________________
ઇન્દ્રનાં વચન સાંભળી સંશય રહિત થયેલા કૃષ્ણ પોતાનો અપરાધ ખમાવી શ્રી નેમિનાથ પ્રભુને આલિંગન કર્યું. પછી ઇન્દ્રને વિદાય કરી નેમિનાથને લઈને કૃષ્ણ પોતાના અંતઃપુરમાં ગયા. ત્યાં દ્વારપાલોને આજ્ઞા કરી કે, “આ મારા બંધુ નેમિનાથને અંતઃપુરમાં પ્રવેશ કરતાં કોઈ દિવસ રોકશો નહીં, તે સત્યભામા વગેરે પોતાની ભોજાઇઓની સાથે ભલે ક્રીડા કરે.” પછી કૃષ્ણ પોતાની સ્ત્રીઓની સાથે ખેલવા લાગ્યા. તેમની સાથે નેમિનાથ પ્રભુ પણ નિર્વિકારપણે રમવા લાગ્યા. • નેમિનાથ પ્રભુને વિવાહની વિનંતી :
એક વખત ગ્રીષ્મઋતુમાં સૂર્ય અત્યંત તપતો હતો. તે સમયે જળક્રીડાની ઇચ્છાએ કૃષ્ણ નેમિનાથને સાથે લઈને અનેક યુવતીઓની સાથે ગિરનાર ઉપર ગયા. ત્યાં એક સરોવરમાં કૃષ્ણની પ્રેરણાથી રૂક્મિણી આદિ પ્રવેશ્યા. વિવિધ ક્રીડાથી ક્રીડારસા અત્યંત વિસ્તાર પામતાં કૃષ્ણ પોતાની સ્ત્રીઓને નેમિનાથ પ્રભુની સાથે ક્રીડા અને ઉપહાસ્ય કરાવવા માટે પ્રેરણા કરવા લાગ્યા. તેથી તે મૃગાક્ષીઓ જળથી અને કટાક્ષથી નેમિનાથને આચ્છોટન કરવા લાગી. નેમિનાથ પ્રભુ પણ નિર્વિકારપણે માત્ર તે સ્ત્રીઓ જે પ્રમાણે કરે તે પ્રમાણે સામું કરતાં તેમની સાથે રમવા લાગ્યા. નેમિનાથ પ્રભુને આ પ્રમાણે ખેલતા જોઇ કૃષ્ણ બહુ જ ખુશ થયા. આ રીતે ચિરકાલ ક્રીડા કરીને કૃષ્ણ સરોવરને કાંઠે આવીને બેઠા. નેમિનાથ પ્રભુ પણ તેમની પાસે આસન પર બેઠા.
તે સમયે રૂક્મિણીએ હાસ્યપૂર્વક કહ્યું, “હે દિયરજી ! ભાર્યા વગર વાંઢાની જેમ એકલા રહીને આ જન્મ વૃથા કેમ ગુમાવો છો ? સોલ હજાર સ્ત્રીઓના ભોક્તા એવા કૃષ્ણના પ્રિય બંધુ છતાં એક સ્ત્રીને પણ પરણતા નથી તો તમને લજ્જા કેમ આવતી નથી ?'
પછી જાંબવતી બોલી, “હે સખી ! મને તો આપણા દિયર નપુંસક હોય એમ જણાય છે અથવા ઘરના ખર્ચથી ઉદ્વેગ પામતા જણાય છે. તેથી સ્ત્રીને સ્વીકારતા નથી. આજ સુધી થયેલા બધા તીર્થકરો ગૃહસ્થાશ્રમી થઈ રાજ્ય ભોગવીને પછી દીક્ષા લઇ નિવૃત્તિ પામ્યા છે. પણ આ તો કોઈ નવીન તીર્થકર થયા જણાય છે.'
પછી સત્યભામાએ પણ આગ્રહથી કહ્યું, ત્યારે નેમિનાથ પ્રભુ વિચાર કરવા લાગ્યા કે, “આ સર્વે પોતે તો સંસારમાં પડ્યા છે અને બીજાને પાડવા ઇચ્છે છે; પણ હમણાં તો આ સર્વનો આગ્રહ મારે માત્ર વાણીથી સ્વીકારવો. પછી કાંઈ બહાનું કરીને હું મારા આત્માની ઇચ્છા પૂર્ણ કરીશ.” આવો વિચાર કરી પ્રભુ બોલ્યા, ‘તમે જે ઇચ્છો છો, તે હું કરીશ. જે પોતાના કાર્યનો અવસર જાણે છે, તે જ ચતુર ગણાય છે.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૨