________________
તેણે ચરણના પ્રહાર કર્યા. કસાઇના ઘરમાંથી મેંઢી છૂટે તેમ તેની પાસેથી માંડ માંડ છૂટીને ધૂળથી લીંપાયેલા શરીરવાળી પાંચાલી તત્કાળ મત્સ્ય રાજાની સભામાં આવી.
ત્યાં ધર્મરાજાને જોઇને છૂટા કેશવાળી દ્રૌપદી ગુપ્તપતિના નામાક્ષરો યુક્ત આ પ્રમાણે વિલાપ કરવા લાગી, “હે રાજા ! જેઓ યુદ્ધમાં સ્થિર (યુધિષ્ઠિર), જેઓ ભીમભયંકર (ભીમસેન), જેઓ જયના ચિહ્નવાળા (અર્જુન) અને જેઓ ભુજાધારી (નકુળ અને સહદેવ) છે. તેઓ હોવા છતાં પણ કીચકે મારી કદર્થના કરી.” આવો વિલાપ કરતી દ્રૌપદીને કંક થયેલા ધર્મરાજે કૂટ રોષ અક્ષરોથી કહ્યું, “હે સ્ત્રી ! જો તારા પતિ કોઇ ઠેકાણે ગુપ્ત હશે અથવા તેમાં કોઈ ભીમ (ભયંકર) હશે તો તારું રક્ષણ કરશે. માટે અહીં વિઘ્ન કર નહીં. રાજમહેલમાંથી ચાલી જા. તે સાંભળી દ્રૌપદી ચાલી ગઈ.
રાત્રિએ દ્રૌપદીએ સર્વ વૃત્તાંત ભીમને કહ્યો. એટલે ભીમે મધુર વચને આશ્વાસન આપીને કહ્યું કે, “દુર્યોધનનો અપરાધ અમે સહન કર્યો છે, તે ધર્મપુત્રની સત્યતા માટે. પણ આ કીચકનો અપરાધ અમારે સહન કરવો યુક્ત નથી. માટે તમે તેને સ્નેહના કૂટ વચનથી સંગમના બહાને રંગમંડપમાં બોલાવો. પછી આજ રાત્રે ત્યાં જ હું તેને હણી નાંખીશ.” આવી રીતે કહી ભીમસેને તેને આશ્વાસન આપ્યું. પછી દ્રૌપદીને ત્યાંથી જતાં માર્ગમાં કીચક મળ્યો. એટલે તેણે કૂટસ્નેહનાં વચનો કહીને રાત્રે રંગમંડપમાં આવવાનું કહ્યું. એ અક્ષરો સાંભળી હર્ષ પામેલો તે મૂર્ણ રાત્રિના પહેલા જ પહોરમાં હે પ્રિયા ! તું ક્યાં છે ? તું ક્યાં છે? એમ પોકાર કરતો મંડપમાં આવ્યો. ત્યાં ભીમ દ્રૌપદીનો વેષ ધરીને બેઠો હતો. તેનો કીચકે સ્પર્શ કર્યો. એટલે તત્કાળ કોઈ ન જાણે તેમ ભીમે તેને મારી નાખ્યો અને પાછો વેગથી રસોડામાં જતો રહ્યો.
પ્રાતઃકાળે મૃત્યુ પામેલા કીચકને જોઈ તેના ભાઇઓ તેને શિબિકામાં બેસાડીને અગ્નિસંસ્કાર કરવા ચાલ્યા. ત્યાં આગળ સૈરંઘીને જોઇને આ સ્ત્રીને કારણે જ આપણા બંધુનો વધ થયો, તેમ બોલતા તેઓ દ્રૌપદીને કેશ વડે પકડી ખેંચીને લઇ ચાલ્યા અને તેને ચિતાગ્નિમાં નાખવા તૈયાર થયા. રુદન કરતી અને મનમાં પતિનું સ્મરણ કરતી દ્રૌપદીને તેઓ ચિતાની પાસે લાવ્યા. તે સમયે બળવાન ભીમસેન અકસ્માત ત્યાં આવી ચડ્યો અને કીચકના બંધુઓને કૂટી કૂટીને અગ્નિમાં નાખ્યા. દ્રૌપદીને દુઃખ મુક્ત કરી. કીચકોને કોઈ ગંધર્વોએ મારી નાખ્યા એવું જાણી વિરાટ રાજાએ બંધુઓના શોકથી વિહ્યલ એવી સુદૃષ્ણાને સમજાવ્યું, “હે સુલોચના ! કેટલાક દિવસ માટે તું આમ વ્યથિત બનીને મને દુઃખી ન કર ! કોપ છોડીને હમણાં એ સૈરંઘીનું તું સન્માન કર, જયારે સમય આવશે ત્યારે તેના ગુપ્ત રહેલા ગંધર્વપતિઓ પોતાની સ્ત્રીને લઈ જશે.' આવી રીતે પતિએ સમજાવવાથી સુદેષ્મા સ્વસ્થ થઈ.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૫૪