________________
પર્વતો જોઇ સર્વ દેવતાઓ પોતાના મનમાં આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યા કે, શું પૃથ્વી ઉપર આટલા બધા શત્રુંજયગિરિ છે ? અથવા શું તે એક હોવા છતાં આપણી ભક્તિથી આટલા રૂપે થયા છે ? એમ વિચારી અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યા વિના સર્વ પર્વતો ઉપર જુદી જુદી સ્નાત્રપૂજાદિક ક્રિયા કરી. પછી અઠ્ઠાઇ મહોત્સવ કરીને ત્યાંથી જવાની ઇચ્છા કરે છે, તેટલામાં શત્રુંજયગિરિ ઉપર એક શિખર પણ ન દેખાયું. તેથી સંભ્રમ પામી - ‘શું આપણી ભક્તિમાં આશાતના થવાથી આ વિમલગિરિ અદ્રશ્ય થયો હશે ? અથવા મનથી જવાનું ચિંતવવાથી આપણે જ ત્યાંથી દૂર આવી ગયા ? એમ વિચારી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને દેવીનું સર્વ કપટ જાણ્યું.
તેથી કોપાયમાન થયેલા તે દેવોએ મહાઘોર જ્વાળા તે દેવી પર મૂકી. તેનાથી અત્યંત બળતી તે મિથ્યાત્વી દેવી પરિવાર સહિત દીનતાપૂર્વક નમીને કહેવા લાગી, ‘હે દેવો ! તમે અમારા સ્વામી છો, અમે તમારી દાસીઓ છીએ. અમે અજ્ઞાનતાથી અવિચારિત કાર્ય કર્યું છે. હવે કદીપણ નહીં કરીએ. માટે આ એક અપરાધ ક્ષમા કરો.' આ સાંભળી દેવતાઓ બોલ્યા, ‘અરે તીર્થઘાતિની દુષ્ટા ! અમારી જેમ બીજાઓને પણ તું આવી રીતે ઠગે છે ? હે માંસભક્ષિણી ! તેં આ તીર્થને મલિન કર્યું. તને તીર્થની રક્ષા કરવા માટે રાખેલી છે, પણ તું તો ઉલટું તીર્થનો નાશ કરે છે. તે આવું દુષ્કૃત્ય કર્યું, માટે હવે તું હમણાં જ મૃત્યુ પામીશ.
દેવોનાં આવા વચન સાંભળી તે ભય પામીને શ્રી જિનેશ્વર ભગવંતના શરણે ગઇ અને વારંવાર ક્ષમા માંગવા લાગી. તેથી તેને દેવોએ છોડી મૂકી. સત્પુરુષો અપરાધી છતાં પણ નમેલા પ્રાણી ઉપર કોપ કરતા નથી. ત્યારથી હસ્તિનીદેવી હસ્તિસેનાપુરમાં ગઇ અને પૂર્વની જેમ તીર્થની રક્ષા અને સંઘભક્તિ કરવામાં તત્પર થઇ.
• શ્રી શત્રુંજયનો ચોથો - પાંચમો - છઠ્ઠો ઉદ્ધાર
એક વખત ચોથા દેવલોકના માહેન્દ્ર નામના ઇન્દ્ર શત્રુંજયગિરિ ઉપર આવ્યા અને પ્રભુના જીર્ણ થયેલા પ્રાસાદો જોઇને વિચાર્યું, જરૂર તે દેવીનું જ આ ચેષ્ટિત તે લાગે છે. એમ ચિંતવી દિવ્યશક્તિથી નવીન પ્રાસાદો કરાવ્યા. એ રીતે બાહુબલિ, કાદંબ, તાલધ્વજ, રેવતાદ્રિ અને બીજા શિખરોનો પણ ઉદ્ધાર કરાવ્યો. આ રીતે ઇશાનેન્દ્રના ઉદ્ધાર બાદ કરોડ સાગરોપમ ગયા પછી શત્રુંજય ઉપર માહેન્દ્ર કરેલો ચોથો ઉદ્ધાર થયો.
(ઇતિ ચતુર્થ ઉદ્ધાર)
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૩૮