________________
કકોદુંબર અને પીપળો એટલા વૃક્ષોનાં ફળ નિરંતર કીડાથી ભરેલા હોય છે, તેથી તે કદીપણ ખાવા નહીં. મધ, માંસ, માખણ અને મધ એ ચાર મહાવિગઈ છે, તેનો ત્યાગ કરવો. કારણ કે તે અનંત દોષને કરનારી છે. બરફ, વિષ, કરા, સર્વ જાતની માટી, તુચ્છ ફળ, રાત્રિભોજન, અનંતકાય, સંધાનક (બોળ અથાણું), રીંગણાં, અજાણ્યા ફલ, વાસી (ચલિત રસ), બહુબીજ અને કાચા ગોરસ સાથે મળેલા કઠોળ = દ્વિદળ એ સર્વનો ત્યાગ કરવો. આ બાવીસ પ્રકારના અભક્ષ્ય શ્રી જિનેશ્વરે કહેલા છે, તેનો ત્યાગ કર્યા વગર શ્રી આદિનાથ પ્રભુ તમારે કેવી રીતે પૂજવા યોગ્ય થાય? તે અભક્ષ્યોનું ભક્ષણ કરવાથી હીન જાતિ, અજ્ઞતા, રોગોત્પત્તિ અને દારિદ્રય પ્રાપ્ત થાય છે. તેમજ મૃત્યુ પામ્યા પછી નરકમાં જવું પડે છે. પ્રભુએ કહેલા આ અભક્ષ્યોને જાણીને તેનો જે ત્યાગ કરે, તે બુદ્ધિમાન પુરુષ પાપરહિત થઈ અનંત સુખ ભોગવી છેવટે મોક્ષે જાય છે.
ચક્રધરના આ વચનથી પ્રતિબોધ પામેલા તાપસી કહેવા લાગ્યા કે, “તમે અમારા માર્ગદર્શક છો. હે રાજા ! અંધ પુરુષ જેમ ચિંતામણિ ગુમાવે, તેમ મિથ્યાત્વપણાથી અમે અમારા જન્મનો આટલો કાળ વ્યર્થ ગુમાવ્યો.” ચક્રધરે કહ્યું, “હવે તમે ખેદ ન કરો અને મારી સાથે શ્રી ઋષભ પ્રભુને નમવા ચાલો.'
એમ કહી તેમને સાથે લઇ ચક્રધર રાજા જ્યાં સંઘ હતો ત્યાં આવ્યા. સંઘપતિને પત્ની, વિદ્યાધરો તથા તાપસો સહિત આવતા જોઈ સંઘના લોકો હર્ષથી વાજિંત્રો વગાડી ધવલ મંગલ ગાવા લાગ્યા. પછી રાજા તીર્થની અને સંઘની પૂજા કરીને પુંડરીકગિરિ ઉપર ચડ્યા. તે સમયે ઇન્દ્ર મોટો ઉત્સવ કર્યો. ત્યાં વિધિ પ્રમાણે પૂજા, આરતી, દાન અને ઇન્દ્રોત્સવ ઈત્યાદિ આદરસહિત કર્યા.
તે વખતે પેલા સિંહદેવે ચક્રધર પાસે પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “તમારા પિતાની કૃપાથી હું આટલી સમૃદ્ધિવાળો થયો છું. હે રાજા ! અહીં મરુદેવા નામના શિખર ઉપર તમારા પિતાનો એક પ્રાસાદ છે, ત્યાં જઈ હર્ષથી તેમની પૂજા કરો.' તેના વચનથી ચક્રધરે ત્યાં જઈ ભક્તિથી પૂજન કર્યું અને ત્યાં પણ પૂર્વની જેમ સર્વ ઉચિત કાર્ય કર્યું. સર્વ તાપસી શ્રી ઋષભદેવ પ્રભુનાં દર્શન કરી પોતાના જન્મને કૃતાર્થ માની હર્ષ પામ્યા. પછી કેવળી પ્રભુની આજ્ઞાથી સ્વર્ગગિરિથી ઉત્તર દિશાએ એક યોજન નીચે તે બધા તપસ્વીઓ રહ્યા. ત્યાં ઘાતકર્મનો ક્ષય થવાથી તેઓને એક સાથે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અનુક્રમે મુક્તિ પામ્યા. ત્યારથી તે સ્થાન તાપસગિરિ નામે પ્રખ્યાત થયું.
માહાભ્ય સાર : ૧૬૪