________________
સહન કરીશ નહીં.' આ પ્રમાણે કહી ધનુષ્ય સજ્જ કરી તે બંને યુદ્ધ માટે તૈયાર થયા. એટલે દુર્યોધન, કર્ણ અને તેના પક્ષના બીજા રાજાઓ પણ ઉત્કંઠિત હોય તેમ યુદ્ધ માટે તૈયાર થયા. “આમના યુદ્ધારંભથી ત્રણ જગતને ક્ષોભ ન થાઓ' એમ વિચારી દ્રોણાચાર્યે ઉઠીને તેઓને રણમાંથી અટકાવ્યા.
પછી ધૃતરાષ્ટ્ર કર્ણના કુળ વિષે સૂતને પૂછ્યું. એટલે તેણે ગંગાના પ્રવાહમાં આવેલી પેટીમાંથી કર્ણની પ્રાપ્તિનો સર્વ વૃત્તાંત કહ્યો. વળી કહ્યું કે, સૂર્ય આવીને સ્વપ્નમાં કહી જવાથી હું એ પરાક્રમી પુત્રને હર્ષથી લઈ આવ્યો અને મુદ્રાના અક્ષરથી, “એ કુંતીનો પુત્ર છે' એવું મારા જાણવામાં આવ્યું. આ કુમાર પેટીમાં કર્ણ = કાન નીચે ભુજદંડ રાખીને સૂતો હતો, તેથી મેં તેનું કર્ણ એવું નામ પાડ્યું. સૂતનાં આવા વચન સાંભળી ધૃતરાષ્ટ્ર ખુશી થયા અને પાંડવો ઉપર અંતરમાં મત્સર ધારણ કરતા કર્ણને પુત્ર સહિત સાથે લઈ ધૃતરાષ્ટ્ર પોતાના ઘેર ગયા. પાંડુરાજાએ તેમના પરસ્પર થતા મત્સરનો નાશ કરવાની ઇચ્છાથી ધૃતરાષ્ટ્રના કુમારોને કુશસ્થલનગર આદિ દેશ વહેંચી આપ્યા.
એક વખતે પાંડુ રાજા સભામાં બેઠા હતા. તેવામાં છડીદાર સાથે ખબર કહેવરાવીને દ્રુપદ રાજાનો એક દૂત સભામાં આવ્યો. તેણે નમસ્કાર કરીને જણાવ્યું કે, સ્વામી ! કાંપિલ્યપુરના દ્રુપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી દ્રૌપદી નામે એક પુત્રી છે. તે ધૃષ્ટદ્યુમ્નની નાની બહેન થાય છે. તેના સ્વયંવરમાં સર્વે દશાઈ, રામ, કૃષ્ણ, દમદત, શિશુપાલ, રૂમી, કર્ણ, દુર્યોધન અને બીજા રાજાઓને તથા મહાપરાક્રમી કુમારોને રાજાએ દૂતો મોકલીને તેડાવ્યા છે. તેઓ હાલ ત્યાં જાય છે. માટે આ દેવકુમાર જેવા પાંચકુમારોને સાથે લઇને તમે પણ એ સ્વયંવર મંડપને અલંકૃત કરો.' તે સાંભળી તત્કાલ પાંડુ રાજા પાંચકુમારો અને મોટી સેનાને સાથે લઇ વાજિંત્રો વગડાવતો કાંડિલ્યપુર તરફ ચાલ્યા અને નગર સમીપે આવ્યા. પુત્રસહિત પાંડુ રાજાને આવેલા જાણીને દ્રુપદ રાજાએ અતિ હર્ષ વડે મોટા ઉત્સવથી પુરપ્રવેશ કરાવ્યો. સ્વયંવર મંડપમાં ઘણા તેજસ્વી રાજકુમારો આવી આવીને પોત-પોતાને યોગ્ય સિંહાસન ઉપર બેસવા લાગ્યા. પાંચ કુમારોથી અલંકૃત પાંડુ રાજા પણ ત્યાં બેઠા. • દ્રૌપદીનો સ્વયંવર - અર્જુનનો રાધાવેધ :
તે સમયે સ્નાન કરી વીતરાગનું પૂજન કરીને આવેલી અને હાથમાં વરમાળાને ધારણ કરતી દ્રૌપદી સ્વયંવર મંડપમાં આવીને એક સ્તંભની પાસે પિતાની આગળ ઊભી રહી. પછી દ્રુપદ રાજાની આજ્ઞાથી છડીદાર એક ધનુષ્ય લાવી રાધાવેધના સ્તંભની પાસે મૂકીને સર્વ રાજાઓને કહેવા લાગ્યો, “હે સર્વ રાજાઓ ! સાંભળો.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૩૦