચ્છ પામી ગયા. તેમને મારી નાખવા ઇચ્છતા જરાસંઘને જોઇ અર્જુન વચ્ચમાં આવીને તેની સામે યુદ્ધ કરવા લાગ્યો. કૃષ્ણ બલરામની તેવી અવસ્થા જાણીને કોપથી જરાસંઘના ઓગણોતેર પુત્રોને મારી નાખ્યા. તે સમયે સૂર્ય અસ્તાચલ પર જતાં પોતપોતાના સ્વામીની આજ્ઞાથી અનુક્રમે બંને સેનાઓ રણક્ષેત્રમાંથી પાછી ફરી.
જરાસંઘે શત્રુઓને યુદ્ધમાં દુર્જયમાની પોતે સિદ્ધ કરેલી જરા નામની અસુરસુંદરીને રાત્રિએ યાદવોના સૈન્યમાં મોકલી. શ્રી નેમિનાથ, કૃષ્ણ અને બલભદ્ર વિના અત્યંત જરાવસ્થાને પ્રગટ કરતી એ જરા અસુરી સર્વ સેના ઉપર વ્યાપી ગઈ. તે જરાથી આખી સેના ચેતનરહિત થઈને માત્ર કિંચિત્ ઉચ્છવાસ લેવા લાગી.
પ્રાતઃકાળે જાગ્રત થતાં જ કૃષ્ણ પોતાની સેનાની તેવી સ્થિતિ જોઇને મનમાં ગ્લાનિ પામી. નેમિકુમારને કહ્યું, “હે બંધુ ! આ સૈન્ય શૂન્ય થયું છે. બલભદ્ર ગદાઘાતથી વિધુર થયા અને બીજાઓ પણ છતા અછતા થઇ ગયા છે. નેત્ર જેવા આપણે બે છીએ, તેથી હવે તમારી સહાયથી જ શત્રુઓનો વિનાશ થાય તેમ છે. માટે હવે, તમે રણમાં ચાલો.' • શ્રીકૃષ્ણને પ્રાપ્ત થયેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રભાવિક પ્રતિમા :
કૃષ્ણનાં વચન સાંભળી અવધિજ્ઞાનથી જોઈને શ્રી નેમિનાથ ભગવંત બોલ્યા, “હે શ્રીકાંત ! સાંભળો, તમારા પરાક્રમ અને તેજ વડે સંભ્રમ પામેલા આ તમારા શત્રુએ તમારા સૈન્ય ઉપર જરાને મોકલી છે, તેથી આ સર્વ સેના વિધુર થઈ ગયેલી છે. તમે એકલા પણ આ રણસંકટમાં શત્રુઓને હણશો એ સત્ય છે, પણ આ તમારું સૈન્ય આ જરા વડે પ્રાણ છોડી દેશે, માટે તેનો ઉપાય કહું તે સાંભળો. ‘પાતાળમાં ધરણેન્દ્રના દેવાલયમાં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથની અતિ મહિમાવાળી પ્રતિમા છે, માટે પદ્માવતી દેવીની ત્રણ દિવસ ત્રણ ઉપવાસથી આરાધના કરીને તેની પાસે તે પ્રતિમાની યાચના કરો. એ રીતે આરાધેલી તે દેવી તમને તે પ્રતિમા આપશે. તે પ્રતિમાના સ્નાત્રજળનું સિંચન કરવાથી તમારું સર્વ સૈન્ય ક્ષણવારમાં સ્વસ્થ થશે.”
કૃષ્ણ બોલ્યા, ‘હું જેટલીવાર દેવીના ધ્યાનમાં તત્પર રહું, તેટલીવાર આ સેનાનું રક્ષણ કોણ કરશે ?'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૬