________________
સાગર તેને પરણ્યો. રાત્રિએ તેની સાથે શયામાં સૂવા ગયો. તે વખતે પૂર્વકર્મના યોગથી તેના સ્પર્શ વડે સાગર અંગારાની જેમ બળતો ક્ષણવાર માંડ માંડ રહ્યો. પછી જયારે તે ઊંઘી ગઈ ત્યારે તેને સૂતી મૂકીને સાગર નાસીને પોતાને ઘેર ચાલ્યો ગયો. જાગૃત થતાં સુકુમાલિકાએ પતિને જોયો નહીં એટલે તે અત્યંત રુદન કરવા લાગી. તેનો ત્યાગ કરવાનો હેતુ શરીરની અગન છે. તે જાણી સાગરદત્તે પોતાની પુત્રીને દાનાદિ કાર્યમાં જોડી દઈને ઘેર રાખી. કાળ પસાર થયે સુકુમાલિકાએ વૈરાગ્યથી ગોપાલિકા આર્યાની પાસે ચારિત્ર અંગીકાર કર્યું અને ચોથ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરવા માંડી.
એક વખતે તે સુકુમાલિકો સાધ્વી ગ્રીષ્મઋતુમાં ઉદ્યાનમાં જઈ સૂર્યની સામે દૃષ્ટિ રાખીને આતાપના સહન કરવાનો આરંભ કરતી હતી. ત્યાં દેવદત્તા નામે એક રૂપગર્વિતા ગણિકા પાંચ પુરુષો વડે સ્વીકાર કરાયેલી તેના જોવામાં આવી. તેને જોતા સંભોગની ઇચ્છા જેની સંપૂર્ણ થઈ નથી એવી સુકુમાલિકાએ એવું નિયાણું કર્યું કે, “આ તપશ્ચર્યાથી આ ગણિકાની જેમ હું પણ પાંચ પતિવાળી થઉં.” પછી આઠ માસની સંલેખના કરી નિયાણાની આલોચના કર્યા વગર તે મૃત્યુ પામીને નવ પલ્યોપમના આયુષ્યવાળી સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને તે સુકુમાલિકા આ દ્રૌપદી થયેલ છે અને પૂર્વના નિયાણાથી તેને આ ભવમાં પાંચ પતિઓ થયેલા છે. તો અહીં આશ્ચર્ય શું છે ?
મુનિએ આ પ્રમાણે કહ્યા પછી આકાશમાં “સાધુ સાધુ” એવી વાણી થઈ. એટલે કૃષ્ણ આદિ પણ “આ પાંચ પતિ થયા તે યુક્ત છે” એમ કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાઓ અને સ્વજનોએ કરેલા મહોત્સવથી પાંડવો દ્રૌપદીને પરણ્યા. તે પછી પાંડુ રાજા તે સર્વ દશાહને, કૃષ્ણને અને બીજા રાજાઓને જાણે વિવાહને માટે જ બોલાવ્યા હોય તેમ ગૌરવથી પોતાના નગરમાં લઈ ગયા. • અર્જુનનું પરદેશગમન :
એક વખત યુધિષ્ઠિર દ્રૌપદીના આવાસમાં બેઠા હતા તેવામાં સ્વેચ્છાએ ફરનારા નારદ ત્યાં આવી ચડ્યા. યુધિષ્ઠિરે તેમની યોગ્ય પૂજા કરી એટલે તેની ભક્તિથી પ્રસન્ન થઇ બીજા પાંડવોને બોલાવી નારદે એવી મર્યાદા બાંધી આપી કે, ‘તમારે વારા પ્રમાણે દ્રૌપદીનું સેવન કરવું. તેમાં એક પુરુષ દ્રૌપદી સાથે ઘરમાં હોય અને જો બીજો આવશે, તો તે બાર વર્ષ સુધી તીર્થવાસી થશે. અર્થાત્ તેણે બાર વર્ષપર્યંત પરદેશ જવું પડશે. આમ નક્કી કર્યા બાદ કેટલાક સમયે એક પ્રસંગ બન્યો. એક
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૩૨