________________
ગંગાની પાસે તમે પ્રતિજ્ઞા કરી હતી કે, “હું તારું વચન ઉલ્લંઘન નહીં કરું. તે છતાં તમે તેની અવજ્ઞા કરી. તેથી તે મનસ્વિની ચાલી ગઇ છે.” આ પ્રમાણે મંત્રીઓએ સમજાવવાથી રાજાએ બાહ્યથી શોક છોડી દીધો. પરંતુ ચિત્તમાંથી તો જરાપણ છોડ્યો નહીં. આવી રીતે વિરહી શાંતનુ રાજાએ ચોવીસ વર્ષો નિર્ગમન કર્યા.
આ બાજુ ગંગા ગાંગેયને લઈ પોતાના પિતાને ઘેર ગઈ. જનુ રાજાએ સન્માન કરી તેને સુખે રાખી. મોશાળપક્ષમાં મોટા થતા ગાંગેયે ગુરુની પાસેથી આદરપૂર્વક સર્વ કલાઓ સંપાદન કરી તથા ચારણમુનિઓ પાસેથી ધર્મ પામીને વૈરાગ્યવાન થઇ, સર્વ જીવો પ્રત્યે દયાળુ થયો. પછી નંદન નામના વનમાં રહેલા શ્રી યુગાદિપ્રભુની આરાધના કરવા લાગ્યો. • વનમાં ગાંગેય અને શાંતનુનું પરસ્પર યુદ્ધ :
એ અરસામાં શાંતનુ રાજા મૃગયાના રસથી ભમતો ભમતો તે જ વનમાં આવી ચડ્યો. તેણે જાળવાળા અને પાશવાળા શિકારીઓથી તે આખા વનને ઘેરી લીધું. આ જોઇને ધનુષ્ય લઈ, બશ્વર પહેરી, ભાથારૂપ પાંખો બાંધી ગાંગેય ત્યાં આવ્યો અને તેણે વિનયથી રાજાને કહ્યું, “હે રાજા ! તમે ભૂપાળ છો. તેથી તમારી પૃથ્વી પરના સર્વ પ્રાણીઓની તમારે આપત્તિમાંથી રક્ષા કરવી જોઇએ. કારણ કે રાજા લોકપાળ કહેવાય છે. રાજાએ અપરાધીઓને મારવા અને નિરપરાધીઓને બચાવવા એવો તેનો ધર્મ છે. તેથી આ જળ અને ઘાસનો આહાર કરનારા નિરપરાધી પ્રાણીઓને તો કદીપણ મારવા ન જોઈએ. હે રાજા ! બળવાનું શત્રુ રાજાઓની સામે પરાક્રમ કરવું તે યોગ્ય છે. પણ આવા નિર્બળ પ્રાણીઓની સામે તમારું પરાક્રમ શોભતું નથી. જેમ તમે તમારા રાજયની સીમાની અંદર કોઈનો પણ અન્યાય સહન કરી શકતા નથી, તેમ આ વનનો હું રક્ષક છું. તેથી અહીં કાંઇપણ અન્યાય થાય, તો તેને હું સહન કરી શકીશ નહીં. આ પ્રમાણે ગાંગેયે ઘણું કહ્યું, તો પણ શાંતનુ રાજાએ તેની અવજ્ઞા કરી અને રોષ વડે તે શિકાર કરવા લાગ્યો.
પછી ગાંગેયે ક્રોધથી ધનુષ્ય ઉપર પણછ ચડાવી કર્ણમાં ભયંકર લાગે એવો ટંકાર અને સિંહનાદ કર્યો અને એકલાએ સર્વ શિકારીઓને ઉપદ્રવિત કરી નાંખ્યા. તેથી તત્કાળ શાંતનુએ ધનુષ્ય લઈ યુદ્ધ કરવા માટે તેને બોલાવ્યો. પછી બંને વીરો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એટલામાં કોઈ ચરપુરુષ દ્વારા આ સમાચાર સાંભળીને ગંગા જલ્દીથી ત્યાં આવી અને રાજાને કહેવા લાગી, “સ્વામી ! વ્યસનમાં ભાન ભૂલીને તમે આ શું કરો છો ? તત્ત્વને જાણવા છતાં પણ તમે પોતાના જ પુત્રની સાથે કેમ યુદ્ધ કરો છો ?' તે સાંભળી ગંગાને પ્રત્યક્ષ જોઇ, રાજા ઘણો ખુશ થયો
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૦૮